Surat News: સુરત ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં લાંબા સમય બાદ પક્ષના સ્થાપક સભ્ય અને જનસંઘ સમયથી સંઘર્ષ કરનાર 88 વર્ષીય પીઢ નેતા ફકીર ચૌહાણ (Fakir Chauhan) હાજર રહ્યા ત્યારે રાજકીય ચર્ચાઓ ગરમાઈ ગઈ. આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Surat Municipal Corporation Elections) નજીક હોવાને કારણે તેમની હાજરીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. પરંતુ કાર્યક્રમ દરમિયાન ખુશી વ્યક્ત કરવા બદલે તેમણે પક્ષની વર્તમાન કાર્યશૈલી અને રાજકીય પરિસ્થિતિ અંગે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો, જેના કારણે સંગઠનમાં ચર્ચા અને હલચલ મચી ગઈ.
વર્તમાન ભાજપની કાર્યશૈલી પર સવાલ
ફકીર ચૌહાણે જણાવ્યું કે આજે મીડિયા અને સંગઠન દ્વારા એવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે કે દેશ અને સરકારની દરેક બાબત શ્રેષ્ઠ રીતે ચાલી રહી છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. તેમના જણાવ્યા મુજબ જનતાના મૂળભૂત પ્રશ્નો અને પક્ષના વરિષ્ઠ કાર્યકરોની ભારે અવગણના થઈ રહી છે. તેમણે પક્ષની આંતરિક લોકશાહી અને વ્યક્તિપૂજા અંગે પણ ચિંતા વ્યક્ત કરી.
વિરોધના અધિકાર પર ચિંતા
ફકીર ચૌહાણેએ જણાવ્યું કે ભારતીય બંધારણ દરેક નાગરિકને વિચાર વ્યક્ત કરવાની, સભા કરવાની અને સરકારની નીતિઓનો વિરોધ કરવાની સ્વતંત્રતા આપે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં જો કોઈ વ્યક્તિ જનતાના પ્રશ્નો માટે આંદોલન કરે તો તેના પર સીધો રાજદ્રોહ જેવા ગંભીર ગુનાઓ લગાડવામાં આવે છે, જે લોકશાહી માટે ચિંતાજનક સ્થિતિ છે.

“કોંગ્રેસ સમયમાં વિરોધ પક્ષને માન મળતું”
ભૂતકાળની યાદ કરતાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ શાસનમાં વિરોધ પક્ષના નેતાઓને સન્માન મળતું હતું. તે સમયે આંદોલન અંગે પોલીસને જાણ કરવાથી જ કામ ચાલતું અને પોલીસ માનભેર વ્યવહાર કરતી. પરંતુ હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે એકવાર કોઈ આંદોલનમાં જોડાય તો તેની રાજકીય અને સામાજિક કારકિર્દી પર અસર પડે છે.
બેરોજગારી અને મોંઘવારી પર નિશાન
શિક્ષિત બેરોજગારી અને વધતી મોંઘવારી અંગે તેમણે સરકારની નીતિઓની ટીકા કરી. તેમના જણાવ્યા મુજબ આજે ઘણા શિક્ષિત યુવાનો બેકારીનો સામનો કરી રહ્યા છે અને મધ્યમ વર્ગ પોતાના રોજિંદા ખર્ચમાં એટલો વ્યસ્ત છે કે અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે સમય કે હિંમત બંને ઘટી ગયા છે.

“ભાજપમાં જૂના જોગીઓની હવે જરૂર નથી”: Fakir Chauhan
ફકીર ચૌહાણે (Fakir Chauhan) પક્ષમાં વરિષ્ઠ નેતાઓની અવગણના અંગે પણ ભારે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું કે હવે પક્ષમાં નિર્ણયો માત્ર હાલના હોદ્દેદાર નેતાઓ દ્વારા લેવાય છે અને જૂના અનુભવી નેતાઓની સલાહને મહત્વ આપવામાં આવતું નથી.
સંઘર્ષમય રાજકીય સફર
ફકીર ચૌહાણે (Fakir Chauhan) પક્ષ માટે પોતાના જીવનનો મોટો સમય સમર્પિત કર્યો છે. 1965માં કચ્છ ટ્રિબ્યુનલના વિરોધમાં તેઓ દિલ્હી ગયા હતા અને 10 દિવસ તિહાર જેલમાં રહ્યા હતા. ઉપરાંત 1985ના કોમી રમખાણો દરમિયાન પણ તેઓએ જેલવાસ ભોગવ્યો હતો. તેમના માટે રાજકારણ સત્તા મેળવવાનું સાધન નહીં પરંતુ એક વિચારધારા હતું.
“પક્ષ માત્ર એક વ્યક્તિ પર નિર્ભર”
ફકીર ચૌહાણે (Fakir Chauhan) ચિંતા વ્યક્ત કરી કે ભાજપમાં સેકન્ડ કેડર નેતાઓ તૈયાર કરવામાં આવતાં નથી. તેમના જણાવ્યા મુજબ જો એક વ્યક્તિ પર જ આખું સંગઠન આધારિત રહે તો તે લાંબા ગાળે જોખમી બની શકે છે. નવી પેઢીના નેતાઓને તૈયાર કરવા માટે સંગઠનમાં લોકશાહી ઢબે પ્રક્રિયા જરૂરી હોવાનું તેમણે કહ્યું.
ફકીર ચૌહાણ (Fakir Chauhan)ની આ ખુલ્લી ટકોર ભાજપના મોવડી મંડળ માટે એક પ્રકારની ચેતવણી સમાન માનવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોના મતે પક્ષે હવે પોતાની મૂળ વિચારધારા અને આંતરિક લોકશાહી પર ફરીથી ધ્યાન આપવાની જરૂર છે.
આ પણ વાંચો:છેલ્લા 3 દિવસમાં, વહીવટીતંત્ર અને સુરત ભાજપ સંગઠનો દ્વારા બિહાર જતા નાગરિકોને શક્ય તેટલી મદદ
આ પણ વાંચો:સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી-કાર્યકર વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
આ પણ વાંચો:સુરત ભાજપ મહિલા મોર્ચા નેતા દિપીકા પટેલની આત્મહત્યાનું રહસ્ય ઘેરાયેલું
