બેંગ્લુર
કર્ણાટકમાં સરકાર બનાવવા માટે રહા જોઈ રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ+જનતા દળ (સેક્યુલર) રાજ્યપાલ વજુભાઈ વાળાના નિર્ણયની રાહ જોઈને બેઠા છે.કર્ણાટકમાં કોઇ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળ્યાં પછી હવે બોલ રાજ્યપાલ વજુભાઇ વાળાના કોર્ટમાં આવ્યો છે.50 કરતાં વધુ વર્ષોથી આરએસએસ સાથે જોડાયેલાં અને ગુજરાત સરકારમાં લાંબો સમય નાણામંત્રી રહેલા વજુભાઇ વાળા સૌથી વધુ સીટો મેળવેલી ભારતીય જનતા પાર્ટીને સરકાર રચવા આમંત્રણ આપે તેવી પુરી શક્યતા છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે મંગળવારે જેડીએસના કેટલાંક નેતાઓ રાજ્યપાલને મળવા ગયા ત્યારે તેમને મુલાકાતનો સમય આપવામા નહોતો આવ્યો.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો એવા આવ્યા છે કોઈ એક પાર્ટી માટે સરકાર બનાવવી મુશ્કેલ છે. દાવો ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો તરફથી કરવામાં આવી રહ્યો છે, એવામાં નિર્ણય હવે રાજ્યપાલે પોતાના વિવેકના આધારે લેવાનો છે.
પુર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું માનવું છે કે રાજ્યપાલે સૌથી વધુ સીટો મેળવનારી પાર્ટીને સરકાર બનાવવા પહેલાં આમંત્રણ આપવું જોઇએ.આમંત્રણ મેળવનાર પાર્ટી જે ફ્લોર પર બહુમતી સાબિત ના કરી શકે તો એવી સ્થિતિમાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટીને આમંત્રણ આપવું જોઇએ અને જો તે પણ તેમની બહુમતી સાબિત કરી ના શકે તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઇએ.
કેટલાંક રાજકીય પંડિતો એવું પણ માને છે કે ચૂંટણી પહેલાં કે ચૂંટણી પછી જે પક્ષોએ ગઠબંધન કર્યું હોય અને તેવા પક્ષો ફ્લોર પર બહુમતી સાબિત કરી શકે તેવી સ્થિતિમાં હોય તેવા સંજોગોમાં તેવા પક્ષોને રાજ્યપાલે આમંત્રણ આપવું જોઇએ.
આવા સંજોગોમાં પણ બોલ રાજ્યપાલના કોર્ટમાં રહે છે.
રાજ્યપાલ વજુભાઈ વાળા વિશે જાણવાની કોશિશ કરશો તો ખ્યાલ આવશે કે તેઓ નરેન્દ્ર મોદીના સૌથી વફાદાર લોકોમાંથી એક રહ્યા છે. ગુજરાત સરકારના નાણાં મંત્રી અને વિધાનસભા અધ્યક્ષ રહી ચુકેલા વજુભાઈએ મોદીને વિધાનસભા સુધી પહોંચાડવા માટે પોતાની રાજકોટની બેઠક છોડી દીધી હતી. એવામાં અહીં એ રસપ્રદ રહેશે કે વજુભાઈ કોના પક્ષમાં ત્રાજવું નમાવે છે.
