Kheda News : ખેડા જિલ્લામાં કુપોષણ નાબૂદી તરફ મક્કમ દિશામાં આગળ વધવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમૂલ ડેરીના સહયોગ સાથે “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સહી પોષણ, દેશ રોશન” સંકલ્પને કેન્દ્રમાં રાખીને શરૂ કરાયેલા રાષ્ટ્રીય પોષણ અભિયાનને ખેડા જિલ્લામાં જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, જેને મૂળ હેતુ તરીકે બાળકો અને માતાઓના પોષણ સ્તરમાં સર્વાંગી સુધારાને નિર્ધારવામાં આવ્યો છે.
ખેડા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને અભિયાનમાં જોડાવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ
ગઈ કાલે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા તમામ સરકારી અધિકારી તથા કર્મચારીઓને આ અભિયાનમાં ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. સાથે જ, નૈતિક ફરજ અને કર્મભૂમિ પ્રત્યેના ઋણસ્વરૂપે આ અભિયાનમાં જોડાવા પ્રેરણા આપવામાં આવી હતી.
જિલ્લા તંત્રએ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના તાબામાં આવતા તમામ કચેરીઓના સ્ટાફને પણ સાથે જોડાવવા સૂચના આપી હતી, જેથી “સહભાગિતા સંમતિ પત્ર” દ્વારા અભિયાનમાં સક્રિય સહભાગિતા નોંધાઈ શકે.

ગઈકાલથી ત્રણ દિવસ માટે લિંક લાઈવ રાખવામાં આવી છે. પ્રથમ તબક્કામાં માત્ર ખેડા જિલ્લાના અધિકારી અને કર્મચારીઓ માટે આ લિંક ખુલ્લી રાખવામાં આવી છે, જ્યારે બીજા તબક્કામાં આ વ્યવસ્થા નાગરિકો માટે પણ શરૂ કરવામાં આવશે.
સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે પોષણમિત્ર બનવાનો સંકલ્પ
દેશના લોખંડી પુરુષ, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના પાવન અવસરે, તેમની જન્મભૂમિ ખેડા જિલ્લાના અધિકારી તથા કર્મચારીશ્રીઓએ જિલ્લા કોઈપણ બાળક કુપોષિત ન રહે તેવા પવિત્ર સંકલ્પ સાથે “પોષણમિત્ર” થવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી છે.
25 હજારથી વધુ અધિકારી અને કર્મચારીઓની ભાવનાત્મક સહભાગિતા
ગઈકાલથી આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ખેડા જિલ્લાના સરકાર સાથે જોડાયેલા 25,000 થી વધુ અધિકારી અને કર્મચારીઓ અભિયાનમાં હૃદયપૂર્વક જોડાયા છે.
તેમણે શ્રદ્ધા અને લાગણીના ભાગરૂપે પોતાના પરિવારના જન્મદિવસ, લગ્ન પ્રસંગ તેમજ વિવિધ શુભ પ્રસંગો પર પોષણમિત્ર બની બાળકોના ઉત્તમ પોષણ માટે યોગદાન આપવા અનોખો સંકલ્પ કર્યો છે.
આ અભિયાન દ્વારા ખેડા જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે સામૂહિક પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ સદરહુ પ્રસ્થાપિત થયું છે. જિલ્લા વહીવટી તંત્ર અને અમૂલ ડેરીનો આ સંયુક્ત પ્રયાસ ખેડા જિલ્લામાં પોષણક્ષેત્રે નવો માપદંડ સ્થાપિત કરશે. અધિકારી, કર્મચારીઓ અને આગલા તબક્કામાં નાગરિકોની સક્રિય ભાગીદારી વડે “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાન ખેડા જિલ્લામાં સર્વાંગી વિકાસનું દિશાનેખન બનશે.
આ પણ વાંચો: ખેડામાં ‘ગામનો નિર્ધાર’ અભિયાનથી કુપોષિત બાળકોને દૂધદાનથી મળતી મોટી પોષણ સહાય
આ પણ વાંચો: સુરતમાં આંગણવાડીમાં કુપોષિત બાળકોની ચણાની દાળ ખુલ્લા બજારમાં વેચાઈ
આ પણ વાંચો: SMCની હોસ્પિટલોમાં 2 વર્ષમાં 18,659 બાળકોમાંથી 2926 કુપોષિત બાળકો જનમ્યા

