Baroda Dairy Election 2026: સહકારી ક્ષેત્રમાં દબદબો ધરાવતી બરોડા ડેરીની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. આગામી 18 માર્ચના રોજ 13 ડિરેક્ટરોની બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દરમિયાન આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં પૂર્વ ભાજપ પ્રમુખ અને ડેરીના પૂર્વ ચેરમેન સતિષ પટેલે પોતાનું ફોર્મ ભરીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
પાર્ટી મેન્ડેટ પર સતિષ પટેલનો આત્મવિશ્વાસ
ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પૂર્વ ચેરમેન સતિષ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મેં ભાજપમાં વર્ષોથી સેવા આપી છે. આજે હું ફોર્મ ભરવા આવ્યો છું અને મને પૂરો વિશ્વાસ છે કે પાર્ટી મને જ મેન્ડેટ આપશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે પક્ષ જે રીતે સૂચના આપશે તે રીતે અમે આગળ કામ કરીશું.

જૂના વિવાદો પર શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે સતિષ પટેલને મેન્ડેટ મળ્યો હતો ત્યારે ડેરીના રાજકારણમાં મોટો વિરોધ જોવા મળ્યો હતો. આ બાબતે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે, “અગાઉ વિરોધ બાદ પણ હું ચેરમેન બન્યો હતો. રાજકારણમાં વિરોધ જેવું કશું હોતું નથી, એ બધી પ્રક્રિયાનો એક ભાગ છે.” તેમની આ વાતો સૂચવે છે કે તેઓ આ વખતે પણ જોરશોરથી મેદાનમાં છે.
Baroda Dairy: 18 માર્ચે ખેલાશે ચૂંટણી જંગ
બરોડા ડેરીના 13 ડિરેક્ટરોની બેઠક માટે 18 માર્ચે મતદાન યોજાશે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકો સાથે સંકળાયેલી આ સંસ્થાના વહીવટ પર કબજો મેળવવા માટે ભાજપ પ્રેરિત પેનલો વચ્ચે આંતરિક ખેંચતાણ પણ જોવા મળી શકે છે. સતિષ પટેલના ફોર્મ ભરવા સાથે જ હવે અન્ય કયા દિગ્ગજો મેદાનમાં આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: વડોદરાના પ્રતાપનગર-બરોડા ડેરી રોડ પર ONGC નજીક ભયાનક અકસ્માત, ત્રણ ઘાયલ
આ પણ વાંચો: બરોડા ડેરીમાં શરૂ થયું પડકારો ફેંકવાનું અને ઝીલવાનું રાજકારણ
આ પણ વાંચો: ચૂંટણી આવતા જ બરોડા ડેરીનું રાજકારણ ગરમાયું : દીનુ મામા V/s કેતન ઈનામદારનો જંગ
