સુરત શહેરની ટ્રાફિક પોલીસ હવે ડિજીટલી સ્માર્ટ બની ગઇ છે. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની વસુલાત માટે સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે ટ્રાફિક શાખાને 50 જેટલા સ્વાઇપ કાર્ડ મશીન આપવામાં આવ્યા છે. જેથી વિવિધ નિયમોના ભંગ બદલ દંડની જોગવાઇની રકમ ઓન ધ સ્પોટ સ્થળ પર જ ક્રેડીટ અથવા ડેબીટ કાર્ડ દ્વારા ભરપાઇ કરવામાં આવશે. આધુનિક યુગમાં જયારે બધુ ડિજીટલ થઇ ગયુ છે ત્યારે શહેર ટ્રાફિક પોલીસ પણ ડિજીટલ બની ગઇ છે.
અત્યાર સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ મેન્યુઅલી એટલે કે જાતે રસીદ ફાડી અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને મેમો આપતી હતી. પરંતુ હવે ટ્રાફિક પોલીસ દંડની રકમ વસુલવા માટે ડિજીટલ પઘ્ધતિ તો અપનાવી જ રહી છે પરંતુ સાથે રસીદ પણ ડિજીટલી મળશે. ટ્રાફિક પોલીસ આજથી જ કેશલેસ દંડ ઉઘરાવવાનું ચાલુ કર્યુ છે. જેમાં શહેરીજનોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કેટલા દંડની જોગવાઇ છે તેની જાણકારી આપવામાં આવશે. આ જાગૃતિ માટે પાંચ લાખ કાર્ડ છપાવવામાં આવ્યા છે.
