Ahmedabad News/ અમદાવાદ: વટવામાં નવરાત્રિના મંડપ બાબતે વિવાદ, સગીર પર હુમલો કરી તલવાર લહેરાવ્યાનો આરોપ

Vatva Crime: અમદાવાદના વટવાની રાધે ઓમ સોસાયટીમાં નવરાત્રિનો મંડપ બાંધવા મુદ્દે વિવાદ થયો. સગીર પર હુમલો અને તલવાર લહેરાવવાના આરોપમાં ચાર સામે ગુનો નોંધાયો.

Top Stories Ahmedabad Gujarat
Vatva Crime: નવરાત્રિના મંડપ મુદ્દે વિવાદ

Ahmedabad News: શહેરના વટવા વિસ્તારમાં નવરાત્રિ મહોત્સવ માટે મંડપ બાંધવાની કામગીરી દરમિયાન વિવાદ થયો હોવાની ઘટના (Vatva Crime) સામે આવી છે. રાધે ઓમ સોસાયટીમાં થયેલી બોલાચાલી બાદ એક 17 વર્ષીય સગીર સાથે મારામારી કરવામાં આવી હોવાનો આરોપ છે. ત્યારબાદ રાત્રે સગીરના મિત્ર પર લાકડાના ડંડાથી હુમલો કરી રિક્ષામાંથી તલવાર લહેરાવી ધમકીભર્યું વાતાવરણ ઊભું કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વટવા પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Vatva Crime: મંડપ બાંધવા દરમિયાન બોલાચાલી

મળતી માહિતી મુજબ, વટવા રોપડા ચાર રસ્તા પાસે આવેલી રાધે ઓમ સોસાયટીમાં રહેતા ગોવિંદ રામકુમાર પાંડેનો 17 વર્ષીય પુત્ર અન્ય રહીશો સાથે નવરાત્રિ માટે મંડપ (Navratri Mandap Dispute) બાંધી રહ્યો હતો. તે દરમિયાન સોસાયટીમાં રહેતો સુમીત મરાઠી ત્યાં આવ્યો હતો અને સગીર સાથે બોલાચાલી કરી અપમાનજનક શબ્દો કહ્યાનો આરોપ છે. (Ahmedabad Crime News)

સગીરે આ રીતે વાત કરવાની ના પાડતાં વિવાદ વધ્યો હતો. આ દરમિયાન સગીરના પિતા ગોવિંદ પાંડે નીચે આવતાં સુમીત ત્યાંથી જતો રહ્યો હતો. જોકે, થોડા સમય બાદ તે ફરી પરત આવ્યો હતો અને સગીર સાથે ગડદાપાટુનો મારામારી કરી હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે. સ્થાનિકોએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો.

રાત્રે સગીરના મિત્ર પર ડંડાથી હુમલો

ફરિયાદ મુજબ, રાત્રે આશરે આઠ વાગ્યે સોસાયટીમાં ફરી મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે વીજળી ગુલ થઈ ગઈ હતી. આ દરમિયાન સુમીત મરાઠી ત્યાં આવ્યો હતો અને સગીરના મિત્ર રુદ્ર રાજપૂતની પીઠ પર લાકડાના ડંડાથી ફટકો માર્યો હોવાનો આરોપ છે.

રિક્ષામાં તલવાર લહેરાવી ફરાર થયાનો આરોપ

આ ઘટના બાદ સુમીત મરાઠી તેના ત્રણ જેટલા અજાણ્યા સાથીઓ સાથે રિક્ષામાં આવ્યો હતો. આરોપ છે કે તેમણે સોસાયટીની બહાર જાહેરમાં તલવાર લહેરાવી હતી અને ત્યારબાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા (Sword Threat Case). ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવતાં વટવા પોલીસ હરકતમાં આવી હતી.

સમગ્ર મામલે વટવા પોલીસે (Ahmedabad Police) ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોની ભૂમિકા અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.


આ પણ વાંચો: લખનઉ કોંગ્રેસ કાર્યાલયમાં હોબાળો: કાર્યકરો વચ્ચે બૂટ-ચંપલથી મારામારી

આ પણ વાંચો: અમરાઈવાડીમાં મારામારી બાદ 24 વર્ષીય યુવકનું મોત, બે સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો

આ પણ વાંચો: ઇઝરાયલ જતી ફ્લાઈટમાં હાઈજેકનો ખતરો! કોકપિટમાં પાયલટો વચ્ચે મારામારી, તાબુકમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ