Gujarat News : રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે, આજે (5 જૂન, 2025) આરોગ્ય વિભાગના તાજેતરના આંકડાઓ અનુસાર ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં નવા 167 કેસ નોંધાયા. અત્યાર સુધી કુલ 615 કેસ નોંધાયા, જેમાં 600 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે તો 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. આજરોજ 60 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા. હાલનો વાયરસ ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિએન્ટ LF. 7.9 અને XFG Recombinant હોવાનો દાવો કરવામાં આવ્યો છે.જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે. રેડીયોલોજી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા ડોક્ટરનો RTPCR ટેસ્ટ પોઝીટીવ આવતા સિવિલમાં દાખલ કર્યા છે.
વડોદરા શહેરમાં કોરોનાના 6 કેસ નોંધાયા
વડોદરામાં 34 સેમ્પલમાંથી 6 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ કેસ રામદેવનગર, છાણી, દિવાળીપુરા, ભાયલી વિસ્તારમાં નોંધાયા છે. હાલ તમામ છ દર્દી હોમ આઇસોલેશનમાં છે.
રાજ્યમાં 4 જૂને 119 કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં એટલે 4 જૂનની સાંજ સુધીમાં કોરોનાના કુલ 508 એક્ટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 18 દર્દીઓ હોસ્પિટલાઈઝ છે અને 490 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 78 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં ઉપરોક્ત 14 દર્દીઓ પૈકી 13 મહિલાઓ હતી. તેમાંથી એક મહિલા ચાલુ સારવારમાં હોસ્પિટલમાંથી ભાગી છૂટી હતી. બાકી દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે. વર્તમાનમાં એક મહિલા સોલા સિવિલમાં કોરોના પોઝિટિવ આવતા દાખલ છે. કોરોના પોઝિટિવ 3 દર્દીઓએ મેડિકલ એડવાઇઝ વિરુદ્ધ ડિસ્ચાર્જ લીધું હતું. તો 4 દિવસના બાળકને તેના પરિવારે વિનંતી કરતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં કોરોનાના 43 એક્ટિવ કેસ
રાજકોટમાં આજે વધુ 7 નવા કેસ નોંધાયા છે જેની સામે 7 દર્દીઓ સ્વસ્થ થઇ જતા રજા આપી દેવામાં આવી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના 68 કેસ નોંધાયા છે. જેની સામે 25 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. 41 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે 2 સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
દેશમાં કોરોનાના સૌથી વધુ કેસમાં ગુજરાત ત્રીજા નંબરે
આ સાથે ગુજરાત 461 કેસ સાથે દેશમાં સૌથી વધુ રિપોર્ટ થયેલા કોવિડ કેસોમાં ત્રીજો નંબર છે. કેરળ 1373 કેસો સાથે નંબર 1 છે, પણ ગઇકાલના પ્રમાણમાં ત્યાં 43 કેસ ઓછા થયા છે. મહારાષ્ટ્રમાં આજે 510 એક્ટિવ કેસો છે, જેમાં 16 નવા છે અને દિલ્હીમાં 457માંથી 64 નવા છે.અત્યારસુધી 3 મહિલાનાં મોત
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષીય યુવતીને કોરોના થયો હતો. એ બાદ તેનું સારવાર દરમિયાન ગઈકાલે(4 જૂન) મૃત્યુ થયું હતું. જેથી, અમદાવાદમાં કોરોનાને કારણે મૃત્યુ આંક વધીને ત્રણ થઈ ગયો છે.
શહેરના વિંઝોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય ગર્ભવતી યુવતી શ્વાસોશ્વાસની તકલીફની સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 2 જૂને વહેલી સવારે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.દાણીલીમડાની 47 વર્ષીય મહિલાનું મૃત્યુ 28મી મેના રોજ થયું હોવા છતાં પણ 2 જૂન સુધી સત્તાવાર રીતે મૃત્યુ થયું હોવાની માહિતી આપવામાં આવી નહોતી.
સોલા સિવિલ હોસ્પિટલમાં વાડજ વિસ્તારમાંથી એક મહિલા ગર્ભવતી હોવાથી ગાયનેક વિભાગમાં સારવાર લઈ રહી હતી. આ દરમિયાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની ડિલિવરી થતા તેનું બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યું હતું. મહિલાને હોસ્પિટલમાં રાખીને સારવાર આપવામાં આવી રહી હતી.
પરંતુ તેની હાલત વધુ ગંભીર બનતા તેને ICU માં દાખલ કરવામાં આવી હતી. મહિલાની હાલતમાં સુધારો ન થતા તેના પરિવારે મહિલા અને બાળકને મેડિકલ સલાહ વિરુદ્ધ ડિસ્ચાર્જ કરાવ્યા હતા. તેઓ માતાજીને ત્યાં મહિલાને લઈ ગયા હતા. આ દરમિયાન મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ચાર દિવસનું બાળક હવે માતા વગરનું બન્યું છે. મળતી માહિતી મુજબ સોલા સિવિલ હોસ્પિટલમાં એક ઇન્ટર્ન ડોક્ટર પણ કોરોના પોઝિટિવ છે.આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા:
સ્વ-નિરીક્ષણ અને સાવચેતી: હોમ આઈસોલેશનમાં રહેલા વ્યક્તિઓએ પોતાના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ ચાલુ રાખવું જોઈએ. જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા અન્ય કોઈ ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર: ખાંસી કે છીંક ખાતી વખતે નાક અને મોઢું ઢાંકવું, જાહેર સ્થળોએ થૂંકવાનું ટાળવું, વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જેવા કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
સુરક્ષાના પગલાં: કો-મોર્બિડ કન્ડિશન ધરાવતા લોકો (જેમ કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ વગેરે) અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ અથવા આવી જગ્યાએ ફરજિયાતપણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
ગભરાશો નહીં, સાવચેતી રાખો: આરોગ્ય નિષ્ણાતોના મતે, કોવિડના કેસોમાં દર 6 થી 8 મહિને વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળતો હોય છે. આથી, ગભરાવાની જરૂર નથી, પરંતુ “સાવચેતી એ જ સમજદારી છે” ના સૂત્રને યાદ રાખીને તકેદારી રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો:રાજકોટના શાપરમાં 5 શ્વાને હુમલો કરતા 7 વર્ષના બાળકનું મોત
આ પણ વાંચો:રાજકોટ મનપામાં કેલેન્ડર કૌભાંડ! નિયમ વિરૂદ્ધ કરોડોનો ઓર્ડર આપ્યો
આ પણ વાંચો:રાજકોટ: જીગીશા પટેલ બન્ની ગજેરાને બ્લેકમેલની સમજણ આપતી ઓડિયો ક્લિપ વાયરલ
