US VISA Stay Rules: અમેરિકામાં ઇમિગ્રેશન (US Immigration ) નિયમોને લઈને ગેરસમજ વચ્ચે ભારતીય દૂતાવાસે (Indian Embassy Advisory USA) મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે, અમેરિકા આવનારા કોઈ પણ વિદેશી યાત્રી કેટલા દિવસ ત્યાં રોકાઈ શકે, તે વિઝા (Visa) ની એક્સપાયરી ડેટ પરથી નક્કી થતું નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રના સમયમાં ઇમિગ્રેશન નિયમોમાં કડકાઈ વધતા, અનેક મુસાફરોમાં આ મુદ્દે ગેરસમજ ફેલાઈ હતી. જેને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે એક્સ (X) પર એડવાઈઝરી જાહેર કરી છે.
ભારતીય દૂતાવાસે શું કહ્યું?
દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “અમેરિકામાં કોઈ પણ વિદેશી યાત્રી કેટલા દિવસ રોકાશે તે નિર્ણય Customs and Border Protection (CBP) અધિકારી લે છે. આનો વિઝા (Visa) ની એક્સપાયરી તારીખ સાથે કોઈ સંબંધ નથી.” દૂતાવાસે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ પોતાના રોકાવાની મંજૂરી જાણવા માટે I-94 ફોર્મ જરૂરથી તપાસે.
I-94 ફોર્મ શું છે?
I-94 ફોર્મ એ એક સત્તાવાર દસ્તાવેજ છે, જેમાં દર્શાવવામાં આવે છે કે: મુસાફરને અમેરિકામાં કેટલા દિવસ રોકાવાની મંજૂરી આપવામાં આવી છે. કઈ તારીખ સુધી તે કાયદેસર રીતે અમેરિકા રહી શકે. દૂતાવાસે જણાવ્યું કે બે મહિના પહેલાં પણ આ અંગે સમાન એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી.
I-94 ફોર્મ કોને અને કેવી રીતે મળે છે?
ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી અનુસાર: હવાઈ અથવા સમુદ્રી માર્ગે અમેરિકા આવનારા યાત્રીઓને ઇલેક્ટ્રોનિક I-94 ફોર્મ આપમેળે આપવામાં આવે છે, તેના માટે અલગથી અરજી કરવાની જરૂર નથી.
ઇમિગ્રેશન Visa ધરાવનાર લોકોને I-94 ફોર્મથી છૂટ
જમીન માર્ગે અમેરિકા પ્રવેશ કરનારા મુસાફરોને I-94 માટે અરજી કરવી પડે છે, જે બોર્ડર પર સમય બચાવવા માટે સત્તાવાર વેબસાઇટ પર પહેલેથી કરી શકાય છે. ઇમિગ્રેશન વિઝા (Permanent Resident/Green Card) ધરાવનાર લોકોને I-94 ફોર્મથી છૂટ આપવામાં આવી છે.

તાજેતરના ઇમિગ્રેશન પગલાં
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમેરિકન પ્રમુખે 19 દેશોના મુસાફરો પર પ્રતિબંધ લગાવ્યો છે, જેમાં અફઘાનિસ્તાન અને સીરિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. આ પગલાં બાદ વૈશ્વિક સ્તરે ઇમિગ્રેશન નિયમોને લઈને ચિંતા વધી છે.
મુસાફરો માટે મહત્વની સલાહ
માત્ર વિઝાની એક્સપાયરી તારીખ જોઈને અમેરિકામાં રોકાવાનું આયોજન ન કરો
હંમેશા I-94 ફોર્મમાં દર્શાવેલી તારીખનું પાલન કરો
નિયમ ભંગ થવાથી કાનૂની મુશ્કેલી અને ભવિષ્યના વિઝા પર અસર પડી શકે છે

