New Delhi News : નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને બેલ્જિયમ વચ્ચે વેપાર, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો, સ્વચ્છ ઊર્જા અને ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરારો થયા. જેમાં ઝોરાવર ટેન્ક (Zorawar Tank) પ્રોજેક્ટનો ખાસ ઉલ્લેખ કરરાયો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરની હાજરીમાં આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સંરક્ષણ સહયોગમાં ઝોરાવર ટેન્ક (Zorawar Tank)મહત્વપૂર્ણ
વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગ અંગે વાત કરતાં ઝોરાવર ટેન્ક (Zorawar Tank) પ્રોજેક્ટનો ખાસ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે ભારત અને બેલ્જિયમ આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે અને તે બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ભારત પોતાના સંરક્ષણ ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદન અને અદ્યતન વિદેશી ટેકનોલોજી વચ્ચે વધુ સારું સંકલન સ્થાપિત કરવા પર ભાર આપી રહ્યું છે. આવી સ્થિતિમાં બેલ્જિયમ સાથેનો સંરક્ષણ ટેકનોલોજી અને ઔદ્યોગિક સહયોગ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની શકે છે.
વેપાર અને ટેકનોલોજીમાં સહયોગ વધારવા પર ભાર
બંને દેશોએ ભારત બેલ્જિયમ સંબંધો (India Belgium Relations)ને વધુ વ્યાપક અને વ્યૂહાત્મક બનાવવાની દિશામાં ચર્ચા કરી. વેપાર ઉપરાંત મહત્વપૂર્ણ ખનિજો, સ્વચ્છ ઊર્જા અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે પણ સહમતી વ્યક્ત કરવામાં આવી.
વડાપ્રધાન મોદીએ ભારતના તાજેતરના આર્થિક વિકાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશનો વિકાસ દર 7.8 ટકા રહ્યો છે. તેમણે ભારતની આર્થિક પ્રગતિને વૈશ્વિક સ્તરે વિશ્વાસ અને નવી તકોના સ્ત્રોત તરીકે રજૂ કરી.
આતંકવાદ સામે બંને દેશોની એકસાથે લડત
સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામેની લડત (Counter Terrorism)ને બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતા ગણાવી. તેમણે સ્પષ્ટ કર્યું કે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ ભારત બેલ્જિયમના સંબંધોનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.
મોદીએ આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં જડમૂળથી નાબૂદ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. બંને દેશો વચ્ચે સુરક્ષા ક્ષેત્રમાં સહયોગને વધુ વિસ્તૃત કરવાની દિશામાં પણ ચર્ચા થઈ.
યુક્રેન અને પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર ભારતનું વલણ
વૈશ્વિક સંઘર્ષ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, ભારત સંઘર્ષને ઝડપથી સમાપ્ત કરીને શાંતિ સ્થાપિત કરવાના તમામ પ્રયાસોને સમર્થન આપે છે.
આ સાથે તેમણે યુક્રેન યુદ્ધ (Ukraine War) અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિને લઈને ભારતના શાંતિપૂર્ણ ઉકેલના વલણને ફરીથી સ્પષ્ટ કર્યું. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે સંવાદ અને રાજદ્વારી પ્રયાસો દ્વારા સંઘર્ષોનો ઉકેલ લાવવાની જરૂરિયાત પર સતત ભાર મૂક્યો છે.
બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરે પણ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરારને મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવ્યો. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધો હવે અગાઉ કરતાં વધુ વ્યાપક અને વ્યૂહાત્મક બની રહ્યા હોવાનું જણાવ્યું.
