Vadodara News : વડોદરા જિલ્લાના વાઘોડિયામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહી બાદ વાઘોડિયાના તત્કાલીન PI પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
SMCની રેડ દરમિયાન માત્ર વિદેશી દારૂનો મોટો જથ્થો જ ઝડપાયો નહીં, પરંતુ તપાસમાં મળેલી 9 ડાયરીઓ (ચોપડા) એ સમગ્ર મામલામાં સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ ચોપડામાં કરોડો રૂપિયાની લેવડદેવડના હિસાબો સાથે અનેક પોલીસકર્મીઓના ફોન નંબરો પણ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
9 જાન્યુઆરીએ બસ સ્ટેન્ડ પાછળ દારૂના કટીંગ પર SMCનો દરોડો

9 જાન્યુઆરીની રાત્રે SMCને બાતમી મળી હતી કે વાઘોડિયા ગામમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલા આનંદ નગરી વિસ્તારમાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું છે.આ માહિતીના આધારે SMCની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દારૂનો મોટો જથ્થો કારોમાં ભરવામાં આવતો હતો. પોલીસે સ્થળ પરથી 6129 વિદેશી દારૂની બોટલો (કિંમત અંદાજે ₹17.72 લાખ) જપ્ત કરી હતી.
વૈભવી કારો સહિત 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
SMC દ્વારા કાર્યવાહી દરમિયાન કુલ 10 વાહનો, 12 મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ ₹41.92 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ રેડમાં બુટલેગર તથા સપ્લાયર સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
9 ચોપડામાં કરોડોની લેવડદેવડનો હિસાબ
દરોડા દરમિયાન તપાસમાં 9 ડાયરીઓ મળી આવી હતી, જેમાં:
કરોડો રૂપિયાની લેવડદેવડના હિસાબ
દારૂના ધંધામાં જોડાયેલા લોકોની વિગતો
અનેક પોલીસકર્મીઓના ફોન નંબરો
નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ ઘટસ્ફોટ બાદ મામલો પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો.
સિનોર બદલી બાદ હવે સસ્પેન્શન
મામલો રાજ્ય પોલીસ વડા સુધી પહોંચતા PI પૃથ્વીરાજસિંહ જાડેજાની પહેલા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાંથી સિનોર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી.
ત્યારબાદ હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
SMCની રેડમાં ઝડપાયેલા આરોપીઓના નામ
કરણ પુંજાભાઈ બારીયા – વાઘોડિયા
વિનોદ ભગવાનભાઈ વસાવા – છત્રાલય પાછળ, વાઘોડિયા
બકા પંકજ હરિકૃષ્ણ મોટકા – દેવડિયા, વાઘોડિયા
નવનીત મહેશભાઈ તડવી – ભાટપુર, સંખેડા
અજય રમેશભાઈ વસાવા – જુના મોજધા, ડેડીયાપાડા
કંચન હરિસિંહ બામણીયા – જારોલી, અલીરાજપુર
દિનેશ હર્ષિભાઈ બામણીયા – અલીરાજપુર
પરેશ નરેશભાઈ નાયકા – છોટાઉદેપુર
જૈમીન હરેશભાઈ બારીયા – છત્રાલય પાછળ, વાઘોડિયા
પોલીસ વિભાગમાં તપાસ વધુ ગતિમાન
આ સમગ્ર કેસમાં હવે પોલીસ વિભાગ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ચોપડામાં નોંધાયેલા નામો અને નંબરના આધારે પોલીસ તંત્રમાં સંડોવણી અંગે પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

