અબડાસા તાલુકાના નલિયા કાંડની ઘટનાથી ક્ચ્છ ભાજપ વિવાદમાં આવતું રહ્યું છે ત્યારે ક્ચ્છ ભાજપનાં એક યુવા નેતાને તાજેતરમાં માર પડ્યો હોવાની એક ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે જો કે હજુ સુધી પક્ષ દ્વારા કોઈ જ પગલાં લેવાયા નથી
સપ્તાહ પહેલાની આ ઘટનામાં કચ્છ ભાજપનાં એક નેતાને એક યુવતીના પરિવારે ફટકાર્યો હતો. ભુજની ભાગોળે રંગેહાથ ઝડપાઇ ગયેલા આ રંગીન સ્વભાવનાં આ સ્થાનિક નેતાએ બીજે ક્યાંય નહીં પરંતુ જેમની સાથે પરિવાર જેવો નાતો હતો તેવા ભાજપનાં જ એક પૂર્વ ધારાસભ્યની ભત્રીજીના સાથે સંબંધ હતો. આ વાતની ખબર પડતાં જ પૂર્વ ધારાસભ્યના પુત્રો તેમજ તેના કાકાના પરિવારજનોએ ભૂતકાળમાં પણ વિવાદાસ્પદ રહેલા આ નેતાને ફટકાર્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છ ભાજપનાં આ નેતાને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દિકરાઓ સાથે ભાઈબંધી હતી. જેને કારણે બંને પરિવાર વચ્ચે ઘર જેવા સંબંધો હતા. સંબંધોની આડમાં આ નેતાએ મિત્રની કઝીન ઉપર નજર બગાડી હતી અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. શરૂઆતમાં તો ફેમિલી રિલેશનને કારણે બહુ શંકા ન ગઈ હતી પરંતુ અવાર નવાર કચ્છ ભાજપના આ નેતાની કાર તેમજ ધારાસભ્યની ભત્રીજીનું વાહન એક જગ્યાએ જોવા મળતા પૂર્વ MLAના પરિવારને શંકા ગઈ હતી અને તેમની ઉપર વૉચ રાખવામાં આવી હતી. દરમિયાન ભુજનાં મુન્દ્રા રિ-લોકેશન રોડ ઉપર એક બંગલામાં બંને હાજર હોવાની બાતમી મળતા યુવતીનો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો અને આ નેતાને ફટકાર્યો હતો.ત્યારબાદ આ અંગે ભાજપના ઉચ્ચ નેતાઓને આ છેલબટાઉ નેતા અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ સપ્તાહ પછી પણ કહેવાતા સભ્ય અને શિસ્તબદ્ધ પક્ષ દ્વારા શેહ શરમને લીધે કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
