Vadodara News: વડોદરા CNG PNG ભાવવધારો લાગુ થતાં દિવાળીના તહેવારો વચ્ચે નાગરિકો પર વધુ એક બોજ પડ્યો છે. વડોદરા ગેસ લિમિટેડ એટલે કે વીજીએલ દ્વારા 1 નવેમ્બરથી સીએનજી અને પાઇપલાઇન ગેસ એટલે કે PNGના છૂટક ભાવમાં વધારો કરાયો છે. કંપનીનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય ગેસ ભાવ અને ડોલરના વિનિમય દરમાં વધારાને કારણે આ નિર્ણય લેવાયો છે.
વડોદરામાં CNG-PNGનો ભાવ વધ્યો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગેલ ગેસ લિમિટેડના સંયુક્ત સાહસ વડોદરા ગેસ લિમિટેડ (Vadodara Gas Limited) દ્વારા છૂટક ભાવમાં ફરી વધારો કરાયો છે. નવા ભાવનો અમલ 1 નવેમ્બરથી થયો છે.
સીએનજી ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 1.50નો વધારો કરાયો છે. વડોદરા જિલ્લામાં અગાઉ રૂ. 89 પ્રતિ કિલોગ્રામે મળતો સીએનજી હવે રૂ. 90.50 થયો છે.
પાઇપલાઇન ગેસ ભાવ (piped gas price)માં પ્રતિ ઘનમીટર 50 પૈસાનો વધારો થયો છે. અગાઉ રૂ. 55.74 પ્રતિ ઘનમીટરનો ભાવ હવે રૂ. 56.24 (વેટ સિવાય) થયો છે. આથી વાહનચાલકો ઉપરાંત રસોઈ માટે પાઇપલાઇન ગેસ વાપરતા પરિવારોના માસિક બજેટ પર પણ વધારાનો બોજ પડશે.
ભાવવધારાનું કારણ શું?
કંપનીએ ભાવવધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ અને ડોલરના વિનિમય દરમાં થયેલા વધારાને કારણ ગણાવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ વર્ષ 2025-2026 દરમિયાન આયાતી પ્રવાહી કુદરતી ગેસ (આરએલએનજી)ની લેન્ડેડ કિંમતમાં 26 ટકા અને ઘરેલુ ગેસની કિંમતમાં 19 ટકાનો વધારો થયો છે. અમેરિકી ડોલરના વિનિમય દરમાં 8 ટકાનો વધારો થતાં ડોલર આધારિત ગેસની કિંમતમાં પણ વધારો થયો છે.
તાજેતરમાં અદાણી ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 4.45નો વધારો કરાયો હતો. આ દિવાળી મોંઘવારી (Diwali inflation)માં વાહનચાલકો, રિક્ષાચાલકો, મધ્યમ વર્ગના પરિવારો અને નાના વેપારીઓને વધુ એક ફટકો પડશે.
5 વર્ષમાં ગેસના ભાવમાં વધારો
વર્ષ 2021માં CNGનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 53 હતો, જે હવે વધીને રૂ. 90.50 થયો છે. એટલે કે પાંચ વર્ષમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 37.50નો વધારો થયો છે. વર્ષ 2022માં પાઇપલાઇન ગેસનો ભાવ પ્રતિ ઘનમીટર રૂ. 35.65 હતો, જે હવે રૂ. 56.24 થયો છે. આમ ચાર વર્ષમાં પ્રતિ ઘનમીટર રૂ. 20.59નો વધારો થયો છે.
ભાવવધારાથી 3.97 લાખ ગ્રાહકો પર અસર
વીજીએલ દ્વારા શહેરમાં 2.82 લાખ ઘરો, 3 હજાર વ્યાપારી એકમો અને 71 ઔદ્યોગિક એકમોને પાઇપલાઇન ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
કંપની રોજ 1.60 લાખ કિલોગ્રામથી વધુ CNGનું વિતરણ કરે છે અને 1.15 લાખથી વધુ વાહન ગ્રાહકોની જરૂરિયાત પૂરી પાડે છે. આટલા મોટા ગ્રાહકવર્ગ પર ભાવવધારાની સીધી અસર થશે. દિવાળીના તહેવાર દરમિયાન જ ગેસના ભાવ વધતાં નાગરિકોએ ઘરખર્ચ અને વાહનના ઇંધણ પાછળ વધુ નાણાં ફાળવવા પડશે.
આ પણ વાંચો: 1 નવેમ્બરથી બદલાશે 5 મોટા નિયમો, ગેસથી લઈને ટેક્સ સુધી જાણો શું પડશે અસર!
આ પણ વાંચો: અમદાવાદમાં CNG ગેસ પ્રતિ કિલો રૂપિયા 4.45 મોંઘો થયો, નવો દર રૂપિયા 98.47, વાહનચાલકોને મુશ્કેલી
આ પણ વાંચો: પાકિસ્તાનમાં LPG સિલિન્ડર ₹7000ને પાર, ઈરાનથી સપ્લાય બંધ થતાં ગેસની અછત
