Wolf Supermoon 2026: 2026નું નવું વર્ષ શરૂ થતાની સાથે જ અવકાશપ્રેમીઓ માટે એક યાદગાર ખગોળીય ઘટના સર્જાવા જઈ રહી છે. વર્ષની શરૂઆતમાં જ, આજે 3 જાન્યુઆરીની રાત્રે, આકાશમાં વર્ષનો પહેલો અને સૌથી વિશેષ ચંદ્ર દેખાશે. આજે પૂર્ણિમાના દિવસે જોવા મળનાર આ ચંદ્રને ‘વુલ્ફ સુપરમૂન’ (Wolf Supermoon) તરીકે ઓળખવામાં આવે છે. આ સુપરમૂન સામાન્ય પૂનમના ચંદ્ર કરતાં કદમાં મોટો અને તેજમાં ઘણો વધારે દેખાશે, જેના કારણે આખું આકાશ દૂધિયા રોશનીથી ઝળહળી ઉઠશે.
ખગોળશાસ્ત્રીઓ અનુસાર, વર્ષ 2026ની આ પહેલી પૂર્ણિમા માત્ર એક સામાન્ય પૂનમ નથી, પરંતુ એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે. આજે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકના અંતરે હશે, એટલે કે તે ‘સુપરમૂન’ની શ્રેણીમાં આવે છે.
શું છે સુપરમૂન?
સુપરમૂન એ ખગોળીય ઘટના છે જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકની સ્થિતિમાં હોય અને એ જ સમયે પૂર્ણિમા આવે. ચંદ્રની કક્ષા સંપૂર્ણ ગોળ નથી, પરંતુ લંબગોળ (Elliptical) હોવાથી તે ક્યારેક પૃથ્વી નજીક અને ક્યારેક દૂર રહે છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે, ત્યારે તેને ‘પેરિજી’ (Perigee) કહેવામાં આવે છે.
આજે, 3 જાન્યુઆરીના રોજ, ચંદ્ર પૃથ્વીથી આશરે 3,56,000 થી 3,62,000 કિલોમીટરના અંતરે રહેશે. આ કારણસર જ તે સામાન્ય પૂર્ણિમા કરતાં અંદાજે 6થી 14 ટકા વધારે મોટો અને 13થી 30 ટકા વધુ તેજસ્વી દેખાશે.

કેમ કહેવાય છે ‘Wolf Supermoon’?
જાન્યુઆરી મહિનાની પૂર્ણિમાને પરંપરાગત રીતે ‘વુલ્ફ મૂન’ કહેવાય છે. આ નામનો ઉદ્ભવ ઉત્તર ગોળાર્ધની પ્રાચીન લોકકથાઓમાંથી થયો છે. શિયાળાની કડાકા ઠંડી અને લાંબી રાતોમાં ગામોની આસપાસ વરુઓના રડવાના અવાજો સંભળાતા હતા, જેના કારણે જાન્યુઆરીની પૂર્ણિમાને ‘વુલ્ફ મૂન’ નામ આપવામાં આવ્યું.
2026નો આ વુલ્ફ મૂન ખાસ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે આ સમયે પૃથ્વી સૂર્યની પણ નજીક હોય છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ઓછું હોવાથી ચંદ્ર પર પડતો સૂર્યપ્રકાશ વધુ તેજસ્વી બને છે, જે ચંદ્રને વધુ ચમકદાર બનાવે છે.
ભારતમાં ક્યારે અને કેવી રીતે જોવા મળશે?
ભારતમાં આ વુલ્ફ સુપરમૂન (Wolf Supermoon) આજે સાંજે સૂર્યાસ્ત પછી તરત જ જોવા મળશે. અંદાજે સાંજે 5:45 થી 6:00 વાગ્યાની વચ્ચે પૂર્વ દિશામાં ચંદ્ર ઉગતો જોવા મળશે. શરૂઆતમાં ચંદ્ર ક્ષિતિજ પાસે હોવાથી તે પીળા કે નારંગી રંગનો દેખાઈ શકે છે, જે સમય જતા સફેદ અને તેજસ્વી બની જશે.
આ ખાસ દ્રશ્યને વધુ આકર્ષક બનાવતી એક વાત એ છે કે આ સમયે ચંદ્રની નજીક ગુરુ ગ્રહ (Jupiter) પણ ચમકતો જોવા મળી શકે છે, જે આકાશપ્રેમીઓ માટે એક અદભૂત અનુભવ બની રહેશે.

જોતી વખતે રાખો આ ખાસ ધ્યાન
આ વુલ્ફ સુપરમૂન (Wolf Supermoon) જોવા માટે કોઈ ખાસ ટેલિસ્કોપ કે વૈજ્ઞાનિક સાધનની જરૂર નથી. તમે તેને નરી આંખે સરળતાથી જોઈ શકો છો. જો તમારી પાસે દૂરબીન (Binoculars) કે સારો કેમેરો હોય, તો તમે ચંદ્રની સપાટી, ખાડા, છાયાઓ અને તેજસ્વી રોશનીને સુંદર રીતે કૅપ્ચર કરી શકો છો.
ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે જો આકાશ સ્વચ્છ અને વાદળરહિત રહેશે, તો આ દ્રશ્ય વર્ષના સૌથી સુંદર આકાશીય દ્રશ્યોમાંનું એક સાબિત થશે.
