World Health Day/Gujarat News: વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) 2025ની થીમ ‘માતૃ અને નવજાત શિશુ’ના સ્વાસ્થ્ય પર કેન્દ્રિત છે, જેનો ઉદ્દેશ્ય મહિલાઓના અધિકારોને સશક્ત બનાવવા અને માતા અને નવજાત શિશુની આરોગ્ય સેવાઓમાં રોકાણ વધારવાનો છે. આ દિશામાં, રાજ્ય સરકારે અનેક નવીન અને અસરકારક પહેલો હાથ ધરી છે, જેના કારણે ગુજરાતે માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં દેશના અગ્રણી રાજ્યોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

ગુજરાતે માતૃ મૃત્યુ દરમાં 50%નો નોંધપાત્ર ઘટાડો કરીને માતૃત્વને બનાવ્યું સુરક્ષિત
ગુજરાત સરકારે માતૃ સ્વાસ્થ્ય (Health)ને સુધારવા માટે કરેલા પ્રયાસો દ્વારા માતૃ મૃત્યુ દર (Maternal Mortality Rate)માં 50%નો નોંધપાત્ર ઘટાડો હાંસલ કર્યો છે. ગુજરાતનો માતૃ મૃત્યુ દર (MMR) વર્ષ 2011-13માં 112 હતો, જે 2020માં જાહેર થયેલા ડેટા મુજબ ઘટીને 57 થયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે 14 લાખથી વધુ સગર્ભા સ્ત્રીઓને સમયસર ગુણવત્તાયુક્ત તપાસ, રસીકરણ અને પોષણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ગુજરાતે માતૃ અને બાળ સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે 121 ફર્સ્ટ રેફરલ યુનિટ્સ (FRUs), 153 બ્લડ સ્ટોરેજ યુનિટ્સ અને 20 મૅટરનિટી આઈસીયુ (Maternity ICU)ની સ્થાપના કરી છે, જેથી કટોકટીની સ્થિતિમાં સમયસર અને સુરક્ષિત સારવાર સુનિશ્ચિત થઈ શકે. આના પરિણામે, રાજ્યએ 99.97% સંસ્થાકીય ડિલિવરી દર હાંસલ કરીને રાષ્ટ્રીય સ્તરે બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.
શિશુ મૃત્યુ દરમાં 57.40%નો નોંધપાત્ર ઘટાડો
રાજ્ય સરકાર ટકાઉ વિકાસ લક્ષ્યો (Sustainable Development Goals)ને અનુરૂપ 2030 સુધીમાં શિશુ મૃત્યુ દરને સિંગલ ડિજિટમાં લાવવાના લક્ષ્યની દિશામાં કામ કરી રહી છે. આ પ્રયાસોના પરિણામે, ગુજરાતમાં શિશુ મૃત્યુ દર (IMR)માં 2005માં 1,000 લાઇવ બર્થ દીઠ 54થી ઘટીને 2020માં 23 થયો છે, જે 57.40%નો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં હોમ-બેઝ્ડ ન્યુબોર્ન કેર (HBNC) અને હોમ-બેઝ્ડ યંગ ચાઇલ્ડ કેર (HBYC) જેવી મુખ્ય પહેલોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત, SAANS અને સ્ટોપ ડાયેરિયા જેવા અભિયાનો તેમજ નવજાત શિશુની સંભાળ માટે ગુજરાતનું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં 58 સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ્સ (SNCU), 138 ન્યુબોર્ન સ્ટેબિલાઇઝેશન યુનિટ (NBSU), અને 1,083 ન્યુબોર્ન કેર કોર્નર (NBCC)નો સમાવેશ થાય છે, તેણે પણ આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

SH-RBSK અને “બ્રેકિંગ ધ સાયલન્સ” અભિયાન
ગુજરાતની મહત્વપૂર્ણ યોજના SH-RBSK (શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) હેઠળ, રાજ્યમાં દર વર્ષે 992 મોબાઇલ હેલ્થ ટીમો અને 28 જિલ્લા પ્રારંભિક હસ્તક્ષેપ કેન્દ્રો દ્વારા 1.61 કરોડથી વધુ બાળકોની તપાસ કરવામાં આવે છે. જાન્યુઆરી 2025 સુધીમાં, આ પહેલ હેઠળ 206 કિડની, 37 લીવર અને 211 બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 20,981 બાળકોને કિડની સંબંધિત, 11,215 બાળકોને કેન્સર અને 1,67,379 બાળકોને હૃદય સંબંધિત રોગો માટે નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે.
તે જ રીતે, SH-RBSK હેઠળ ગુજરાત સરકારની “બ્રેકિંગ ધ સાયલન્સ” ઝુંબેશ ગંભીર હિઅરિંગ લોસ (શ્રવણશક્તિ ગુમાવનારા) ધરાવતા બાળકોને નિ:શુલ્ક કૉક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરીની સુવિધા પ્રદાન કરે છે. રાજ્ય સરકાર તરફથી ₹228 કરોડના સહયોગથી આ અભિયાન દ્વારા અત્યાર સુધીમાં 3,260 બાળકોએ શ્રવણશક્તિ પાછી મેળવી છે. આ સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી 2025માં, ગુજરાતના આરોગ્ય વિભાગને બાળ સ્વાસ્થ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ બે પ્રતિષ્ઠિત ગોલ્ડ SKOCH અવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જે શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ (Digital Health card report) રિપોર્ટ જારી કરે છે. અત્યાર સુધીમાં 1.15 કરોડથી વધુ ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. આ ડિજિટલ હેલ્થ કાર્ડમાં દરેક વિદ્યાર્થીની સંપૂર્ણ આરોગ્ય તપાસ અને સારવાર સંબંધિત વિગતો હોય છે, જેથી બાળકોના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી શકાય. બાળ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ મેળવતાં ગુજરાતે 2019થી 2023 દરમ્યાન નવજાત શિશુઓની આરોગ્ય તપાસ, જન્મજાત વિકૃતિની ઓળખ અને તેમના અસરકારક સંચાલનમાં મોટા રાજ્યોની શ્રેણીમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો:Digital Detox સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે, કઈ રીતે આપણે બચી શકીએ છીએ
આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રાલયે સ્વાસ્થ્યને લઈ આપી ખાસ ચેતવણી, આ પીણાં પીવાથી બચીને રહો
આ પણ વાંચો:B12 સાથે આ વસ્તુ લેવાથી સ્વાસ્થ્ય સમસ્યા વધશે, મોટાભાગના લોકો વિટામિન લેવાની સાચી રીતથી અજાણ
