Gujarat Local Body Election 2026/ ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠક પર તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, હવે શું થશે ?

ખેડા જિલ્લાની ફાગવેલ તાલુકા પંચાયતની Chikhlod બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. નવા સીમાંકન સામે ગ્રામજનોના વિરોધને પગલે આ નિર્ણય લેવાયો.

Top Stories Gujarat
Chikhlod Seat Phagvel Taluka Panchayat

Chikhlod Seat Phagvel Taluka Panchayat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિતના તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. નવા સીમાંકન સામેના વિરોધને કારણે આખી બેઠક પર હવે એક પણ ઉમેદવાર રહ્યો નથી, જેણે રાજ્યભરના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે.

સીમાંકનનો વિરોધ હવે ચૂંટણીના મેદાનમાં

ખેડા જિલ્લામાં નવા સીમાંકન બાદ ચિખલોડ ગામનો સમાવેશ કપડવંજ તાલુકામાંથી હટાવીને નવનિર્મિત ફાગવેલ તાલુકામાં કરવામાં આવ્યો હતો. ગ્રામજનો આ નિર્ણયનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા. લોકોની માંગ હતી કે તેમને ફરીથી કપડવંજમાં જ રાખવામાં આવે. આ જનરોષ હવે ચૂંટણીમાં પ્રતિબિંબિત થયો છે. ગ્રામજનોના દબાણ અને ગામની એકતાને માન આપીને તમામ પક્ષના ઉમેદવારોએ મેદાન છોડી દીધું છે.

ચારેય ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા

15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિખલોડ બેઠક પરથી ફોર્મ ભરનારા તમામ ચારેય મહિલા ઉમેદવારોએ એકસાથે ફોર્મ પરત ખેંચ્યા હતા:

  1. ભાવનાબેન પરમાર (ભાજપ ઉમેદવાર)
  2. સોનલબેન પરમાર (કોંગ્રેસ ઉમેદવાર)
  3. ઈલાબેન શર્મા (અપક્ષ)
  4. ધ્રુમાબેન શર્મા (અપક્ષ)

આ ચારેય ઉમેદવારોના હટવા સાથે જ 26 એપ્રિલે યોજાનારી ફાગવેલ તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી આ એક બેઠક પર હવે કોઈ જંગ ખેલાશે નહીં.

Chikhlod બેઠક પર હવે શું થશે?

ચિખલોડ બેઠક પરથી તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે અહીં મતદાન પ્રક્રિયા અટકી ગઈ છે. કોઈ ઉમેદવાર જ ન હોવાને કારણે હવે આ બેઠક પર ભવિષ્યમાં ફરીથી ચૂંટણી યોજવી પડશે કે શું નિર્ણય લેવો તે અંગે રાજ્ય ચૂંટણી પંચ (Election Commission) માર્ગદર્શિકા જાહેર કરશે. ગ્રામજનોએ આ અનોખી રીતે વિરોધ કરી સરકાર અને તંત્રને પોતાની તાકાતનો પરચો આપ્યો છે.


આ પણ વાંચો: સુરતમાં આપના ઉમેદવારનું અપહરણ કરી ડરાવવા-ધમકાવવામાં આવ્યાનો આરોપ

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોંડલના કોંગ્રેસના ઉમેદવારનો ધમકી-હેરાનગતિનો દાવો

આ પણ વાંચો: કોંગ્રેસ બાદ હવે આપના ઉમેદવારો અજ્ઞાત સ્થળે