Patan News : પાટણમાં ગાંઠના ઓપરેશન માટે ગયેલી મહિલાનું ગર્ભાશય કાઢી લેવાયું ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના પાટણની આધાર વુમન્સ હોસ્પિટલમાં બની હતી. આ બનાવની વિગત મુજબ પાટણમાં થરામાં GRD (ગામ રક્ષણ દળ) તરીકે ફરજ બજાવતી મહિલાના આક્ષેપથી ચકચાર મચી છે. મહિલાનો આક્ષેપ છે કે તે હોસ્પિટલમાં ગાંઠનું ઓપરેશન કરાવવા ગઈ હતી જ્યાં તેની જાણ બહાર તેનું ગર્ભાશય કાઢી લેવામાં આવ્યું હતું. મહિલાના આ ગંભીર આક્ષેપને લઈને હોબાળો મચ્યો છે.
ડૉ. કલ્પેશ વાઢેર પર બેદરકારીના આરોપ (ગર્ભાશય કાઢી લેવાયું)
મહિલાએ કરેલા આક્ષેપ મુજબ તે ગર્ભાશયની ગાંઠની સારવાર કરાવવા માટે મહિલા હોસ્પિટલમાં દાખલ થઈ હતી. બીજીતરફ ડો. કલ્પેશ વાઢેર અને તેમના સ્ટાફે ઓપરેશન વખતે ગર્ભાશય કાઢી નાંખ્યું હતું. વધુમાં મહિલાએ આરોપ મુક્યો હતો કે આ અંગે તેને અગાઉથી જાણ કરાઈ ન હતી કે કો સ્વીકૃતિ પણ લેવામાં આવી ન હતી.
મહિલા પોલીસ વિભાગ સાથે સકંળાયેલી છે તેમ છતા તેની ફરિયાદને પોલીસ ગંભીરતાથી લઈ રહી નથી, એવી પણ મહિલાએ વધુમાં ફરિયાદ કરી હતી. યોગ્ય રીતે તેની વાત પણ સંભાળવામાં આવી નથી, એમ મહિલાનું કહેવું છે. મહિલાએ અંતે કંટાળીને ન્યાય નહી મળેતો આપઘાતની ચિમકી પણ ઉચ્ચારી છે. આ ગંભીર ઘટાને લઈને થરા સહિત સમગ્ર પાટણ જિલ્લામાં ચર્ચા થઈ રહી છે. તેમ જ જવાબદાર ડોક્ટરો અને હોસ્પિટલ સામે તપાસની માંગ ઉઠી છે. બીજીતરફ આ અંગે ડોક્ટર કે હોસ્પિટલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પડાયું નથી.

