UP Hamirpur Bridge Collapse 2026: ઉત્તર પ્રદેશના (UP)હમીરપુરમાં મોડી રાત્રે આવેલા જોરદાર વાવાઝોડા અને તોફાન દરમિયાન એક મોટી અને કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સર્જાઈ છે. અહીં બેતવા નદી પર બની રહેલા એક મોટા નિર્માણાધીન પુલનો એક વિશાળ હિસ્સો અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો છે. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 6 મજૂરોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ અનેક મજૂરો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ દળ (Rescue Team) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને જેસીબી સહિતની ભારે મશીનરી વડે કાટમાળ હટાવી લોકોને બહાર કાઢવા માટે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. કાટમાળ નીચે હજુ પણ લોકો ફસાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની પ્રબળ આશંકા છે.
UP માં વાવાઝોડાએ મચાવી તબાહી
મળતી માહિતી મુજબ, હમીરપુરમાં મોરા કાંડર અને કુરાના વિસ્તારને આપસમાં જોડવા માટે આ નવા પુલનું નિર્માણ કામ ચાલી રહ્યું હતું. મોડી રાત્રે અચાનક શરૂ થયેલા તીવ્ર આંધી-તોફાનના કારણે પુલનો એક ભારે-ભરખમ સ્લેબ તૂટી પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દેશમાં પુલ તૂટવાની આ પહેલી ઘટના નથી. આ અગાઉ બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બનેલા વિક્રમશિલા બ્રિજનો એક મોટો હિસ્સો અચાનક તૂટીને નદીમાં ખાબક્યો હતો, જો કે અધિકારીઓની સતર્કતાને કારણે ત્યાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ સિવાય જમ્મુ જિલ્લાના બંતલાબ વિસ્તારમાં પણ ચાલુ વર્ષે 1 May ના રોજ એક નિર્માણાધીન પુલનો પિલર ધરાશાયી થતાં અનેક મજૂરોના મોત થયા હતા અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા હતા.
