કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે પાર્ટીના મહાસચિવો, પ્રદેશ પ્રભારીઓ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક કરી હતી. સોનિયા ગાંધીએ બેઠકની શરૂઆતમાં કહ્યું હતું કે, દેશના યુવાનો અને યુવતીઓ પોતાની ઈચ્છાઓ અને માંગને બુલંદ કરવા માટે આંદોલન વિચારી રહ્યા છે. જેમ આપણે ગત પેઢીઓ માટે કરતા આવ્યા છીએ તેમ આપણી જવાબદારી છે કે, આપણે તેમને એક મંચ આપીએ. સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ અને RSSની વિચારધારા સામે સંપૂર્ણ જોશથી પૂરી તાકાતથી લડાઈ લડવાની છે. આ લડાઈ પૂરી દઢતા અને પ્રતિબદ્ધતા સાથે કરવાની રહેશે જો આપણે આ લડાઈને જીતવા માટે ઇચ્છીએ તો તેમના જુઠાણાને જનતાની સામે લાવવા પડશે.
સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, AICC રોજ રાષ્ટ્ર સાથે જોડાયેલા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ અને વિસ્તૃત નિવેદન જાહેર કરે છે પરંતુ મારો અનુભવ છે કે, આ બ્લોક અને જિલ્લાસ્તરે રહેલા જમીની કાર્યકર્તાઓ સુધી પહોચાડવામાં આવી રહ્યું નથી. પાર્ટીના મહાસચિવ, રાજ્યના પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસે આ જવાબદારી લઇ નીચેના સ્તર સુધી વાત પહોચાડવી જોઈએ. થોડા સમય પહેલા પણ આપણે CWC ની થયેલી બેઠકથી પરિચિત છીએ.
બેઠકમાં પસાર થયેલા દરેક પ્રસ્તાવને રાજ્યોના પ્રમુખને મોકલવામાં આવ્યા હતા. સંગઠનની ચૂંટણીને લઈને પણ માહિતી મોકલી આપવામાં આવી છે . કોંગ્રેસનું સભ્યપદ અભિયાન સંપૂર્ણપણે દેશમાં 1 નવેમ્બરથી શરુ થવા માટે જઈ રહ્યું છે અને 31 માર્ચ, 2022 સુધી ચાલશે.
સોનિયા ગાંધીએ કહ્યું કે કોઈપણ રાજકીય આંદોલન માટે યુવા સભ્ય સૌથી મહત્વપૂર્ણ છે. સદસ્યતાની ઝુંબેશ ઘરે-ઘરે લઈ જવાની રહેશે. આપણે જિલ્લા, બ્લોક, વોર્ડ કે ગ્રામ્ય સ્તર સુધીના તમામ પદાધિકારીઓની જવાબદારી નક્કી કરવાની છે. આપણા કાર્યકરો માટે પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમો પણ જરૂરી છે. આ માટે AICC તરફથી એક પરિપત્ર પણ મોકલવામાં આવ્યો છે. દેશની લોકશાહી, બંધારણ અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને બચાવવાની લડાઈ એ હકીકતથી શરૂ થાય છે કે આપણે ખોટા પ્રચારને ઓળખીએ અને તેનો સામનો કરીએ.
