સુરેન્દ્રનગર/ લીંબડીમાં ગ્રાહક બની આવેલી 2 મહિલા વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટી લઈ રફુચક્કર થઈ

લીંબડી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઘરફોડ અને મુખ્ય બજારોની દુકાનોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે.

Gujarat
Untitled 15 1 લીંબડીમાં ગ્રાહક બની આવેલી 2 મહિલા વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટી લઈ રફુચક્કર થઈ

લીંબડી શહેરના ટાવર બંગલા રોડ પરની બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી 2 મહિલા વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટી ચોરી રફુચક્કર થઈ ગઈ હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે ચોર મહિલાઓની શોધખોળ હાથ ધરી હતી.

આ  પણ  વાંચો ;મહારાષ્ટ્ર Obc આરક્ષણ / સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા અનામત નહીં મળે, સુપ્રીમ કોર્ટે મૂક્યો પ્રતિબંધ

લીંબડી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઘરફોડ અને મુખ્ય બજારોની દુકાનોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. રાત્રે તો ઠીક પરંતુ દિવસે પણ ચોરીના બનાવોમાં ઉછાળો આવતાં પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે. ત્યારે લીંબડી શહેરના ટાવર બંગલા રોડ પરની બજારમાં આવેલી સોની વસંતલાલ જીવણલાલ નામની દુકાનમાં 2 મહિલા ગ્રાહક બની ખરીદી કરવા આવી હતી. દુકાનદાર સંજયભાઈ ફિચડીયાને સોનાની બુટ્ટી બતાવવા કહ્યું હતું. સંજયભાઈએ મહિલાઓને સોનાની બુટ્ટીનું બોક્ષ આપી અન્ય ગ્રાહકોને વસ્તુ દેખાડી રહ્યા હતા.

આ પણ વાંચો ;ઈતિહાસમાં આવું પહેલીવાર / કાશી વિશ્વનાથ મંદિરમાં આ તારીખે યોજાશે યોગી સરકારની કેબિનેટની બેઠક

થોડીવાર પછી બુટ્ટી પસંદ પડી નથી તેમ જણાવી બન્ને મહિલા દુકાન બહાર નીકળી ગઈ હતી. વેપારી અન્ય ગ્રાહકો સાથે વ્યસ્ત થઈ ગયા હતા. બધા ગ્રાહકો ગયા પછી સંજયભાઈની નજર બુટ્ટીના બોક્ષ ઉપર પડી હતી. 20 જોડી સોનાની બુટ્ટીમાંથી 1 જોડ બુટ્ટી અલગ તરી આવી હતી. શક જતાં બુટ્ટી ચેક કરી તો જાણવા મળ્યું કે બુટ્ટી ખોટી હતી. સંજયભાઈએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં ત્યારે ખ્યાલ આવ્યો કે ગ્રાહક બનીને આવેલી બન્ને મહિલા ખોટી બુટ્ટી બોક્ષમાં મૂકી સોનાની બુટ્ટી ચોરી કરી ગઈ હતી. આ અંગે તેમણે લીંબડી પોલીસ મથકે જાણ કરી હતી. પીએસઆઈ વી.એન.ચૌધરી સહિત પોલીસ ટીમે અરજી નોંધી સીસીટીવી ફૂટેજના આધારે બન્ને ચોર મહિલાઓની શોધખોળ હાથ ધરી દીધી હતી.