Banaskantha News : અંબાજી (Ambaji)મંદિર ખાતે રાત્રિ પૂજાની મંજૂરીને લઈને ઉભો થયેલો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)સુધી પહોંચ્યો છે. આ મામલે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે રાત્રિ પૂજાની મંજૂરી આપવી કે નહીં તે સંપૂર્ણપણે અંબાજી મંદિર ટ્રસ્ટના વિવેકાધીન અધિકારમાં આવે છે અને કોઈ અરજદાર તેના પર કાયદેસર હક્કનો દાવો કરી શકતો નથી.
અમદાવાદ સ્થિત એક ટ્રસ્ટ દ્વારા રાત્રિ પૂજા (Night Puja)ની મંજૂરી મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી સુરક્ષા વ્યવસ્થા અને મંદિરની વર્ષોથી ચાલતી પરંપરાનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. સરકારનું કહેવું હતું કે આવા નિર્ણયોમાં ધાર્મિક પરંપરા તેમજ સુરક્ષા બંને બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

હાઈકોર્ટે નોંધ્યું કે અરજદારને અગાઉ રાત્રિ પૂજા માટે મંજૂરી આપવામાં આવી ચૂકી છે. જોકે, તે આધારે ભવિષ્યમાં પણ મંજૂરી આપવી ફરજિયાત બની જાય એવું માનવું યોગ્ય નથી.
કોર્ટે અરજદારને સૌથી પહેલા અંબાજી મંદિર (Ambaji Temple)ટ્રસ્ટ સમક્ષ પોતાની રજૂઆત કરવાની સલાહ આપી છે. જો ટ્રસ્ટ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તો ત્યારબાદ જરૂરી હોય તો કાનૂની પ્રક્રિયા આગળ વધારી શકાય.
આ કેસની વધુ સુનાવણી હવે આવતીકાલે હાથ ધરવામાં આવશે, જેના પર સૌની નજર રહેશે.
