ખુલાસો/ ભારતે UNમાં રશિયા વિરૂદ્વ મતદાન કેમ ન કર્યું? જાણો સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ શું કહ્યું..

યુએનજીએમાં રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી સસ્પેન્ડ કરવા માટે મતદાન થયું હતું, જેમાં ભારતે ભાગ લીધો ન હતો

Top Stories India
5 14 ભારતે UNમાં રશિયા વિરૂદ્વ મતદાન કેમ ન કર્યું? જાણો સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ શું કહ્યું..

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી રશિયાને મોટો ઝટકો લાગ્યો છે. યુએનજીએમાં રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી સસ્પેન્ડ કરવા માટે મતદાન થયું હતું, જેમાં ભારતે ભાગ લીધો ન હતો. યુક્રેનની રાજધાની કિવ નજીક રશિયન દળો દ્વારા નાગરિકોની હત્યા કરવાના આરોપોને કારણે યુએસએ યુએનજીએમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો.

ગુરુવારે 193 સભ્ય દેશોની જનરલ એસેમ્બલીએ માનવ અધિકાર પરિષદમાંથી રશિયાને સસ્પેન્ડ કરવાના ઠરાવ પર મતદાન કર્યું હતું. અમેરિકાના પ્રસ્તાવની તરફેણમાં 93 અને વિરોધમાં 24 વોટ મળ્યા, જ્યારે બીજી તરફ 58 દેશોએ વોટિંગમાં ભાગ લીધો ન હતો. રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ યુએનજીએમાં મતદાન કર્યા પછી કહ્યું, “ભારતે રશિયન ફેડરેશનને માનવ અધિકાર પરિષદમાંથી સસ્પેન્ડ કરવાના ઠરાવ પર આજે મહાસભામાં ભાગ લીધો ન હતો. અમે આ તર્કસંગત અને પ્રક્રિયાગત કારણોસર કર્યું છે.”

ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે, “યુક્રેનમાં યુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધી ભારત શાંતિ, સંવાદ અને કૂટનીતિના પક્ષમાં રહ્યું છે. અમારું માનવું છે કે લોહી વહેવાથી અને નિર્દોષ લોકોના જીવ લેવાથી કોઈ સમસ્યાનું સમાધાન થઈ શકે નહીં. જો ભારતે કોઈ પક્ષ લીધો હોય તો તે શાંતિ અને હિંસાનો તાત્કાલિક અંત છે.

આ વર્ષે જાન્યુઆરીથી, ભારતે યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરતા ઠરાવો પર સુરક્ષા પરિષદ, મહાસભા અને માનવ અધિકાર પરિષદમાં અનેક પ્રસંગોએ મતદાનમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. નવી દિલ્હીએ મંગળવારે યુક્રેનના બુચા શહેરમાં નાગરિકોની હત્યાના અહેવાલોની સ્પષ્ટ નિંદા કરી અને સ્વતંત્ર તપાસની હાકલ કરી.