Vadodra News: જિલ્લાના ડેસર તાલુકાના શિહોરા-રાણીયા ચોકડી ખાતે 400થી વધુ પશુપાલકોએ(Vadodara Milk Farmers Protest) બરોડા ડેરી સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા આઠ દિવસથી દૂધનો સ્વીકાર બંધ થતાં અને પોષણક્ષમ ભાવ નહીં મળતા નારાજ પશુપાલકોએ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને નિઃશુલ્ક દૂધ પીવડાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
7 ગામોના પશુપાલકો આંદોલનમાં જોડાયા
નવા શિહોરા, જૂના શિહોરા, પીપળિયા સહિત કુલ સાત ગામોના પશુપાલકો આ વિરોધમાં ((Vadodara Milk Farmers Protest))જોડાયા હતા. પશુપાલકોનું કહેવું છે કે દૂધ ઉત્પાદન પાછળ ભારે મહેનત અને ખર્ચ થાય છે, પરંતુ બરોડા ડેરી દ્વારા યોગ્ય ભાવ આપવામાં આવતો નથી. તેઓ અમૂલ ડેરીની જેમ પારદર્શક વ્યવસ્થા અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.
ફેટ અને સેમ્પલિંગ પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
પશુપાલકોનો આક્ષેપ છે કે બરોડા ડેરીમાં (Baroda Dairy) દૂધની ફેટ ચકાસણી, વજન અને સેમ્પલિંગ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે. તેમના જણાવ્યા મુજબ, પ્રતિ કિલો ફેટ દીઠ આશરે રૂ.30 જેટલો ઓછો ભાવ આપવામાં આવે છે. પશુપાલકોની માંગ છે કે અમૂલ ડેરીની જેમ ઓટોમેટેડ ટેસ્ટિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવે જેથી દરેક ઉત્પાદકને યોગ્ય ભાવ મળી શકે.
ધારાસભ્યએ રજૂઆત કરી છતાં ઉકેલ નહીં
આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગને રજૂઆત કરી હોવાનું પશુપાલકો જણાવે છે. જોકે હજુ સુધી કોઈ સકારાત્મક નિર્ણય ન આવતા પશુપાલકોમાં (Vadodara Milk Farmers Protest)અસંતોષ વધી રહ્યો છે. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
‘દૂધ વેડફવું નહીં, લોકોને પીવડાવ્યું’
પશુપાલક સવિતાબેન પરમારે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી દૂધનો ઉપાડ બંધ હોવાથી પશુપાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. પશુઓનો ઘાસચારો, દાણા અને અન્ય ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની રહ્યો છે. તેમણે જણાવ્યું કે દૂધ વેડફવાના બદલે લોકોને પીવડાવવાનું પસંદ કર્યું છે, જેથી મહેનતનું ઉત્પાદન વ્યર્થ ન જાય.
‘અમારે દૂધ ક્યાં આપવું તે અમારો અધિકાર’
પશુપાલક હિતેન્દ્ર પરમારે જણાવ્યું કે પશુપાલકોને પોતાનું દૂધ ક્યાં વેચવું તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે કઈ ડેરીમાં દૂધ આપવું તે અધિકારીઓ કેવી રીતે નક્કી કરી શકે? તેમના મતે, એસી ઓફિસોમાં બેસીને લેવાતા નિર્ણયો કરતાં ગામડાના પશુપાલકોની વાસ્તવિક સ્થિતિને સમજવાની જરૂર છે.
અમૂલમાં વધુ ભાવ મળતા ત્યાં દૂધ આપવાની માંગ
પશુપાલકોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રાણિયા અમૂલ ડેરીમાં (Amul Dairy) દૂધ આપી રહ્યા હતા, જ્યાં વધુ ભાવ, સારું ફેટ અને બોનસ મળતું હતું. પરંતુ ક્ષેત્રવાર નિયમોના કારણે છેલ્લા કેટલાક દિવસોથી અમૂલ ડેરીએ દૂધ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. પશુપાલકોની મુખ્ય માંગ છે કે ફરીથી અમૂલ ડેરીમાં તેમનું દૂધ સ્વીકારવાની મંજૂરી આપવામાં આવે.
ઉકેલ નહીં આવે તો ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી
પશુપાલકોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધીનગર સુધી મોટું આંદોલન કરશે( Desar Protest). સમગ્ર ગુજરાતના પશુપાલકોને સાથે લઈને સરકાર સામે લડત લડવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરાના પ્રતાપનગર-બરોડા ડેરી રોડ પર ONGC નજીક ભયાનક અકસ્માત, ત્રણ ઘાયલ
આ પણ વાંચો: બરોડા ડેરીમાં શરૂ થયું પડકારો ફેંકવાનું અને ઝીલવાનું રાજકારણ
