ગાંધીનગર/ રાજયમાં ૧૨,૭૦,૪૦૦ લોકો કરશે યોગ : ‘યોગ ફોર હ્યુમેનિટી’ છે આ વર્ષની થીમ

અમદાવાદનું શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થશે.

Top Stories Gujarat Others
યોગ

આ વર્ષના આંતરરાષ્ટ્રિય યોગા દિવસની મુખ્ય થીમ ‘યોગ ફોર હ્યુમેનિટી’  ‘માનવતા માટે યોગા ‘ રાખવામાં  આવેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ હેતુસર ઉચ્ચસ્તરીય બેઠક આજે ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.

આ સમગ્ર આયોજનની તલસ્પર્શી છણાવટ તથા સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન મુખ્યમંત્રીએ આ બેઠકમાં આપ્યું હતું. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, પંચાયત, મહેસૂલ, આરોગ્યના તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ, પ્રવાસન, પ્રાથમિક શિક્ષણ અને રમત-ગમતના અગ્ર સચિવઓ સહિત ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

યોગ દિવસે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાવાનો છે. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અને રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી પણ આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં વર્ચુઅલ ઉપસ્થિત રહી પ્રેરણા દાયી સંબોધન કરશે તેનું પ્રસારણ યોગ દિવસની ઉજવણીના તમામ સ્થળોએ કરાશે. આઝાદી કા અમૃત મહોત્સવ-સ્વતંત્રતાના ૭પ વર્ષ અંતર્ગત આ વર્ષનો વિશ્વ યોગ દિવસ રાજ્યમાં કુલ ૭પ આઇકોનીક સ્થળોએ પણ ઉજવવામાં આવશે.

યોગ

મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિકસ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત રર પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા સહિત ૧૭ કુદરતી સૌદર્ય ધામો અને સાયન્સસિટી ખાતે આ દિવસે સામુહિક યોગ સાધના કાર્યક્રમ થવાના છે. રાજ્યનાં અન્ય મહાનગરોમાં યોગદિવસની ઉજવણી ભાવનગરના જવાહર ગ્રાઉન્ડ, જામનગરના રણમલ તળાવ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ, વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ અને સુરતના વનીતાઆશ્રમ ખાતે કરવામાં આવશે. આ વર્ષે યોગ ને પ્રવાસન સાથે જોડીને  રાજ્યના પ્રવાસનને પણ વેગ આપવાનું આયોજન રાજ્ય સરકારે કરેલું છે. રાજ્યમાં યોગદિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમ જ શાળાઓ, આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવશે. જિલ્લાદીઠ ૩૦૦૦ લોકો સહિત અંદાજે ૯૯૦૦૦ લોકો જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. અમદાવાદનું શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થશે.

તાલુકા કક્ષાની ઉજવણીમાં તાલુકાદીઠ ૫૦૦ લોકો સહિત અંદાજે ૧,૨૫,૫૦૦ લોકો ભાગ લેશે. ગામ દીઠ ૨૫ લોકો યોગદિવસની ઉજવણીમાં જોડાશે. તેથી કુલ ૪,૫૫,૬૫૦ લોકો ગ્રામીણ કક્ષાની ઉજવણીમાં જોડાશે. શિવરાજપુર બીચ અને કચ્છનું નાનું રણ આ બે આઈકોનિક સ્થળોએ તાલુકા કક્ષાની ઉજવણી થશે. રાજ્યની ૪૫,૦૦૦ પ્રાથમિક શાળાના ૮૪,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ તેમ જ ૩,૨૩,૦૦૦ શિક્ષકો યોગદિવસની ઉજવણીમાં જોડાશે. ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૮,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૮૯,૦૦૦ શિક્ષકો આ ઉજવણીમાં જોડાશે. ૨૬૦૦ યુનિવર્સિટી-કોલેજીઝના ૧૬,૧૪,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૬૦,૦૦૦ અધ્યાપકો યોગદિવસની ઉજવણીમાં સહભાગી થશે. રાજ્યની ૨૮૭ આઈ.ટી.આઈ.દીઠ ૧૦૦ વિદ્યાર્થીઓ એમ કુલ ૨૮,૭૦૦ વિદ્યાર્થીઓ યોગદિવસની ઉજવણીમાં જોડાશે. રાજ્યના ૧૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૬૫૦૦ પેટાકેન્દ્રો પર કુલ ૧૨,૭૦,૪૦૦ લોકો યોગ કરશે.

આ પણ વાંચો :  જો તમે પણ મોમોસ ખાવાના શોખીન હોવ તો ખાતા પહેલા આ વાંચી લો, ગુમાવી શકો છો જીવ