Gandhinagar News/ ગાંધીનગરમાં સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ, રૂ.4 લાખ વળતરનો આદેશ

ગાંધીનગરમાં 14 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં POCSO કોર્ટે (Gandhinagar POCSO Court) આરોપી હર્ષિલ રાણાને 20 વર્ષની સખત કેદ અને રૂ.30 હજારના દંડની સજા ફટકારી.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gandhinagar POCSO Courtનો મોટો ચુકાદો, સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા

Gandhinagar News: ધોરણ-10માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરાનું અપહરણ કરી હરિયાણા લઈ જવાના અને ત્યાં ત્રણ મહિના સુધી દુષ્કર્મ આચર્યાના કેસમાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે (Gandhinagar POCSO Court) આરોપીને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આરોપી હર્ષિલ કરણસિંહ રાણાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ કુલ રૂ.30 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત પીડિતાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે રૂ.4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

ધોરણ-10માં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ

આ કેસની ઘટના વર્ષ 2023ની છે. ફરિયાદી પરિવાર ગાંધીનગરના તારાપુર ગામની સીમમાં આવેલી વિહાન રેસિડેન્સી ખાતે દુકાનમાં રહેતો હતો. પરિવારની 14 વર્ષની દીકરી સેક્ટર-23ની કડી સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. ફરિયાદ મુજબ, સેક્ટર-13 વિસ્તારમાં રહેતા હર્ષિલ કરણસિંહ રાણાએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે સંપર્ક કેળવ્યો હતો. 29 નવેમ્બર 2023ની રાત્રે પરિવાર દુકાનમાં સૂતો હતો. તે દરમિયાન સગીરા દુકાનની બહાર લાઇટના અજવાળામાં અભ્યાસ કરી રહી હતી. તેના પિતા દુકાનમાંથી દીકરી પર નજર રાખી રહ્યા હતા. જોકે, થોડા સમય બાદ તેમને ઊંઘ આવી ગઈ હતી.

મધરાતે દીકરી ગુમ થતાં પરિવાર ચિંતિત

પિતાની આંખ ખુલ્યા બાદ સગીરા ત્યાં હાજર ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી, પરંતુ સગીરાનો કોઈ પત્તો મળ્યો નહોતો. અંતે પરિવાર દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં સગીરા ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી સગીરાની શોધખોળ હાથ ધરી હતી.

હરિયાણા લઈ જઈ ત્રણ મહિના સુધી દુષ્કર્મનો આરોપ

પોલીસ તપાસ દરમિયાન હર્ષિલ કરણસિંહ રાણાની સંડોવણી સામે આવી હતી. તપાસમાં સામે આવેલી વિગતોના આધારે આરોપી સગીરાને લગ્નની લાલચ આપી ગાંધીનગરથી હરિયાણા લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સગીરાને હરિયાણાના સોનીપત જિલ્લાના ગન્નૌર ખાતેના સુનાર ગલી વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં મકાન ભાડે રાખીને આશરે ત્રણ મહિના સુધી સગીરાનું શોષણ કર્યું હોવાનો કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ પૂર્ણ કર્યા બાદ પોક્સો એક્ટ સહિતની સંબંધિત જોગવાઈઓ હેઠળ કોર્ટ (Gandhinagar POCSO Court)માં ચાર્જશીટ રજૂ કરી હતી.

Gandhinagar POCSO Courtમાં સાક્ષીઓ અને પુરાવાઓ રજૂ થયા

ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ એસ.વી. શર્માની કોર્ટ (Gandhinagar POCSO Court)માં કેસની સુનાવણી ચાલી હતી. ટ્રાયલ દરમિયાન પીડિતા સહિતના સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને ફરિયાદ પક્ષ દ્વારા સંબંધિત પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સરકાર તરફથી સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરી હતી કે આરોપીએ સગીરાની ઉંમરથી વાકેફ હોવા છતાં તેને લલચાવીને લઈ જઈ ગંભીર ગુનો આચર્યો હતો. આવા ગુનાઓમાં કાયદા મુજબ કડક સજા થવી જોઈએ તેવી દલીલ કરવામાં આવી હતી.

આરોપીને 20 વર્ષની સખત કેદ

કોર્ટ (Gandhinagar POCSO Court) સમક્ષ રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાનમાં લીધા બાદ સ્પેશિયલ પોક્સો કોર્ટે (Gandhinagar POCSO Court) હર્ષિલ કરણસિંહ રાણાને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે તેને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે કુલ રૂ.30 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત પીડિતાને રાહત આપવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે રૂ.4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. આ ચુકાદા સાથે કેસમાં કોર્ટ દ્વારા આરોપી સામે કાયદા મુજબની સજા જાહેર કરવામાં આવી છે.


આ પણ વાંચો:ભાયલી ગેંગરેપ કેસમાં પાંચેય આરોપી દોષિત: પોક્સો કોર્ટે 25 ઓગસ્ટે સજા સંભળાવશે

આ પણ વાંચો:ચોકલેટ લેવા ગયેલી બાળકી સાથે અડપલાં, પોક્સો કોર્ટે વૃદ્ધને ફટકારી 5 વર્ષની સજા

આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ કેસમાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ ફટકારી