Gandhinagar News : ગુજરાતના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા જણાવ્યું છે કે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ. 79,179 કરોડના શહેરી વિકાસના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમૃત મિશન 1.0 હેઠળ રૂ. 5165 કરોડથી વધુ અને અમૃત મિશન 2.0 હેઠળ રૂ. 17,717 કરોડથી વધુના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વતી વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અમૃત મિશન 1.0 વર્ષ 2015 થી 2021 દરમિયાન અમલમાં હતું, જેના હેઠળ કુલ રૂ. 5165.96 કરોડના કામો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, વર્ષ 2021 થી અમૃત મિશન 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં રૂ. 17,717 કરોડના કામો પ્રગતિમાં છે અથવા પૂર્ણ થઈ ગયા છે. તેમણે ઉમેર્યું કે આ સિવાય સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ 2025-26 માટેની સૂચિત જોગવાઈ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ. 79,179 કરોડના શહેરી વિકાસના કામો રાજ્યમાં કરવામાં આવ્યા છે.
આ યોજનાની મહત્વતા સમજાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે અને વધતી જતી શહેરીકરણની ગતિ અને તેના કારણે ઉભા થતા પડકારોને પહોંચી વળવા માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2009 માં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના શહેરોનો સર્વાંગી વિકાસ કરવાનો છે.
મંત્રીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજકોટ જિલ્લાની ભાયાવદર, ધોરાજી અને જસદણ નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ધોરાજી નગરપાલિકામાં ચાલી રહેલા કામોની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર યોજના (ભાગ-2) માં પમ્પિંગ સ્ટેશન, ડી.આઇ. અને આર.સી.સી. પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, કમ્પાઉન્ડ વોલ અને 2 વર્ષ સુધીના સમારકામ અને નિભાવણીના કામોનો સમાવેશ થાય છે. આ કામ માટે ગુજરાત શહેરી વિકાસ કંપની દ્વારા 27 જૂન, 2024 ના રોજ વર્કઓર્ડર આપવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 65% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
આમ, રાજ્ય સરકારે શહેરી વિકાસને પ્રાથમિકતા આપી છે અને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને અમૃત મિશન જેવી યોજનાઓ દ્વારા શહેરોમાં માળખાકીય સુવિધાઓ વધારવા અને નાગરિકોના જીવનધોરણને સુધારવા માટે નોંધપાત્ર કામગીરી કરી છે. મંત્રી ઋષિકેશ પટેલે આ કામગીરીને રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી.
આ પણ વાંચો: દાહોદમાં મનરેગા કૌભાંડનો આંકડો વધ્યો, મંત્રીઓ માટે પણ ‘મનરેગા’!
આ પણ વાંચો: વસ્ત્રાલના બનાવ બાદ પોલીસ ફરીથી ટ્રેડિશિનલ પોલીસિંગના માર્ગે, દર રવિવારે ગુનેગારોને ક્રાઈમ બ્રાંચ બોલાવાશે
