બનાસકાંઠા/ કચરામાંથી કંચન પ્રાપ્ત કરતું વેડંચા ગામ, સેન્દ્રિય ખાતરના વેચાણથી થયો આટલો ફાયદો

પ્રવાહી કચરા વ્યવસ્થાપન અને ગ્રે-વોટર ટ્રીટમેન્ટનું ઉત્તમ ઉદાહરણ એટલે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું વેડંચા ગામનું મોડલ

Gujarat Others
વેડંચા ગામ

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વેડંચા ગામે પ્રવાહી કચરા વ્યવસ્થાપન અને ગ્રે વોટર ટ્રીટમેન્ટની સુંદર કામગીરી કરીને ૪૫૦૦ની જનસંખ્યા ધરાવતું આ ગામ રાજ્યના અન્ય ગામડાઓ માટે પ્રેરણારૂપ બન્યું છે. વેડંચા ગામના ૩૦ ટકા પરિવારો દ્વારા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતું  ૨ લાખ લિટર પાણી ગામના તળાવમાં વહી જતું હતું, જેનાથી રોગચાળો ફાટી નીકળતો હતો. આ પાણીનો નિકાલ કરવાની તાતી જરૂરિયાત હતી. પરિણામે ગામના નાગરિકોની જાગૃતિ, હકારાત્મક અભિગમ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયથી ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે.

ગ્રે-વોટરની ટ્રીટમેન્ટ કરી પાણીને ખેતી માટે વપરાશલાયક બનાવવામાં આવી રહ્યું છે તેમજ ભૂગર્ભજળ રિચાર્જ કરવામાં આવી રહ્યું છે, જેને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે.

પાંચ લાખ રૂપિયાના ખર્ચે સ્થાપિત આ પ્લાન્ટ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની માર્ગદર્શિકા મુજબ ડીવોટર્સ અને વેસ્ટ સ્ટેબિલાઈઝેશન પોન્ડ પ્લાન્ટનું મિશ્ર સ્વરૂપ છે. પ્લાન્ટમાં સરળ અને સસ્તી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટની મદદથી ૨૫ દિવસમાં અંદાજિત ૫.૫ થી ૬ ટન જેટલું સેન્દ્રિય ખાતર ઉત્પન્ન થાય છે. ગામની સહકારી મંડળી દ્વારા પેકિંગ કરીને તેનું વેચાણ કરવામાં આવે છે. દરેક બેગમાં ૩૦ કિલોગ્રામ ખાતર ભરી રૂ.૨૦૦ની કિંમતે વેચાણ કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતરના વેચાણથી ગ્રામ પંચાયતને પ્રતિ માસ રૂ.૪૦,૦૦૦થી ૪૫,૦૦૦ જેટલી આવક થાય છે, પરિણામે ગ્રામ પંચાયત આત્મનિર્ભર બની છે. પ્લાન્ટ શરૂ થવાને કારણે ગામના લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે.

 આ ઉપરાંત, ગામના ૧૮ જેટલા પરિવારોએ રસોઈઘર અને બાથરૂમના પાણીનો નિકાલ કરવા માટે પોતાના શોફપિટનું નિર્માણ કર્યું છે. ગામમાં વિવિધ જગ્યાએ શોફપિટ બનાવવામાં આવ્યા છે.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ૫,૦૦૦ સુધીની વસ્તી ધરાવતા ગામ માટે ગ્રામ પંચાયતને પ્રતિ વ્યક્તિ રૂ. ૨૮૦ અને ૫,૦૦૦થી વધુ વસ્તી ધરાવતા ગામ માટે પ્રતિ વ્યક્તિ રૂ. ૬૬૦ની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ.શેખે જણાવ્યું કે, વંડેચા ગામમાં નિર્મિત ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટની વિશેષતા એ છે કે, આ મોડલ સરળ ટેક્નોલોજી પર આધારિત છે, જેની સ્થાપના અને નિભાવણી સરળતાથી કરી શકાય છે.

વેડંચા ગામના સરપંચ બેચરભાઈ ભાટિયાએ જણાવ્યું કે, પ્લાન્ટ સ્થાપિત થવાથી અમારું ગામ સ્વચ્છ અને સુંદર બન્યું છે તેમજ માસિક આવક પ્રાપ્ત થવાથી ગામ આત્મનિર્ભર પણ બન્યું છે.

આ પણ વાંચો:સરકારી બંગલો ખાલી, હવે દિલ્હીમાં બસપા સુપ્રીમો માયાવતી ક્યાં રહેશે?

આ પણ વાંચો: અમરનાથ યાત્રા પર આવનાર દરેક યાત્રીએ RFID ટેગ લગાવવું પડશે, યાત્રા ત્રણ સ્તરીય સુરક્ષામાં પૂર્ણ થશે

આ પણ વાંચો:ગૃહમંત્રી અમિત શાહે કોસ્ટલ પોલીસિંગ નેશનલ એકેડમીની મુલાકાત લીધી, દરિયાઈ ખતરા અંગે આ વાત કહી

logo mobile