Vadodara Police Transfer News: સંસ્કારી નગરી વડોદરાના પોલીસ વિભાગમાં મોટાપાયે આંતરિક બદલીઓનો દોર શરૂ થયો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા વહીવટી અને સુરક્ષાના કારણોસર 9 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સહિત કુલ 20 પોલીસકર્મીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ખાસ કરીને અતિ મહત્વની ગણાતી SOG અને PCB શાખામાં થયેલા ફેરફારોને પગલે પોલીસ બેડામાં ‘કહી ખુશી, કહી ગમ’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
9 PI ની આંતરિક બદલી
પોલીસ કમિશનરના આદેશ અનુસાર, શહેરમાં લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 9 પોલીસ ઇન્સ્પેક્ટરોને વિવિધ પોલીસ સ્ટેશનો અને સ્પેશિયલ યુનિટ્સમાં ખસેડવામાં આવ્યા છે. આ ફેરફાર પાછળ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવાનો હેતુ હોવાનું જણાઈ રહ્યું છે.


SOG અને PCB માં મોટું ઓપરેશન
તાજેતરમાં એસ.ઓ.જી. (SOG) ના એક ASI ડ્રગ્સ કેસમાં ઝડપાયા બાદ વિભાગમાં ભારે ચર્ચાઓ જાગી હતી. આ ઘટનાને પગલે અગાઉ PI એસ. ડી. રાતડાની બદલી બાદ હવે કમિશનરે વધુ કડક વલણ અપનાવ્યું છે. SOG અને પીસીબી (PCB) માંથી 11 જેટલા હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ અને કોન્સ્ટેબલોને હટાવીને અન્ય જગ્યાએ મૂકી દેવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી વિભાગમાં શિસ્તનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Vadodara Police કર્મચારીઓમાં નારાજગી અને ફફડાટ
એકસાથે થયેલી આ બદલીઓને કારણે કેટલાક પોલીસ કર્મચારીઓમાં છૂપો રોષ અને નારાજગી પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ક્રાઈમ બ્રાન્ચની મહત્વની શાખાઓમાંથી બદલી થતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
આ પણ વાંચો:વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગમાં બદલીનો ઘાણવો, 9 PIની આંતરિક બદલીથી વિભાગમાં ખળભળાટ
આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્યમાં 19 PI અને 41 PSIની બદલી, પોલીસ વિભાગમાં ચર્ચા
આ પણ વાંચો:નવા વર્ષની પહેલાં મહેસાણા જિલ્લા પોલીસમાં મોટો ગંજીફો, 206 પોલીસકર્મીઓની સાગમટે બદલી
