Dharm & Bhakti: રાધે કૃષ્ણ…રાધે કૃષ્ણ…આ ઉક્તિ તમે હંમેશા સાંભળતા જ હશો…આ એક પવિત્ર નામસ્મરણ છે જેમાં કાન્હાની સાથે રાધા (Radha Krishna) નું નામ પ્રથમ લેવામાં આવે છે! ભગવાન કૃષ્ણની પત્નીઓની વાત હોય અને રાધાનું નામ ન ઉલ્લેખાય એ સંભવ જ નથી! લોકોના મનમાં એક પ્રશ્ન હંમેશા ઉઠતો જ રહે છે કે, કૃષ્ણે 16,108 લગ્ન કર્યા પણ રાધા સાથે લગ્ન (Marriage) કેમ ન કર્યા? કારણ કે, રાધા અને કૃષ્ણનો પ્રેમ (Love) અદ્વિતિય છે અને પ્રસિદ્ધ પણ…તો પછી બંનેના વિવાહ ન થવાનું કારણ શું?
શ્રી કૃષ્ણનું જીવન કેવળ એમની બાળલીલાઓ કે માખણ ચોરી સુધી જ સીમિત નથી પરંતુ, એમના જીવનના દરેકેદરેક અધ્યાયમાં ધર્મની સ્થાપના, સામાજીક ચેતના અને સંબંધોના નિર્વહન સહિત અનેક ગહન અર્થ છુપાયેલા છે. જન્માષ્ટમીના આ શુભ અવસર પર ચાલો જાણીએ કે શ્રી કૃષ્ણના વિવાહ એમની આઠ પટરાણીઓ અને અન્ય 16,100 રાણીઓ સાથે થયા હતા પણ રાધા સાથે કેમ નહિં? એ આજે પણ કુતૂહલનો અને શ્રદ્ધાનો વિષય બનીને ચર્ચાતો રહે છે.
શ્રી કૃષ્ણની આઠ પટરાણીઓ (Lord Krishna Wives)
ધાર્મિક માન્યતાનુસાર, કૃષ્ણ (Lord Krishna)ની 8 મુખ્ય રાણીઓ હતી જેમને અષ્ટભાર્યા કહે છે અને એમના નામ છે, રુકમિણી, સત્યભામા, જાંબવતી, કાલિન્દી, મિત્રવિન્દા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા (Rukmini, Satyabhama, Jambvati, Kalindi, Mitravinda, Satya, Bhadra and Lakshmana)…

16,100 અન્ય રાણીઓ
પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુરના કેદખાનામાંથી હજારો મહિલાઓને મુક્ત કરાવી હતી અને પછી એમને સમાજમાં સન્માનજનક સ્થાન મળે એ માટે કૃષ્ણને જ્યારે આ અબળા નારીઓએ પતિ તરીકે સ્વીકારવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કૃષ્ણે આ 16,100 સ્ત્રીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી હતી. આ ઘટનાને કેવળ લગ્ન કેટલી સ્ત્રીઓ સાથે થયા હતા એની સાથે નહિં પરંતુ એ સમયની સામાજીક પરિસ્થિતિ અને પુરાણોની કથાના સંદર્ભમાં પણ મૂલવવામાં આવે છે.
આમ પૌરાણિક સંદર્ભો અનુસાર, શ્રી કૃષ્ણની કુલ 16,108 રાણીઓ હોવાનો ઉલ્લેખ મળે છે. જે કૃષ્ણની સ્ત્રી સન્માન (Woman Honor)ની ભાવનાનું પ્રતિબિંબ છે.
કૃષ્ણ રાધા (Radha Krishna) કેમ પતિ-પત્ની ન બન્યા?
પૌરાણિક કથાઓ અનુસાર, રાધાજી વૃષભાનુની દીકરી હતા અને એમના પતિનું નામ રાયણ (અયન અથવા અભિમન્યુ, Rayan, Ayan or Abhimanyu) હોવાનું માનવામાં આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં જણાવ્યા અનુસાર, રાધાના લગ્ન રાયણ અથવા અયન નામના એક વૈશ્ય સાથે થયા હતા. આ ઉપરાંત, કેટલાક શાસ્ત્રોમાં તેમને અભિમન્યુ નામે પણ વર્ણવવામાં આવે છે. રાધા પ્રત્યેનો કૃષ્ણનો ઉત્કટ પ્રેમ અલૌકિક હતો અને એનું સાક્ષી આખુયે વૃંદાવન હતુ. ગોપીઓમાં શિરમોર સમાન રાધા કૃષ્ણની વાંસળીના સૂરે દોડી આવતી હતી અને કૃષ્ણની રાસ લીલા સહિતની અન્ય અદ્ભૂત લીલાઓમાં પણ રાધા એક પ્રમુખ પાત્ર છે. જીવ અને ભગવાનના સંબંધનું અનેરું પ્રતીક છે રાધા કૃષ્ણનો દિવ્ય પ્રેમ..જેનો અંત ક્યારેય નહિં આવે!

પદ્મ પુરાણ અનુસાર, રાધા વૃષભાનુ નામના વૈશ્ય ગોપની દીકરી હતી અને તેમની માતાનું નામ કીર્તિ હતું. રાધાના પિતા વૃષભાનુ બરસાનામાં વસતા હતા. અમુક દંતકથાઓ અને કેટલાક વિદ્વાનોના મતે, રાધાનો જન્મ યમુના (Yamuna) નજીક સ્થિત રાવલ ગામમાં થયો હોવાનું માનવામાં આવે છે.
વિષ્ણુ પદ્મ પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા (Lord Krishna & Radha)ના પ્રેમનો ઉલ્લેખ મળી આવે છે. સાંપ્રત સમયમાં પણ રાધા અને કૃષ્ણ (Radha Krishna)નો પ્રેમ પ્રાસંગિક છે અને આજે પણ પ્રેમીઓને રાધા કૃષ્ણ (Radha Krishna)ના સાચા અને નિર્મળ પ્રેમનું ઉદાહરણ આપવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, રાધા અને રૂકમણી બંને ભગવાન કૃષ્ણ કરતા વયમાં મોટા હતા. લોકમાન્યતા અને પૌરાણિક કથાઓમાં રાધા અને શ્રી કૃષ્ણનો પ્રેમ અવિવાહિત અલૌકિક પ્રેમ તરીકે વિખ્યાત છે.
અલગ-અલગ સંપ્રદાયો અને ભક્તિ પરંપરાઓમાં રાધા-કૃષ્ણના સંબંધ (Radha Krishna Relationship)ને દિવ્ય અને અલૌકિક માનવામાં આવે છે. વિશેષ રુપે, આ બંનેના સંબંધને સાંસારિક પ્રેમથી ઉપરવટ જઇને આત્મા અને પરમાત્માના મિલનનું પ્રતીક માનવામાં આવે ચે. આથી જ ભક્તો માટે રાધા અને કૃષ્ણનો સંબંધ કેવળ લગ્નબંધનથી જ પરિભાષિત નથી કરવામાં આવતો. એમના પ્રેમને સમર્પણ, ભક્તિ અને પૂર્ણ એકત્વના ભાવથી પૂજવામાં આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: શ્રીકૃષ્ણે દુર્યોધનનું ભોજન કેમ ઠુકરાવ્યું? મહાભારતનો આ પ્રસંગ તમારી વિચારવાની રીત બદલી નાખશે!
આ પણ વાંચો: 4 કે 5 સપ્ટેમ્બર…ક્યારે મનાવાશે કૃષ્ણ જન્માષ્ટમી? લડ્ડુ ગોપાલની નિશીથ પૂજાનું મુહૂર્ત જાણીએ…
આ પણ વાંચો: મોહ અને ભ્રમમાં ફસાયેલા અર્જુનને શ્રીકૃષ્ણે કેવી રીતે આપ્યું કર્તવ્યનું જ્ઞાન? વાંચો આ પ્રેરણાદાયી પ્રસંગ
