Vadodara News: શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં સાડા ત્રણ ફૂટથી વધુ લાંબી પાટલા ઘો (મોનિટર લિઝાર્ડ) ઘૂસી આવતાં પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ (Monitor Lizard Rescue) ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સાવચેતીપૂર્વક પ્રાણીનું સફળ રેસ્ક્યૂ કરીને તેને તેના કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું હતું.
Monitor Lizard Rescue: વોશિંગ મશીન પાછળ છુપાઈ ગઈ હતી
માહિતી મુજબ, શ્રીનાથજી સોસાયટીમાં રહેતા બસંતભાઈના ઘરમાં વોશિંગ મશીનની પાછળ એક વિશાળ સરિસૃપ દેખાતા પરિવારજનો ગભરાઈ ગયા હતા. શરૂઆતમાં તેઓ પ્રાણીને ઓળખી શક્યા નહોતા, તેથી તરત જ સ્થાનિક રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કર્યો. રેસ્ક્યૂઅર નિતિન સોલંકી અને પ્રીતેશ સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે જરૂરી સાવચેતી સાથે પાટલા ઘોને બહાર કાઢી સુરક્ષિત રીતે કબજે લીધી હતી. સફળ રેસ્ક્યૂ (Monitor Lizard Rescue) બાદ પરિવારજનો અને આસપાસના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
કુદરતી રહેઠાણમાં મુક્ત કરાઈ
રેસ્ક્યૂ (Monitor Lizard Rescue) બાદ પાટલા ઘોને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના તેના કુદરતી નિવાસસ્થાને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી હતી. રેસ્ક્યૂ ટીમે લોકોને જંગલી પ્રાણીઓ દેખાય ત્યારે ગભરાવાની જગ્યાએ નિષ્ણાતોની મદદ લેવાની અપીલ પણ કરી હતી.
પાટલા ઘો વિશે જાણો
પાટલા ઘો, જેને મોનિટર લિઝાર્ડ અથવા કેટલાક વિસ્તારોમાં ચંદન ઘો તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સરિસૃપ વર્ગનું મોટું પરંતુ બિનઝેરી પ્રાણી છે. લોકોમાં ઘણી વખત તેના વિશે ખોટી માન્યતા હોય છે કે તે અત્યંત ઝેરી હોય છે, પરંતુ હકીકતમાં તે માનવ માટે ઝેરી નથી.
નાની ઉંમરે તેનું શરીર પીળાશ પડતું હોય છે અને ઉંમર વધતાં તેનો રંગ ઘેરો બનતો જાય છે. તેની લંબાઈ આશરે 1.75 મીટર અથવા તેથી વધુ થઈ શકે છે. તેનો મુખ્ય ખોરાક નાના જીવજંતુઓ, ગરોળી, સાપ, ઈંડાં અને અન્ય નાના પ્રાણીઓ હોય છે. આ પ્રાણી પર્યાવરણમાં જૈવિક સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચો:ભારતના આ 5 નેશનલ પાર્કમાં માણો બોટ સફારી, મગરના જન્મથી લઈને તરતા વાઘ સુધીનો રોમાંચ
આ પણ વાંચો:વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, વડોદરાના વિકાસે ઉભી કરી ચિંતા
