આજની આધુનિક અને સતત દેડધામવાળી લાઈફસ્ટાઈલમાં મહિલા (women) ઓ પર ઘર અને ઓફિસ બંનેની બેવડી જવાબદારીઓ વધી છે.આ વ્યસ્તતા અને કથળતી જીવનશૈલીના કારણે તેમના શરીરમાં હોર્મોનલ અસંતુલન (Hormonal Imbalance) થવું હવે ખૂબ સામાન્ય બની ગયું છે.સ્ત્રીઓમાં જોવા મળતી હોર્મોન્સની આ ગરબડમાં સૌથી મોટો રોગ ‘હાઇપોથાઇરોઇડિઝમ’ (Hypothyroidism) તરીકે ઉભરી આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે,પુરુષોની સરખામણીએ મહિલાઓ આ બીમારીનો ભોગ 4 થી 5 ગણી વધારે બને છે.
શું છે આ થાઇરોઇડ ગ્રંથિ અને કેમ થાય છે હાઇપોથાઇરોઇડિઝમ?
આપણા ગળાના આગળના ભાગમાં પતંગિયા જેવા આકારની એક નાની ગ્રંથિ આવેલી હોય છે,જેને થાઇરોઇડ ગ્રંથિ કહેવાય છે.આ ગ્રંથિ શરીરની પાચનક્રિયા અને ઉર્જાના મેનેજમેન્ટ (Metabolism) માટો જવાબદાર T3 અને T4 નામના મુખ્ય હોર્મોન્સ બનાવે છે.જ્યારે આ ગ્રંથી કોઇ કારણસર પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ બનાવવાનું બંધ કે ઓછું કરી દે છે,ત્યારે તે મેડિકલ કન્ડિશનને હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે.આના કારણે શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને આખા શરીરના અંગો નબળા પડવા લાગે છે.
હોર્મોન્સ ઘટવા પાછળના મુખ્ય ચાર જવાબદાર કારણો
હાશિમોટોઝ ડિસીઝ (Hashimoto’s Disease):
આ એક ઓટોઇમ્યુન બીમારી છે જેમાં શરીરની પોતાની જ રોગપ્રતિકારક શક્તિ ભૂલથી થાઇરોઇડ ગ્રંથિના કોષોનો નાશ કરવા લાગે છે.
શારીરિક બદલાવ અને હોર્મોનલ શિફ્ટ:
ગર્ભાવસ્થા દરમિયાન,બાળકના જન્મ પછી અથવા મેનોપોઝ (માસિક ધર્મ બંધ થવાના સમયે) સ્ત્રીઓના શરીરમાં મોટા હોર્મોનલ ફેરફારો થાય છે,જે થાઇરોઇડને સીધી અસર કરે છે.
પોષણ અને આયોડિનની કમી: દૈનિક આહારમાં પૂરતા પ્રમાણમાં આયોડિન ન મળવાને કારણે હોર્મોનનું સ્તર ગગડી જાય છે.
અતિશય માનસિક સ્ટ્રેસ: લાંબા સમય સુધી તણાવ કે ડિપ્રેશનમાં રહેવાથી એડ્રિનલ ગ્રંથિ પર લોડ વધે છે, જે આડકતરી રીતે થાઇરોડની કાર્યક્ષમતા ઘટાડે છે.
શરીરમાં દેખાતા આ સંકેતો અને લક્ષણોને ક્યારેય ન અવગણો
અચાનક વજન વધવું: ડાયટ કંટ્રોલ કરવા કે કસરત કરવા છતાં પણ વજન સતત વધ્યા કરે છે અને તેને ઘટાડવું મુશ્કેલ બને છે.
ભારે થાક અને સુસ્તી: પૂરતી ઊંઘ અને આરામ પછી પણ આખો દિવસ શરીરમાં નબળાઇ,આળસ અને ઊર્જાનો અભાવ વર્તાય છે.
અનિયમિત પિરિયડ્સ: માસિક ધર્મ સમયસર ન આવવો,અસહ્ય દુખાવો કે અતિશય બ્લીડિંગ થવું.આ સમસ્યા આગળ જતાં પ્રેગ્નન્સી રાખવામાં(Infertility) મોટી અડચણ બને છે.
રૂક્ષ ત્વચા અને હેરફોલ: ત્વચા એકદમ ડ્રાય થઇ જાય છે,નખ બરડ થઇને તૂટે છે અને વાળ ખૂબ જ વધારે માત્રામાં ખરે છે.
માનસિક અસરો: યાદશક્તિ નબળી થવી,નાની વાતોમાં મૂડ બદલાવો (Mood Swings) અને ડિપ્રેશનનો અહેસાસ થવો.
રોગનું સાચું નિદાન અને સરળ તબીબી સારવાર:
જો તમને ઉપરના લક્ષણો જણાતા હોય,તો વિલંબ કર્યા વિના ડોક્ટરનો સંપર્ક કરી Thyroid Profile (T3, T4, TSH) નામનો બ્લડ ટેસ્ટ કરાવવો જોઇએ.આ રોગમાં સામાન્ય રીતે લોહીમાં TSH નું પ્રમાણ ઊંચું આવે છે.
આની સારવાર ખૂબ જ સરળ છે.તબીબો શરીરની જરૂરીયાત મુજબ સવારે ખાલી પેટે લેવાની કૃત્રિમ હોર્મોનની ગોળી શરૂ કરાવે છે.આ દવા નિયમિત અને કોઇપણ દિવસ ચૂક્યા વિના લેવી અગત્યની છે.
લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ: આહારમાં આટલા ફેરફારો કરવા જરૂરી બને છે તેમજ દવાઓની સાથે યોગ્ય આહાર આ રોગને જડમૂળથી નિયંત્રિત કરી શકે છે
શું ખાવું: ખોરાકમાં આયોડિનયુક્ત મીઠું,લીલા શાકભાજી,કઠોળ,બદામ અને અખરોટનો નિયમિત ઉપયોગ કરવો.ડોક્ટરની સલાહથી સેલેનિયમ અને વિટામિન ડી યુક્ત આહાર લેવો.
શું ન ખાવું: સોયાબીન, કોબીજ, ફ્લાવર અને બ્રોકોલી જેવા ખાદ્યપદાર્થોને કાચા ખાવાનું સખત ટાળવું,કારણ કે તો થાઇરોઇડ હોર્મોન બનવાની પ્રક્રિયાને રોકે છે.
નિયમિત કસરત અને તણાવમુક્ત દિનચર્યા છે શ્રેષ્ઠ ઇલાજ
રોજ 20 થી 30 મિનિટ યોગાસન (ખાસ કરીને સર્વાંગાસન અને ઉજ્જાયી પ્રાણાયામ), વોકિંગ કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાથી થાઇરોઇડ ગ્રંથી ફરી સક્રિય બને છે.આ સિવાય માનસિક તણાવ ઓછો કરવા મેડિટેશન (ધ્યાન) કરવું અને રોજની 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ લેવી અનિવાર્ય છે. હાઇપોથાઇરોઇડિઝમ એ કોઇ અસાધ્ય રોગ નથી,માત્ર થોડી જાગૃતિ અને સંતુલિત જીવનશૈલીથી તેના પર પૂર્ણ વિજય મેળવી શકાય છે.
