Mahatama gandhiji/ બાપુ કિતને કો દિખતા હૈ ? પૂછો પોતાને…

આજે ગાંધી નિર્વાણદિનની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 151મી જન્મજયંતીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દેશભરમાં ગત વર્ષે ‘પ્લાસ્ટિક મુક્ત

Top Stories
1
નેતાઓના ભાષણમાં સ્ક્રિપ્ટ રૂપે તથા રંગમંચના કલાકારોના નાટકમાં સંવાદરૂપે જ ગાંધી પ્રસ્તુત છે…!
મનન @ ભાવિની વસાણી,મંતવ્ય ન્યૂઝ
આજે ગાંધી નિર્વાણદિનની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 151મી જન્મજયંતીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દેશભરમાં ગત વર્ષે ‘પ્લાસ્ટિક મુક્ત અભિયાન’ ચલાવવામાં આવ્યું હતું, જેને સરકારી ચોપડા પર સો ટકા સફળ રહ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પરંતુ માર્કેટમાં ચારે બાજુએ પ્લાસ્ટિકની ઝબલા કોથળી હજુ પણ દેખાય છે. ચારે બાજુથી મહાત્મા ગાંધીના નામનો જાણે કે જુવાળ જોવા મળ્યો છે. ગાંધીજી એ વૈશ્વિક વ્યક્તિત્વ છે, જેણે ભલ-ભલાને તેમને અનુસરવા માટે પ્રેર્યા હતા. મેડલિન હોય મંડેલા હોય કે પછી ઓબામા દરેકને ગાંધીજીએ અનુસરવા માટે પ્રેર્યા હતા. આમ છતાંય દેશમાં ગાંધીજીના મૂલ્યોનો હ્રાસ થતો જોવા મળી રહ્યો છે. ગાંધીજીનું જીવન જ તેમનો સંદેશ હતો. આજે ગાંધીજીને વર્તમાન સમય મુજબ પ્રસ્તુત રાખવા માટે વિવિધ સંદેશાઓનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આજે ગાંધીજી ખરા અર્થમાં સ્વર્ગમાંથી ભારત પર દ્રષ્ટિ કરી રહ્યા હોય તો તેઓનું હૃદય દ્રવી ઉઠે તે પ્રકારની દેશની પ્રકૃતિ(વિકૃતિ) દ્રષ્ટિગોચર થઈ રહી છે.
સમગ્ર દેશમાં વિવિધ પક્ષોના નેતાઓ, શાળાઓના વિદ્યાર્થીઓ , તેમજ અનેક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો યોજીને ગાંધીજીની યાદોને તાજી કરવામાં આવી રહી છે. પરંતુ આજે ગાંધીજીના સિદ્ધાંતોને જીવનમાં જીવંત રાખવામાં આપણે ખરેખર કેટલા સફળ થયા છીએ? …આ પ્રશ્ન દરેકને વ્યક્તિગત રીતે પૂછવાની જરૂરિયાત છે. આજે ભારતની વિજ્ઞાન ક્ષેત્રની આકાશી ઉંચાઇની ભલે વિશ્વભરમાં નોંધ લેવામાં આવી રહી હોય ગાંધીજીના જીવન મૂલ્યોને તેમજ તેમના સિદ્ધાંતોને જીવંત રાખવામાં ક્યાંક કાચુ કપાયુ હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીજીનો અંત્યોદયનો સિદ્ધાંત જાણે ગાયબ થઈ ગયો છે. આપણે ‘સ્માર્ટ સિટી’ અને ‘સ્માર્ટ દેશ’ બનાવવામાં ઘણા મશગૂલ થઈ ગયા છીએ. જેના કારણે ગામડાઓમાંથી બહોળા પ્રમાણમાં શહેરોમાં સ્થળાંતર થયું છે. આજે નેતૃત્વની બાગડોર સંભાળનાર સત્તાપક્ષ કે પછી વિરોધ પક્ષ કોઈના કેન્દ્ર બિંદુ માં માત્ર દેશસેવા જોવા મળી રહી નથી.
આઝાદી પહેલાંના ભારતદેશને આઝાદી અપાવવા માટે ઘણા શહીદો એ ભોગ આપ્યો છે. આઝાદી બાદના ભારતમાં બંધારણ થી માંડીને દેશના ઘડતરમાં ઘણા મહાનુભાવોનો ફાળો રહ્યો છે. આ સમયે નેતૃત્વનો અર્થ ન્યોછાવર કરી દેવાનો થતો હતો. ગાંધીજીનો સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરવાનો સિદ્ધાંત કોરાણે મુકાયો છે. મોલકલ્ચરે દેશભરના વેપારીઓની ઊંઘ હરામ કરી નાંખી છે તેમજ વિદેશી કંપનીઓ માટે માર્ગ મોકળો કરી નાખ્યો છે. ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવો ઘાટ ઘડાતો જોવા મળી રહ્યો છે.જ્યારે ગાંધીજીએ સેવેલા સ્વદેશી શિક્ષણના સિદ્ધાંતનો તો જાણે છેદ ઉડી ગયો છે. સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
Much before becoming Mahatma, Gandhiji played a key role in South Africa;  What was it - Oneindia News
ખાનગી તથા અંગ્રેજી માધ્યમની શાળાઓના રાફડા ફાટયા છે. જેના પગલે માતૃભાષામાં શિક્ષણ આપતી શાળા કોલેજોને તાળા મારવા પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. ગુણવત્તાયુક્ત શિક્ષણનો પ્રચાર ઘણો થાય છે પરંતુ અમલીકરણ ઘણું ઓછું થઈ રહ્યું છે. ગાંધીજી જે શાળામાં ભણ્યા હતા તે રાજકોટની ‘આલ્ફ્રેડ હાઇસ્કુલ’ એટલે કે ‘મોહનદાસ કરમચંદ ગાંધી વિદ્યાલય’ આજે મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવ્યું છે. ગાંધીજી જ્યાં રોકાયા હતા અને રેંટિયો કાંત્યો હતો, તે રાજકોટની ‘રાષ્ટ્રીય શાળા’ કોઈને કોઈ ગુનાખોરીના કારણે અવાર-નવાર પ્રકાશમાં આવતી રહે છે. તે જ રીતે ગાંધીજીએ આપેલી ખાદીને જીવંત રાખવા માટે ખાસ કાર્યક્રમો યોજવા પડે છે, તેમાં પણ યુવાનોને આકર્ષવા માટે ખાદીના ફેશન-શોના આયોજનો કરવા પડે છે.
હમણાં જ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાઈ ગયો, ત્યારે ચાઈનીઝ તુક્કલ ઉડાડવા પર જે રીતે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ અગાઉ દિવાળી પર સ્વદેશી રોશની ખરીદી થાય તે પ્રકારનો આગ્રહ દેશની જનતા પાસે રાખવામાં આવ્યો હતો. આ સમયે એવો પ્રશ્ન થાય કે દેશમાં કોઈ ચાઈનીઝ વસ્તુ આવતી જ ન હોય તો પછી પ્રતિબંધ લાદવાની જરૂર ન પડે. તે જોતા એવું થાય કે શા માટે ચાઈનીઝ ચીજ વસ્તુઓની આપણા દેશમાં પ્રવેશવા દેવામાં આવી રહી છે? ઇલેક્ટ્રોનિક્સ આઇટમથી માંડી બાળકોના રમકડાં, શિયાળાના ગરમ કપડા હોય કે ચોમાસાની છત્રીઓ અને રેઇન કોટ ચારે તરફ દેશની બજારોમાં ચાઈનીઝ ચીજ વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે.
ગાંધીજીનાં જીવનમાં વણાઈ ચૂકેલા સત્ય, અહિંસા, કરુણા જેવા ગુણોનો દસ ટકા ભાગ પણ આજના નેતાઓમાં કે સામાજિક કાર્યકર્તાઓમાં પણ જોવા મળી રહ્યો નથી. ગાંધીજી દરેક નેતાઓના ભાષણમાં માત્ર સ્ક્રિપ્ટ રૂપે, રંગમંચના કલાકારોના નાટકમાં સંવાદરૂપે તેમજ રાષ્ટ્રીય પર્વ પર દેશભક્તિ ગીતની સુમધુર સુરાવલીઓમાં પ્રસ્તુત જોવા મળે છે. પરંતુ ખરા અર્થમાં કોઈના હૃદયમાં તેમનું સ્થાન હોય તો તેમના મૂલ્યો પણ ટકવા જોઈએ.
Gandhi Jayanti 2020: The history, importance and significance of Bapu's  birthday - The Financial Express
ગાંધીજીને ભાષણમાં યાદ કરીને ગળગળા થઇ જતા નેતાઓને ખરેખર ગાંધીજીને કેટલા ટકા અનુસરે છે ? આ વાત કદાચ બધાએ સાંભળી જ હશે કે ” ગાંધીજી પાસે એક યુવાન જ્યારે આવે છે અને કહે છે કે તેણે ખોરાકમાં ગોળ નહીં ખાવાનો સંકલ્પ કરવો છે, ત્યારે ગાંધીજીએ તેને થોડા દિવસ પછી આવવાનું કહ્યું હતું. કારણકે ગાંધીજી ત્યાં સુધી ગોળ ખાતા હતા. થોડા દિવસ બાદ પોતે ગોળ ખાવાનો છોડ્યો પછી જ પેલા યુવાનને ગોળ છોડવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.” ગાંધીજીએ તેમના જીવનમાં સાબિત કરીને બતાવ્યું હતું અને સ્વમુખે કહેતા હતા કે ‘મારું જીવન એજ મારો સંદેશ છે.’ આજે જનતા પાસે ચોતરફ વિવિધ પ્રકારના વેરાની માયાજાળ રચાઈ ગઈ છે. તેમ છતાં ટેક્સ ચોરી પર લગામ કસવામાં સરકારને સફળતા મળી નથી. તેમ જ સરકારી તિજોરીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, તે જોતા આવનારા દિવસોમાં હજુ પણ કરબોજ જનતા પર જ લાવવામાં આવશે. જેનો રંજ જવલ્લેજ કોઈ નેતાના ચહેરા પર દેખાય છે. આજના દિવસે એક જ પ્રશ્ન થાય છે કે બાપુ કિતને કો દિખતા હૈ ?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…