પક્ષ પલટો/ યોગી સરકારના 15માં ધારાસભ્યનું રાજીનામું,આજે 7 MLAએ પાર્ટી છોડી

ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યોના રાજીનામા આપવાનો સીલસીલો યથાવત છે, ગુરુવારે એક પછી એક સાત ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું

Top Stories India

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યોના રાજીનામા આપવાનો સીલસીલો યથાવત છે, ગુરુવારે એક પછી એક સાત ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ ક્રમમાં નવા રાજીનામું આપનારા ધારાસભ્યોમાં અપના દળના ચૌધરી અમર સિંહનું નામ સામેલ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે અપના દળ યુપીમાં સત્તારૂઢ ભાજપનું સહયોગી છે.

અપના દળના ધારાસભ્ય ચૌધરી અમર સિંહે રાજીનામું આપ્યા બાદ કહ્યું કે હવે વધુ લોકો પાર્ટી છોડીને અમારી સાથે જોડાશે. ચૌધરી અમર સિંહ સપામાં જોડાશે. તેમણે કહ્યું, “મેં મારું રાજીનામું આપી દીધું છે; આજે અખિલેશ યાદવને મળ્યો અને તેમની સાથે જોડાઈશ. આ સરકાર ખોટી છે, કોઈ વિકાસ થયો નથી. ટૂંક સમયમાં વધુ લોકો અમારી સાથે જોડાશે.” અમર સિંહ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગર જિલ્લાની 17મી વિધાનસભાના સભ્ય છે. તેઓ ઉત્તર પ્રદેશના શોહરતગઢ મતવિસ્તારના ધારાસભ્ય છે.

ઉત્તર પ્રદેશની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં ઘમાસાન મચી જવા પામ્યો છે. અત્યાર સુધીમાં કુલ 15 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. તેમાં સ્વામી પ્રસાદ મૌર્ય જેવા મંત્રીઓનો સમાવેશ થાય છે, જેમણે ભગવા પાર્ટી પર ઓબીસી અને દલિતોની અવગણના કરવાનો આરોપ લગાવીને રાજીનામું આપ્યું હતું. ગુરુવારે ભાજપના 7 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

ગુરુવારે રાજીનામું આપનારા ધારાસભ્યોમાં વિનય શાક્ય, મુકેશ વર્મા અને સીતારામ વર્માનો સમાવેશ થાય છે. તે જ સમયે, યોગી સરકારમાં મંત્રી રહી ચૂકેલા ધરમપાલ સિંહ સૈનીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બાલા પ્રસાદ અવસ્થી અને રામફેરન પાંડેએ પણ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. આ તમામ સહિત 7 ધારાસભ્યોએ ગુરુવારે જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.