International News : યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી (Zelensky)અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વચ્ચેના સંબંધોમાં ફરી તણાવ સામે આવ્યો છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં યોજાયેલી બંધ બારણે બેઠક (Oslo Meeting)દરમિયાન ટ્રમ્પના પ્રતિનિધિઓએ ઝેલેન્સકીને જણાવ્યું હોવાના અહેવાલ છે કે ટ્રમ્પ તેમનાથી ખૂબ નારાજ છે. આ વાત સાંભળ્યા બાદ ઝેલેન્સકીએ પોતાના નિવેદનો અંગે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે તેમણે ટ્રમ્પ વિરુદ્ધ આવું કોઈ નિવેદન આપ્યું નથી.
ઓસ્લોની બેઠકમાં ટ્રમ્પની નારાજગીનો મુદ્દો
અહેવાલો અનુસાર, મંગળવારે ઓસ્લોમાં યોજાયેલી બેઠક (Oslo Meeting)માં અમેરિકી પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ (Steve Witkoff)અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરે ઝેલેન્સકી (Zelensky)સાથે ચર્ચા કરી હતી. વાતચીત દરમિયાન ટ્રમ્પ તેમની ટિપ્પણીઓથી નારાજ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઝેલેન્સકીએ આ વાતનો જવાબ આપતાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

આ બેઠકમાં નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોર અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ પણ હાજર હતા. યુક્રેનને સમર્થન આપતા બંને નેતાઓએ અમેરિકા અને યુક્રેન વચ્ચેના તણાવને ઓછો કરવાના પ્રયાસમાં ભાગ લીધો હતો.
રશિયા અંગેની નીતિથી વધ્યો મતભેદ
અમેરિકા અને યુક્રેન (US Ukraine Relations)વચ્ચે તાજેતરના દિવસોમાં અનેક મુદ્દાઓ પર મતભેદ સામે આવ્યા છે. રશિયા પાસેથી ડીઝલ ખરીદવાના અમેરિકાના નિર્ણય, રશિયા પરના કેટલાક પ્રતિબંધોમાં રાહત અને યુક્રેનને મળતી અમેરિકી સહાયની મર્યાદા જેવા મુદ્દાઓએ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ જટિલ બનાવ્યા છે.
વાતચીતથી પરિચિત વ્યક્તિના જણાવ્યા અનુસાર, વિટકોફ અને કુશનરે ઝેલેન્સકીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે રશિયા અંગે અમેરિકાની નીતિનો સંબંધ અમેરિકાની આગામી મધ્યસત્ર ચૂંટણીઓ સાથે નથી. જોકે, આ મુદ્દે બંને પક્ષો વચ્ચેના મતભેદ યથાવત્ હોવાનું જણાય છે.
અમેરિકાના સમર્થન પર નિર્ભર છે યુક્રેન
ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના આક્રમક રાજદ્વારી અભિગમને કારણે અનેક દેશોના નેતાઓ તેમની સાથે સીધો ટકરાવ ટાળતા હોવાની ચર્ચા છે. કેટલાક દેશોને અમેરિકી ટેરિફ અથવા અન્ય રાજકીય પગલાંનો સામનો કરવાની ચિંતા રહે છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ અમેરિકી ટેરિફના જવાબમાં પોતાના દેશના ટેરિફ લાગુ કરવાનો માર્ગ અપનાવ્યો હતો. પરંતુ યુક્રેનની સ્થિતિ અલગ છે. રશિયાના આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેનને અમેરિકાનાં શસ્ત્રો, ગુપ્તચર માહિતી અને અન્ય સહાયની જરૂર છે.
આથી ઝેલેન્સકી માટે પોતાના દેશના હિતો અને અમેરિકાની સાથેના સંબંધો વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની રહ્યું છે. ઓસ્લોની બેઠક (Oslo Meeting)નો મુખ્ય હેતુ ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે વધેલા તણાવને ઘટાડવાનો હતો. હવે બંને દેશો વચ્ચેની આગામી વાતચીતથી સંબંધોમાં સુધારો થાય છે કે મતભેદ વધુ ઘેરા બને છે તેના પર નજર રહેશે.
