Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર નજીક લામડાપુરા કેનાલ પાસે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી છે. 22 વર્ષીય યુવકે પોતાની જ છાતીમાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગોળી માર્યા બાદ તેણે રિવોલ્વર કેનાલમાં ફેંકી દીધી હતી અને રોડ પર ગંભીર હાલતમાં કણસતો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે, જ્યારે યુવક હાલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો છે.
યુવકનો ગોળી મારી આપઘાત (Suicide)નો પ્રયાસ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર (Manjusar)નજીક આવેલા લામડાપુરા કેનાલ (Lamdapura Canal)વિસ્તારમાં શુક્રવારે ફાયરિંગની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ મંજુસરમાં રહેતો 22 વર્ષીય રણજીત ચૌધરી (Ranjit Chaudhary) હથિયાર સાથે કેનાલ પાસે પહોંચ્યો હતો. ત્યાં તેણે પોતાની જ છાતીમાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. ગોળી વાગ્યા બાદ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેણે પોતાના હાથમાં રહેલી રિવોલ્વર કેનાલમાં ફેંકી દીધી હતી. થોડા સમય બાદ તે રોડ પર લોહીલુહાણ હાલતમાં કણસતો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
યુવકની ઓળખ અંગે પોલીસની તપાસ યથાવત
ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ યુવકને લમણામાં નહીં પરંતુ છાતીના ભાગમાં ગોળી વાગી છે અને હાલ તેની સ્થિતિ અત્યંત ગંભીર છે. હોસ્પિટલના ઇમરજન્સી પોલીસ રિપોર્ટ (EPR)માં યુવકની ઓળખ હજુ સુધી સત્તાવાર રીતે નોંધાઈ નથી. પોલીસ ચોપડે તેને હાલ અજાણ્યા યુવક તરીકે નોંધવામાં આવ્યો છે. તેની પાસે માત્ર કાગળ અને પેન મળી આવ્યા હોવાનું નોંધાયું છે. ખાસ વાત એ છે કે હોસ્પિટલમાં હજુ સુધી યુવકના પરિવારજનો કે અન્ય કોઈ સગા-સંબંધી હાજર થયા નથી.
આપઘાત (Suicide)ના પ્રયાસ પાછળનું કારણ અકબંધ
યુવકે શા માટે આવું ઘાતક પગલું ભર્યુ તે અંગે પોલીસને હજૂ કોઆ ચોક્કસ માહિતિ મળી નથી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે આ આપધાતના પ્રયાસનું કારણ પારિવારિક ઝઘડા અથવા ગૃહકલેશ હોય શકે છે. જેનાથી કંટાળી યુવકે આ પ્રકારનું પગલું ભર્યું હોય શકે છે. જોકે, આ માત્ર પ્રાથમિક અનુમાન છે અને આપઘાતના પ્રયાસ પાછળનું સાચું કારણ જાણવા પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે યુવક પાસે રિવોલ્વર ક્યાંથી આવી, તે કાયદેસર લાઇસન્સવાળી હતી કે નહીં અને તેણે હથિયાર કેવી રીતે મેળવ્યું. આ પાસાોની પણ પોલીસ તપાસ કરી રહી છે. આ તમામ મુદ્દાઓની તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
LCB, SOG અને FSLની ટીમે હાથ ધરી તપાસ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંજુસર પોલીસ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી. પોલીસે કેનાલ આસપાસનો વિસ્તાર કોર્ડન કરીને પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ કેનાલમાં ફેંકવામાં આવેલી રિવોલ્વર શોધવા માટે પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાસ્થળેથી મળેલા તમામ પુરાવાની વૈજ્ઞાનિક તપાસ કરી રહ્યા છે.
યુવકની હાલત નાજુક
રણજીત ચૌધરી હાલ વડોદરાની સયાજી હોસ્પિટલના SICU વિભાગમાં સારવાર હેઠળ છે. તબીબો સતત તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને હાલ તેની હાલત ગંભીર ગણવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસે આપઘાતના પ્રયાસનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. યુવકના પરિવારજનોનો સંપર્ક સાધવાના પ્રયાસો પણ ચાલુ છે. સાથે જ ઘટનામાં વપરાયેલા હથિયારની શોધખોળ અને તેના સ્ત્રોત અંગે તપાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓની તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ જાહેર કરી શકાય.
આ પણ વાંચો: ગાંધીનગર: કોસ્ટ ગાર્ડ ઓફિસમાં જવાનનો આપઘાતનો પ્રયાસ, સરકારી રાઇફલથી ગળા પર ફાયરિંગ કર્યું
આ પણ વાંચો: વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે ગારમેન્ટના વેપારી પર ફાયરિંગ, ખભામાં ગોળી વાગતા ગંભીર ઇજા
આ પણ વાંચો: વડોદરામાં ચોંકાવનારી ઘટના: બાળકી હત્યા કેસના આરોપીએ PSIની પિસ્તોલ ઝૂંટવી કરી ફાયરિંગ
