નવી દિલ્હી,
અમેરિકાએ ઈરાનમાંથી ઓઈલની આયાત બંધ કરવાની ધમકી આપ્યા બાદ હવે ઈરાને પણ ભારતનુ નાક દબાવ્યુ છે. ઓઈલની આયાતમાં ઘટાડા અને ચાબહાર બંદરમાં રોકાણ મુદ્દે ઈરાને ભારત પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ ઈરાને ચિમકી ઉચ્ચારી છે કે જો ભારત ઈરાનમાંથી ઓઈલની આયાતમાં ઘટાડો કરશે તો ઈરાન તરફથી ભારતને મળનારા વિશેષ લાભ સમાપ્ત કરવામાં આવશે.
અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિતના દેશોને ઈરાન પાસેથી ઓઈલ આયાત ન કરવાની ધમકી આપ્યા બાદ ભારતની સ્થિતિ કફોડી થઈ છે. ટ્રમ્પની ધમકી બાદ ભારતે ક્રૂડ ઓઈલની આયાતમાં કરેલા ઘટાડા તેમજ ચાબહાર બંદરમાં રોકાણ મુદ્દે ઈરાને ભારત પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા ભારતની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે.
ઈરાને કહ્યુ છે કે જો ભારત ઈરાનમાંથી ખનીજ તેલની આયાત ઓછી કરે છે તો તેને મળનારા વિશેષ લાભ સમાપ્ત થઈ શકે છે. ઈરાનના નાયબ રાજદૂત મસૂદ રજવાનિયન રહાગીએ કહ્યુ કે જો ભારત અન્ય દેશોની જેમ ઈરાનમાંથી ખનીજતેલની આયાત ઘટાડીને સાઉદી અરેબિયા, રશિયા, ઈરાક અને અમેરીકામાંથી આયાત કરે છે. તો ભારતને મળનારા વિશેષ લાભ ઈરાન સમાપ્ત કરી દેશે.
ભારત દ્વારા ચાબહાર બંદર અને તેની સાથે જાડાયેલી યોજનાઓ માટે કરવામાં આવેલા રોકાણના વાયદા હજી પૂર્ણ કરવામાં આવ્યા નથી. ચાબહાર બંદરમાં ભારતનો સહયોગ અને ભાગીદારી સામરીક સ્તરે મહત્વપૂર્ણ છે. આથી ભારતે આ મામલે તાત્કાલિક જરુરી પગલા ઉઠાવવા જાઈએ.