Mumbai/ જુલાઈમાં સ્વાઈન ફ્લૂના 105 કેસ, ગયા વર્ષની સરખામણીમાં કેસની સંખ્યામાં 5 ગણો વધારો

કોરોના અને મંકીપોક્સ વાયરસની ચિંતા વચ્ચે સ્વાઈન ફ્લૂ પણ દેશમાં સમસ્યાઓ વધારી રહ્યો છે. એકલા મુંબઈમાં સ્વાઈન ફ્લૂના 109 કેસ મળી આવ્યા છે.

Top Stories India
swine flu

કોરોના અને મંકીપોક્સ વાયરસની ચિંતા વચ્ચે સ્વાઈન ફ્લૂ પણ દેશમાં સમસ્યાઓ વધારી રહ્યો છે. એકલા મુંબઈમાં સ્વાઈન ફ્લૂના 109 કેસ મળી આવ્યા છે. બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટા અનુસાર, ગયા વર્ષે જુલાઈ 2021માં સ્વાઈન ફ્લૂના 21 કેસ જોવા મળ્યા હતા. જ્યારે આ વર્ષે જુલાઈમાં આ કેસ વધીને 105 થઈ ગયા છે. મુંબઈમાં શિયાળાની શરૂઆત થવાના ઘણા સમય પહેલા જ સ્વાઈન ફ્લૂના વધતા સંક્રમણથી ફફડાટ ફેલાયો છે. એકલા જુલાઈમાં 105 કેસ મળી આવ્યા છે, જ્યારે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે 109 દર્દીઓ મળી આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે મુંબઈમાં નોંધાયેલા મંકીપોક્સના તમામ 15 શંકાસ્પદ કેસ નેગેટિવ મળ્યા છે. જો કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એરપોર્ટ અને અન્ય પ્રવેશ માર્ગો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગનું કહેવું છે કે, અત્યાર સુધી લેવામાં આવેલા મંકીપોક્સના તમામ સેમ્પલ NIV પુણેમાં મોકલવામાં આવ્યા હતા અને તમામ નેગેટિવ મળી આવ્યા છે.

BMCના રિપોર્ટમાં જણાવાયું છે કે, મુંબઈમાં વર્ષ 2020માં 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરની વચ્ચે H1N1 ફ્લૂથી સંક્રમિત 44 દર્દીઓ મળી આવ્યા હતા. વર્ષ 2021માં આ દર્દીઓની સંખ્યા 64 હતી. ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી 31 જુલાઇ સુધીમાં 109 સ્વાઇન ફ્લૂથી સંક્રમિત મળી આવ્યા છે. આ આંકડાઓ પરથી સ્વાઈન ફ્લૂના ચેપમાં વધારો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વર્ષે જૂનમાં શહેરમાં સ્વાઈન ફ્લૂના બે દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે જુલાઈમાં આ સંખ્યા ખૂબ જ ઝડપથી વધીને 105 થઈ ગઈ હતી. ગયા વર્ષે જુલાઈમાં 21 દર્દીઓ મળી આવ્યા હતા.

H1N1 ફ્લૂ સામાન્ય રીતે સ્વાઈન ફ્લૂ તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના કેસો માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ અન્ય વિસ્તારોમાં પણ નોંધાઈ રહ્યા છે. નાગપુર જિલ્લામાં ત્રણ દિવસમાં સ્વાઈન ફ્લૂના 21 નવા કેસ નોંધાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, 1 જાન્યુઆરીથી 30 જૂન સુધીમાં જિલ્લામાં આવા કેસની સંખ્યા માત્ર છ હતી.

નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (NMC)ના એક અધિકારીએ કહ્યું, “જુલાઈના બીજા સપ્તાહથી H1N1 ફ્લૂના લક્ષણોવાળા દર્દીઓ આવવા લાગ્યા. જુલાઈના બીજા સપ્તાહથી મહિનાના અંત સુધીમાં 28 લોકોમાં સ્વાઈન ફ્લૂની પુષ્ટિ થઈ હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે NMC આરોગ્ય વિભાગનો સ્ટાફ આવા દર્દીઓના સ્વાસ્થ્યની સ્થિતિ જાણવા મુલાકાત લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ટીમ આ દર્દીઓના નજીકના સંપર્કોને શોધી રહી છે. “જો નજીકના સંપર્ક વ્યક્તિના નમૂનામાં લક્ષણો જોવા મળે છે, તો તેની તપાસ કરવામાં આવે છે અને દવાઓ સૂચવવામાં આવે છે,” તેમણે કહ્યું.

આ પણ વાંચો:મંકીપોક્સનો પાંચમો કેસ સામે આવ્યો, દિલ્હી સહિત દેશભરમાં 7 કેસ મળ્યા