World News : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા (Gaza)માટે પ્રસ્તાવિત તેમના “બોર્ડ ઓફ પીસ”માં ભારતને જોડાવાનું આમંત્રણ આપ્યું છે. ભારત પહેલાં આ આમંત્રણ પાકિસ્તાન અને તુર્કીને આપવામાં આવ્યું હતું. પાકિસ્તાને આ પ્રસ્તાવ અંગે સકારાત્મક સંકેતો આપ્યા છે અને તુર્કી પણ તેમાં જોડાય તેવી શક્યતા છે. જોકે, ભારતની ભાગીદારીને લઈને રાજદ્વારી અને વ્યૂહાત્મક સ્તરે ગંભીર ચર્ચા ચાલી રહી છે.
ટ્રમ્પનું “બોર્ડ ઓફ પીસ” શું છે?
15 જાન્યુઆરીએ જાહેર કરાયેલું “બોર્ડ ઓફ પીસ” (BoP) ગાઝા (Gaza) માટેનું એક ટ્રાન્ઝિશનલ ગવર્નિંગ એડમિનિસ્ટ્રેશન અને દેખરેખ મિકેનિઝમ છે. તેનો ઉદ્દેશ્ય યુદ્ધથી વિનાશ પામેલા ગાઝા (Gaza)માં:
કામચલાઉ શાસન સ્થાપિત કરવું
પુનર્નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય ભંડોળ એકત્ર કરવું
હમાસનું નિઃશસ્ત્રીકરણ
પેલેસ્ટિનિયન ટેકનોક્રેટ્સ દ્વારા વહીવટ સુનિશ્ચિત કરવો

વ્હાઇટ હાઉસ અનુસાર, આ વ્યવસ્થામાં ટ્રમ્પની અધ્યક્ષતામાં મુખ્ય બોર્ડ, પેલેસ્ટિનિયન ટેકનોક્રેટ્સની સમિતિ અને સલાહકાર ભૂમિકાવાળો એક્ઝિક્યુટિવ બોર્ડ હશે. બોર્ડમાં જોડાવા માટે દરેક દેશે $1 બિલિયનનું યોગદાન આપવું પડશે.
કયા દેશોને આમંત્રણ?
આ બોર્ડમાં જોડાવા માટે ભારત ઉપરાંત પાકિસ્તાન, તુર્કી, કતાર, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇજિપ્ત, જોર્ડન, ગ્રીસ, હંગેરી, અલ્બેનિયા, પેરાગ્વે અને આર્જેન્ટિનાને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, ઇઝરાયલે કતાર અને તુર્કીના સમાવેશનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે.
ભારત માટે મુદ્દો કેમ સંવેદનશીલ?
ભારત એવી દુર્લભ સ્થિતિમાં છે જ્યાં તેના ઇઝરાયલ અને પેલેસ્ટાઇન – બંને સાથે સારા સંબંધો છે.
ઇઝરાયલ સાથે ભારતના મજબૂત વ્યૂહાત્મક અને સુરક્ષા સંબંધો છે
પેલેસ્ટાઇનને ભારત લાંબા સમયથી માનવતાવાદી સહાય આપતું આવ્યું છે
પરંતુ તુર્કી અને પાકિસ્તાન સાથે એક જ મંચ પર બેસવું ભારત માટે રાજદ્વારી રીતે મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને, ગયા વર્ષે તુર્કીએ ભારત સામેના સંઘર્ષમાં પાકિસ્તાનને ટેકો આપ્યો હતો, જેના કારણે નવી દિલ્હી અને અંકારા વચ્ચે સંબંધો બગડ્યા છે.
નિષ્ણાતો શું કહે છે?
ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતે આ બોર્ડમાં જોડાવું નહીં જોઈએ. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું:
“જો આ અહેવાલ સાચો હોય, તો ભારતનો જવાબ ‘ના, આભાર’ હોવો જોઈએ. યુએનની મંજૂરી વિના રચાયેલી, સંભવિત જોખમોથી ભરેલી અને ખાનગી હિતો સાથે જોડાયેલી કોઈપણ વ્યવસ્થાનો ભારતે ભાગ ન બનવો જોઈએ.”
મધ્ય પૂર્વના નિષ્ણાત કમર આગાનું કહેવું છે કે, અમેરિકા ભારત સાથે ચર્ચા કર્યા વિના આમંત્રણ આપ્યું હશે એવું લાગતું નથી, પરંતુ બોર્ડમાં સામેલ દેશો વચ્ચેના પરસ્પર સંબંધો સૌથી મોટો પડકાર છે.
ગાઝા (Gaza) માટેનું “બોર્ડ ઓફ પીસ” દેખીતી રીતે શાંતિ અને પુનર્નિર્માણ માટેનું મંચ
ગાઝા (Gaza) માટેનું “બોર્ડ ઓફ પીસ” દેખીતી રીતે શાંતિ અને પુનર્નિર્માણ માટેનું મંચ છે, પરંતુ તેની રચના, તેમાં સામેલ દેશો અને યુએનની મંજૂરીનો અભાવ ભારત માટે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. હાલની સ્થિતિ જોતા, ભારત આ બોર્ડથી સાવધ અંતર જાળવે તેવી શક્યતા વધુ માનવામાં આવે છે.
ગાઝા (Gaza) માટે સૂચિત શાંતિ બોર્ડમાં તુર્કીના સમાવેશ સામે ઇઝરાયલે ખુલ્લી નારાજગી વ્યક્ત કરી છે. આ મુદ્દે આંતરરાષ્ટ્રીય રાજનૈતિક સમીકરણો વધુ જટિલ બનતા દેખાઈ રહ્યા છે. આ વચ્ચે કમર આગાએ જણાવ્યું હતું કે ભારત હાલમાં અમેરિકા સાથે વધુ મજબૂત જોડાણ કરી રહ્યું છે. ભારતે રશિયન તેલની ખરીદીમાં ઘટાડો કર્યો છે અને ચાબહાર પ્રોજેક્ટમાંથી પણ પીછેહઠ કરી છે.
કમર આગાના જણાવ્યા અનુસાર, જો ભારત સાથે અગાઉ ચર્ચા થઈ હોત તો નવી દિલ્હીને આ શાંતિ બોર્ડમાં જોડાવા માટે આમંત્રણ અપાયું હોત. તેમણે ઉમેર્યું કે ભારતનું નામ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન – બંને માટે સ્વીકાર્ય બની શકે છે.
જો કે, શાંતિ બોર્ડના કાર્યક્ષેત્રમાં હમાસને નિઃશસ્ત્ર કરવા માટે ISF દળોની તૈનાતીનો માર્ગ મોકળો કરવાનો સમાવેશ થશે કે નહીં અને ભારત સૈનિકો મોકલવા તૈયાર છે કે નહીં – એ પ્રશ્ન પર કમર આગાએ જણાવ્યું કે ભારત શાંતિ રક્ષા દળ મોકલવા તૈયાર છે. પરંતુ જો આ દળમાં પાકિસ્તાન અને તુર્કીનો સમાવેશ થાય, તો ભારત પોતાનો નિર્ણય ફરીથી વિચારશે.
આ તમામ પરિસ્થિતિ વચ્ચે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આવતા અઠવાડિયે દાવોસમાં મુલાકાત થવાની શક્યતા છે. આ બેઠકમાં પાકિસ્તાનના આર્મી ચીફ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પણ સામેલ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અસીમ મુનીર યુરોપમાં કેટલીક વ્યૂહાત્મક અને સુરક્ષા સંબંધિત બેઠકોમાં પણ ભાગ લઈ શકે છે.
આથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન અમેરિકા સાથે નજીક જવાની કોઈ તક ચૂકી દેવા તૈયાર નથી. ટ્રમ્પે ભારત પ્રત્યે અગાઉથી જ કડક વલણ અપનાવ્યું હોવાના કારણે, ભારત માટે ગાઝા (Gaza)બોર્ડ ઓફ પીસમાં જોડાવું કે નહીં તે અંગે નિર્ણય લેવો વધુ મુશ્કેલ બની રહ્યો છે.
