Banaskantha News : અંબાજી મંદિરમાં રિલ્સ બનાવવાનો મુદ્દો હાલમાં ભારે ચર્ચામાં આવી ગયો છે. જેમાં મંદિરમાં કેમેરા લઈને રિલ શૂટ કરવા અંગે મોટો વિવાદ ઊભો થયો છે. ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશમંત્રી પ્રવીણ માળીના દીકરા અક્ષય માળીએ મંદિરની અંદર રીલ્સ બનાવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મંદિર પરિસરમાં કેમેરા પર કડક પ્રતિબંધ હોવા છતાં અક્ષય માળી કેમેરો લઈને મંદિરમાં ગયા અને ગર્ભગૃહ નજીક વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે મંદિરમાં કેમેરા પર પ્રતિબંધ હોવા છતાં નેતાના દીકરાએ રીલ્સ બનાવતાં લોકોમાં ભારે રોષ છે.
બીજીતરફ ભાજપ નેતાના દીકરાએ અંબાજી મંદિરમાં રીલ્સ બનાવવાનો વિવાદ મોટો થતાં લીપાપોતીનો પ્રયાસ કર્યો હતો. ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશમંત્રી પ્રવીણ માળીના દીકરા અક્ષય માળીએ વિવાદ ઢાંકપીછોડો કર્યો. પ્રવીણ માળીના દીકરા અક્ષય માળીએ સોશિયલ મીડિયામાં ખુલાસો કરતાં કહ્યું કે અંબાજી મંદિરમાં દર્શન કરતાં જે વીડિયો વાયરલ થયો છે, એનું કોઈ અર્થઘટન નથી. સોશિયલ મીડિયામાં ખોટી રીતે વિરોધ થઈ રહ્યો છે. હું મંદિર બંધ થયા પછી માત્ર ધજા લેવા ગયો હતો. મને કોઈપણ પ્રકારની VIP ટ્રીટમેન્ટ મળી નથી. અંબાજી મંદિરના વાયરલ વીડિયોનું કોઈ અર્થઘટન નથી. સાથે જ તેમણે માતાજીનું નામ બદનામ ન કરવા પણ અપીલ કરી.
તેમના આ નિવેદન બાદ ફરી સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ જોવા મળ્યો.દાંતા તાલુકા NSUI દ્વારા મંદિરમાં રિલ બનાવનારની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. મંદિરમાં એક પણ અધિકારી હાજર ન રહેતા માતાજીને આવેદન આપ્યું. NSUI દ્વારા મંદિરની ઓફિસને તાળાબંધી કરવામાં આવી, સાથે જ મા અંબાના મંદિરની ગરિમાને ઠેસ પહોંચાડનાર સામે કાર્યવાહીની માંગ કરી છે. NSUIના નેતાએ કહ્યું કે ભાજપના નેતાઓ મંદિરને પોતાની જાગીર સમજે છે.
તેમણે સવાલ કર્યા કે જો કોઈ VIP ટ્રીટમેન્ટ નથી મળી તો મંદિરના પૂજારીએ ગળામાં ચુંદડી કેવી રીતે ઓઢાળી? મંદિરમાં રિલ બનાવીને બાપના હોદ્દાનો વટ મારવાનો શું અર્થ? આવા સવાલો કરીને લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. સાથે જ લોકો નેતાના દીકરા સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે.બીજી તરફ, મંદિર ટ્રસ્ટે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. વીડિયો વાયરલ થયા પછી મંદિર ટ્રસ્ટે તપાસની ખાતરી આપી છે. ટ્રસ્ટીએ જણાવ્યું કે વીડિયો ક્યારનો છે, કેવી રીતે બનાવ્યો છે તેની તપાસ કરીશું. માતાજીને રાજભોગ ધરાવવાના સમયે વીડિયો બનાવ્યો હોય તેવું ટ્રસ્ટીનું અનુમાન છે.
