શ્રાવણ માસ/ સોમવતી અમાસે જરૂરિયાતમંદને દાન અને પીપળાનું પૂજન કરવાથી થાય છે ઇચ્છાઓ પૂર્ણ

સોમવતી અમાસે પીપળાની પરિક્રમા કરવાનું પણ ખાસ મહત્વ છે. એવું કહેવાય છે કે પતિના દીર્ઘાયુ માટે પણ પરણીત સ્ત્રીઓ સોમવતી અમાસે પીપળાની પરિક્રમા અને પૂજન કરે છે.

Religious Dharma & Bhakti
Untitled 51 સોમવતી અમાસે જરૂરિયાતમંદને દાન અને પીપળાનું પૂજન કરવાથી થાય છે ઇચ્છાઓ પૂર્ણ

શ્રાવણનો અંતિમ દિવસ એટલે અમાસ. આ વખતે તો અમાસ અને સોમવારનો સંયોગ છે એટલે કે સોમવતી અમાસ છે. સોમવતી અમાસનું આપણા શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવ્યું છે. એમાં પણ ખાસ તો શ્રાવણની આ સોમવતી અમાસ એટલે તો શ્રાવણના આખાયે મહિનાનું એક સાથે પૂણ્યનું ભાથુ બાંધવાનો અવસર.

સોમવાર એટલે તો શિવજીની આરાધનાનો અવસર અને સોમવતી અમાસનો દિવસ તો ખાસ શિવજીની પૂજા અને અર્ચના કરવામાં આવે છે. પુરાણોમાં સોમવતી અમાસે ખાસ દાન કરવાનો મહિમા પણ બતાવાયો છે. જરૂરિયાતમંદને સોમવતી અમાસે કરવામાં આવતું દાન વ્યક્તિને મહાદેવની વિશેષ કૃપાના અધિકારી બનાવે છે. તો સોમવતી અમાસે પવિત્ર નદીઓમાં સ્નાનનો પણ મહિમા બતાવાયો છે.

એવું કહેવાય છે કે પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ, થડમાં શિવજી અને આગળના ભાગમાં બ્રહ્માજીનો વાસ છે. એટલે જો સોમવતી અમાસે પીપળાના વૃક્ષનું પૂજન કરવામાં આવે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તમામની કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે જ જીવનમાં સમૃદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે.

સોમવતી અમાસે પીપળાની પરિક્રમા કરવાનું પણ ખાસ મહત્વ છે. એવું કહેવાય છે કે પતિના દીર્ઘાયુ માટે પણ પરણીત સ્ત્રીઓ સોમવતી અમાસે પીપળાની પરિક્રમા અને પૂજન કરે છે. સોમવતી અમાસે પીપળાને જળ ચઢાવવાથી પિતૃઓ પણ તૃપ્ત થતાં હોવાની માન્યતા છે. કહેવાય છે કે સોમવતી અમાસે પીપળાની પરિક્રમાની સાથે તુલસીના છોડની 108 પરિક્રમા પણ કરવી જોઈએ.

સોમવતી અમાસે દાનનું વિશેષ મહત્વ છે. કોઈ ગરીબને સોમવતી અમાસે અનાજનું દાન કરવાથી વ્યક્તિના ઘરમાં ધાન્યના ભંડાર અવશ્ય ભરેલા રહે છે. એવું કહેવાય છે કે જેની કુંડળીમાં ચંદ્ર કમજોર છે તેને સોમવતી અમાસે ગાયને દહીં અને ભાત ખવડાવવા જોઈએ. સોમવતી અમાસે માછલીને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ. સોમવતી અમાસે તલના લાડુનું દાન કરવાનું પણ મહત્વ છે. તો જરૂરિયાતમંદ વ્યક્તિની સાથે પશુ પક્ષીઓને પણ ભોજન કરાવવું જોઈએ.