Dharma & Bhakti/ ભારતવર્ષમાં દ્વારિકાથી કુરુક્ષેત્ર સુધી…ભગવાન શ્રી કૃષ્ણના ઐતિહાસિક સાક્ષ્ય વિશે જાણીએ…

દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે (Lord Krishna) ભારતવર્ષના વિભિન્ન ભાગોમાં અનેક લીલાઓ કરી હતી. જેમાં મથુરાની ગલીઓથી વૃંદાવન, ગોવર્ધન પર્વતથી સમુદ્ર તટ…

Trending Religious Rashifal Dharma & Bhakti
Lord Krishna ની લીલાના ભારતના વિભિન્ન સ્થળોએ સાક્ષ્ય...!

Dharm & Bhakti: કૃષ્ણ…કાન્હો…કનૈયો…વાસુદેવ…શ્રી કૃષ્ણ (Lord Krishna)ના અગણિત નામ છે. આ એક એવું નામ છે જેમાં ભારતીય સભ્યતા (Indian Culture)ની હજારો વર્ષ જૂની સાંસ્કૃતિક પરંપરા, અધ્યાત્મ અને આસ્થા જોડાયેલી છે. હિન્દુ સનાતન ધર્મની પરંપરામાં શ્રીકૃષ્ણ કેવળ આરાધ્ય દેવ નથી પરંતુ એક વિરાટ વ્યક્તિત્વ છે જેણે એમની લીલાઓ, વિચારો અને સંદેશ દ્વારા ભારતીય સમાજ અને દર્શન પર ગહન પ્રભાવ છોડ્યો છે.

ધાર્મિક માન્યતાનુસાર, દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે (Lord Krishna) ભારતવર્ષના વિભિન્ન ભાગોમાં અનેક લીલાઓ કરી હતી. જેમાં મથુરાની ગલીઓથી માંડીને વૃંદાવન સુધી, ગોવર્ધન પર્વતથી માંડીને સમુદ્ર તટ સુધી, કુરુક્ષેત્રથી માંડીને પ્રભાસ ક્ષેત્ર સુધી એમની લીલાઓના અનેક સ્થાન આજે પણ એમની સ્મૃતિઓ અને માન્યતાઓથી સંલગ્ન હોવાનું મનાય છે. આ સ્થળોની પોતાની આગવી કથા છે જેની ચર્ચા આજે પણ ઈતિહાસના વિદ્વાનો અને પુરાતત્વવિદ્ કરી રહ્યાં છે. એમની શોધમાં પ્રાચીન સભ્યતાઓ અને વસવાટના નવા સંકેતો ( Witness) મળ્યા છે. તો જાણીએ, ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા આ મુખ્ય સ્થળો અને માન્યતાઓ વિશે….

ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા આ મુખ્ય સ્થળો (Places Witness of Lord Krishna)

આ સ્થળોની પોતાની આગવી કથા છે જેની ચર્ચા આજે પણ ઈતિહાસના વિદ્વાનો અને પુરાતત્વવિદ્ કરી રહ્યાં છે. લાખો શ્રદ્ધાળુઓ આજે પણ અહિં દર્શનાર્થે આવે છે.

Dwarka

1. દ્વારિકા નગરી (Dwarka)

ભગવાન શ્રી કૃષ્ણના સૌથી રહસ્યમય અને ચર્ચિત સ્થળોમાં દ્વારકાનું નામ પ્રમુખ છે.એવી માન્યતા છે કે મથુરા છોડ્યા બાદ કૃષ્ણએ દ્વારકા નગરીની સ્થાપના કરી હતી જે ગુજરાતના સમુદ્રતટે વસેલી હતી. એને સોનાની નગરી પણ કહેવાય છે. જે કૃષ્ણના પૃથ્વી પરથી ગમન બાદ સમુદ્રમાં મળી ગઈ હોવાનું કહેવાય છે.

ભાગવત પુરાણમાં દ્વારકાનું સમુદ્રની મધ્યે વસાવેલા એક ભવ્ય અને સુરક્ષિત નગર તરીકે વર્ણન કરવામાં આવેલું છે. શ્રીમદ્ ભાગવત ઉપરાંત, મહાભારત, હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ અને સ્કંદ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં આ નગરીનો ઉલ્લેખ મળે છે.

Govardhan Mountain

2. ગોવર્ધન પર્વત (Govardhan Mountain)

ભગવાન કૃષ્ણની સૌથી પ્રસિદ્ધ લીલાઓમાં ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી પર ઉઠાવ્યાની કથા પણ સામેલ છે. મથુરાથી લગભગ 26 કિલોમીટર દૂર ગોવર્ધન પર્વતને શ્રદ્ધાળુઓ ગિરિરાજ મહારાજના રુપમાં પૂજે છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં વર્ણવ્યા પ્રમાણે દેવરાજ ઈન્દ્રની પૂજા બંધ કરીને ગોવર્ધન પર્વતની પ્રકૃતિ સ્વરુપે પૂજા કરવાનું કૃષ્ણે શરુ કરાવ્યું પછી ક્રોધએ ભરાયેલા ઈન્દ્રે સાત દિવસ સુધી અનરાધાર વર્ષા કરી હતી. આ સંકટમાં કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉઠાવી લઈને નીચે વર્જવાસી અને ગૌવંશનું સીત દિવસ અને સાત રાત સુધી રક્ષણ કર્યું હતુ. અંતે ઈન્દ્રદેવે ક્ષમા માગી હતી. આજે પણ ગોવર્ધનની પરિક્રમા માટે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને કૃષ્ણને કૃતજ્ઞતારુપે સાત દિવસના આઠ પ્રહર સાથે ગુણીને કુલ 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

Nidhivan Rasleela

3. નિધિવન (Nidhivan)

કૃષ્ણની સૌથી રહસ્યમય ધાર્મિક માન્યતાઓ પૈકીનું એક છે વૃંદાવન સ્થિત નિધિવન…અહિં આજે પણ રાત્રિના સમયે રાધે રાણી સાથે શ્રી કૃષ્ણ રાસલીલા રચાવે છે એવો શ્રદ્ધાળુઓનો વિશ્વાસ છે. એવી માન્યતા છે કે સાંજની આરતી બાદ આ પરિસરને ખાલી કરી દેવામાં આવે છે અને રાત્રે અહિં કોઈને પણ રોકાવાની અનુમતિ નથી! આ પરિસરમાં રંગ મહેલ સાથે પણ અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. અહિં દરરોજ ભગવાન માટે માખણ-મિસરી અને અન્ય સામગ્રી રાખવામાં આવે છે. સ્થાનિક માન્યતા અનુસાર, સવારે જ્યારે મંદિરના પટ ખૂલે છે ત્યારે અહિં કશુંક તો પરિવર્તન જોવા અચૂક મળે છે!

કૃષ્ણ દેહાવસાન

4. પ્રભાસ ક્ષેત્ર (Prabhas Kshetra)

ભગવાન શ્રી કૃષ્ણે જ્યાં એમની જીવનલીલા સંકેલી લીધી હતી એ આ ક્ષેત્ર છે જેનું ધાર્મિક ગ્રંથોમાં વિસ્તારપૂર્વક વર્ણન મળે છે. માન્યતાનુસાર, યદુવંશના વિનાશ બાદ ભગવાન શ્રીકૃષ્ણે પોતાની સાંસારિક લીલા સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ ક્ષેત્ર ગુજરાતના પ્રભાસ ક્ષેત્ર અને વેરાવળ પાસે દેહોત્સર્ગ તાર્થ તરીકે પ્રચલિત છે. અહિં એક પીપળાના વૃક્ષ નીચે બેસેલા ભગવાન કૃષ્ણ (Lord Krishna)ને જરા નામના એક શિકારીએ એમના ચરણકમળને હરણ સમજીને તીર ચલાવ્યું હતુ. પછી ભૂલ સમજાતા ક્ષમાયાચના કરી હતી. ત્યાર બાદ, કૃષ્ણે પોતાની લીલા સંકેલીને પરમ ધામ પ્રસ્થાન કરેલું હોવાનું વર્ણન મળે છે.

Kuru Kshetra

5. કુરુક્ષેત્ર (Kuru Kshetra)

ભગવાન કૃષ્ણના જીવનનો સૌથી મહત્વપૂર્ણ અધ્યાય છે મહાભારતનું યુદ્ધ…જેમાં ભગવદ્ગીતાનો ઉપદેશ પણ આપવામાં આવ્યો છે જે ક્ષેત્ર હરિયાણામાં સ્થિત છે. કુરુક્ષેત્ર સ્થિત જ્યોતિસરને વિશેષ રુપે ગીતા ઉપદેશની પરંપરા સાથે સંલગ્ન કરીને વર્ણવવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ જ સ્થળે કૃષ્ણે મોહ અને સંશયયુક્ત અર્જુનને કર્મ, ધર્મ અને જીવનનો ઉપદેશ ગીતાજ્ઞાન સ્વરુપે આપ્યો હતો.

Vraj Kshetra

6. વ્રજ ક્ષેત્ર (Vraj Kshetra)

મથુરા અને વૃંદાવન જ્યા સ્થિત છે એ વ્રજ ક્ષેત્ર વિના શ્રી કૃષ્ણની કથા અધૂરી છે. ધાર્મિક ગ્રંથોમાં વર્ણવ્યા અનુસાર, મથુરામાં દેવકી-વસુદેવના ત્યાં કૃષ્ણનો જન્મ થયો હતો. ત્યાર બાદ એમને ગોકુળ પહોંચાડવામાં આવ્યા હતા. અહિં તેમનું પાલન-પોષણ યશોદા-નંદબાબાએ કર્યુ હતુ. આ ક્ષેત્રમાં કાન્હાની બાળ લીલાઓ, ગાય ચરાવવી, માખણ ચોરી અને રાસ લીલાની અગણિત કથાઓ જોડાયેલી છે.

આજે પણ વ્રજ ક્ષેત્ર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અને અહિં જન્માષ્ટમી, હોળી, રાધાષ્ટમી અને અન્ય તહેવારો દરમિયાન અનોખો હર્ષોલ્લાસ હોય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શ્રીકૃષ્ણે દુર્યોધનનું ભોજન કેમ ઠુકરાવ્યું? મહાભારતનો આ પ્રસંગ તમારી વિચારવાની રીત બદલી નાખશે!

આ પણ વાંચો: 4 કે 5 સપ્ટેમ્બર…ક્યારે મનાવાશે કૃષ્ણ જન્માષ્ટમી? લડ્ડુ ગોપાલની નિશીથ પૂજાનું મુહૂર્ત જાણીએ…

આ પણ વાંચો: મોહ અને ભ્રમમાં ફસાયેલા અર્જુનને શ્રીકૃષ્ણે કેવી રીતે આપ્યું કર્તવ્યનું જ્ઞાન? વાંચો આ પ્રેરણાદાયી પ્રસંગ