Junagadh News: ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય શિખરને લઈને મહેશગીરીએ મોટું નિવેદન આપ્યું છે. વિવાદ અંબાજી મંદિર અને ભીડભંજન મંદિરનો છે. દત્તાત્રેય મંદિરનો વહીવટ શા માટે મામલતદારને આપવામાં આવ્યો? વહીવટીતંત્રથી ભૂલ થતી લાગે છે, તંત્રએ કંઇક ગફલત કરી લાગે છે, તેમણે તંત્ર તાત્કાલિક નિર્ણય બદલે તેવી અપીલ કરી હતી.
તેમણે દત્તાત્રેય મંદિરને વિવાદમાંથી બાકાત રાખવામાં આવે તેવી અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો તંત્ર જો આમ નહીં કરે તો મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાવિકો વિરોધ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનાર સાધુ-સંતોનો વિવાદ ચાલી રહ્યો છે જેને લઇ જિલ્લા કલેકટર દ્વારા અંબાજી મંદિર ભીડભંજન મહાદેવ મંદિર અને દત્તાત્રે શિખરમાં વહીવટદાર તરીકે મામલતદારને નીમવામાં આવ્યા છે.
તાજેતરમાં બ્રહ્મલીન થયેલા તનસુખગીરી બાપુ અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત હતા.પરંતુ દત્તાત્રેય શિખરનો પણ સમાવેશ વહીવટદાર નિમાયા તેમાં કરાતા મહેશગીરી બાપુ દ્વારા નિર્ણય બદલાવવા તંત્રને અપીલ કરી છે. ગિરનારના 5,000 પગથિયે આવેલું અંબાજી શક્તિપીઠ, દત્તશિખર અને ભીડ ભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખગિરી બાપુની તબિયત નાદુરસ્ત હોઈ, તેમને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે 18 નવેમ્બર, 2024ની મોડીરાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. બાદમાં તેમના નશ્વર દેહને જૂનાગઢ લવાયો હતો. આ દરમિયાન તેમની ગાદીના વારસને લઇને સંતો- શિષ્યોમાં જબરો વિવાદ વકર્યો.
આ વિવાદ એટલો વકર્યો કે બ્રહ્મલીન તનસુખગિરિ બાપુની પાલખીયાત્રા અને સમાધિના કાર્યક્રમમાં પણ 3 વખત ફેરફાર કરવો પડ્યો હતો. આખરે મહેશગિરિને પાલખીયાત્રા છોડી જવું પડ્યું હતું અને તેઓ સમાધિની વિધિમાં પણ સામેલ થયા નહીં. બાદમાં મંદિર પરિસરમાં જ તેમના ગુરુની સમાધિ પાસે તનસુખગિરિને સમાધિ અપાઇ હતી. ત્યાર બાદ પ્રેમગિરિને મહંત બનાવી દેવાતાં વિવાદ શરૂ થયો હતો.
આમ આ વિવાદમાં હાલ એક તરફ પરિવાર તનસુખગિરિના પૌત્ર દુષ્યંતગિરિને તેમના શિષ્ય તરીકે ગાદી સોંપવા માટે માગ કરી રહ્યો છે. બીજી તરફ ભવનાથ મંદિરના મહંત હરિગિરિ અંબાજી મંદિરની ગાદી પ્રેમગિરિબાપુને સોંપવાની વાત કરી રહ્યા છે, જ્યારે આ લડાઈમાં જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરિબાપુ પણ મેદાને પડ્યા છે.
આ પણ વાંચો: ગિરનારની ગાદીનો વિવાદ : ભાજપ સહિતનાં અનેકને કરોડો રૂપિયા વેર્યાનાં સ્ફોટક લેટર બોંબની તપાસ શરૂ
આ પણ વાંચો: ગિરનાર અંબાજી મંદિરનાં ગાદીનો વિવાદ : મહંત હરિગીરી બાપુની પ્રતિક્રિયા