ChhotaUdepur News/ અલીખેરવા કોમ્પ્લેક્સ પર નગરપાલિકાનો બુલડોઝર? દુકાનદારોમાં ફફડાટ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના અતિ વ્યસ્ત અને ધમધમતા અલીપુરા ચાર રસ્તા પર અલીખેરવા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો અગાઉ શોપિંગ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

Gujarat Others
શોપિંગ

ChhotaUdepur News: બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આવેલા અલીપુરા ચાર રસ્તા પર અલીખેરવા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સ સામે નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોમ્પ્લેક્સને નોટિસ ફટકારવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા સાથે દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના અતિ વ્યસ્ત અને ધમધમતા અલીપુરા ચાર રસ્તા પર અલીખેરવા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો અગાઉ શોપિંગ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કોમ્પ્લેક્સમાં હાલ વિષ્ણુ ફરસાણ, લક્ષ્મી પાંવભાજી સહિત અનેક ખાણીપીણી અને વેપાર ધંધાની દુકાનો કાર્યરત છે, જ્યાં રોજે રોજ મોટી સંખ્યામાં નગરજનોની અવરજવર રહે છે.

બોડેલી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી સીઝનમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોવાના કારણે પાણીના યોગ્ય નિકાલ માટે અલીપુરા ચાર રસ્તા પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા એક નાગરિક દ્વારા સ્વાગત ઓનલાઇન અરજી કરવામાં આવી હતી. આ અરજીના અનુસંધાને બોડેલી નગરપાલિકા દ્વારા દબાણો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ કાર્યવાહી દરમ્યાન માત્ર દબાણો જ નહીં પરંતુ અન્ય કોમ્પ્લેક્સ અને દુકાનોને પણ નોટિસો ફટકારવામાં આવતા સમગ્ર શહેરમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. ગ્રામ પંચાયત દ્વારા નિયમિત હરાજી પ્રક્રિયા કરીને આ કોમ્પ્લેક્સની દુકાનો વેપારીઓને ફાળવવામાં આવી હતી. પરંતુ બોડેલી ગામ નગરપાલિકા બન્યા બાદ આ વિસ્તાર નગરપાલિકા હદમાં આવતા હવે જુના બાંધકામો અને મિલકતોના કાયદેસર દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંતર્ગત બોડેલી નગરપાલિકા દ્વારા શહેરના ઢોકલીયા, ચાચક, અલીખેરવા તેમજ બોડેલી સહિત વિસ્તારોમા આવેલા મોટા ભાગની કુલ 17 જેટલી જગ્યાઓને નોટિસો ફટકારવામાં આવી છે. જેમાં અલીખેરવા ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલા આ શોપિંગ કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે. નગરપાલિકા દ્વારા કોમ્પ્લેક્સના નકશા, બાંધકામની પરવાનગી, પ્રોપર્ટી કાર્ડની નકલ સહિતના જરૂરી દસ્તાવેજો 7 દિવસની અંદર રજૂ કરવા માટે લેખિત નોટિસ આપવામાં આવી છે.

નગરપાલિકાની આ અચાનક કાર્યવાહીથી કોમ્પ્લેક્સમાં વેપાર કરતા દુકાનદારોમાં ભય અને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. દુકાનદારોનું કહેવું છે કે ગ્રામ પંચાયત દ્વારા કાયદેસર હરાજી મારફતે દુકાનો આપવામાં આવી હતી અને તેઓ વર્ષોથી નિયમિત ભાડું ચૂકવી રહ્યા છે. તેમ છતાં નોટિસ મળતા તેમના રોજગાર પર સંકટ ઊભું થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીજી તરફ, બોડેલી નગરપાલિકા તંત્રનું કહેવું છે કે શહેર વિસ્તારમાં આવેલા તમામ બાંધકામો કાયદા મુજબ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. નક્કી કરેલા સમયગાળા દરમિયાન જરૂરી દસ્તાવેજો રજૂ ન થાય તો આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ સમગ્ર મામલે બોડેલી શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘના ધામા, પગના નિશાન આધારે વન વિભાગનો દાવો

આ પણ વાંચો:છોટાઉદેપુરમાં ભાજપને મોટો ઝટકો

આ પણ વાંચો:છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના પીઠા ગામ પાસે ગંભીર અકસ્માત, 8 ખેત મજૂરોને ગંભીર ઇજા