ગાંધીનગર/ અજોડ છે ગુજરાતનો 20 વર્ષનો ઔદ્યોગિક વિકાસ

ગુજરાત દેશનું સંભવત: એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે છેલ્લા 20 વર્ષમાં સતત વિકાસના અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે. છેલ્લા 20 વર્ષોમાં ગુજરાતના ટોચના રાજકીય નેતૃત્વએ તેની દીર્ઘદ્રષ્ટિ, અનુશાસન અને સતત પરિશ્રમથી ગુજરાતને નવી બુલંદીઓ પર પહોંચાડ્યું છે.

Gujarat Others
ઔદ્યોગિક વિકાસ

ઔદ્યોગિકીકરણ અને ઔદ્યોગિક વિકાસને મોટે ભાગે આર્થિક વૃદ્ધિના એન્જિન તરીકે ગણવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તેનો સીધો સંબંધ આર્થિકની સાથે રાજ્યની સામાજિક વ્યવસ્થા અને સંવાદિતા સાથે છે. જ્યારે કોઈ રાજ્ય આર્થિક દૃષ્ટિકોણથી મજબૂત હોય છે, ત્યારે સામાજિક વિકાસ આપોઆપ વ્યવસ્થિત આકાર લેવાનું શરૂ કરે છે.

ગુજરાત દેશનું સંભવત: એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે છેલ્લા 20 વર્ષમાં સતત વિકાસના અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે. છેલ્લા 20 વર્ષોમાં ગુજરાતના ટોચના રાજકીય નેતૃત્વએ તેની દીર્ઘદ્રષ્ટિ, અનુશાસન અને સતત પરિશ્રમથી ગુજરાતને નવી બુલંદીઓ પર પહોંચાડ્યું છે.

જો કે રાતોરાત કોઈને સફળતા મળતી નથી. જ્યારે 20 વર્ષ અગાઉ નરેન્દ્ર મોદીને ગુજરાતની શાસનધુરા સોંપવામાં આવી, ત્યારે આ રાજ્ય અનેક આર્થિક પડકારો, સામાજિક આફતો અને કુદરતી આફતોથી ઘેરાયેલું હતું. વર્ષ 2002 માં કચ્છના ભુજમાં સદીના સૌથી ભયાનક ભૂકંપે ગુજરાતના આર્થિક અને સામાજિક પાયા હચમચાવી નાખ્યા હતા. ગુજરાત આપત્તિને અવસરમાં ફેરવવામાં માને છે. તત્કાલીન નરેન્દ્ર મોદીની સરકારે ગુજરાતના અવસરને ઓળખવાના આ ગુણને પારખીને માત્ર 2-3 વર્ષમાં જ કચ્છના ભુજનો વિશ્વસ્તરીય વિકાસ તો કર્યો જ, પરંતુ સાથે જ ભુજને ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છનું ઔદ્યોગિક કેન્દ્ર પણ બનાવ્યું. નરેન્દ્ર મોદીના આ પરાક્રમે એ સમયે જ સંકેત આપી દીધો હતો કે ગુજરાત ન તો થાકશે ને ન અટકશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની અનંત વિકાસયાત્રા તરફ આગળ વધ્યું છે.

“વાઇબ્રન્ટ ગુજરાત” એ ગુજરાતના આર્થિક વિકાસનો નવો પાયો નાખ્યો

વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ કરવામાં આવી, જેણે ગુજરાતની આર્થિક સ્થિતિ અને દિશા બદલવાનું કામ કર્યુ છે. ભારત અને વિદેશના રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રિત કરવાની થીમ પર આધારિત આ સમિટ આજે સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે ગુજરાતને લાખો કરોડનું રોકાણ અપાવ્યું છે, જે પછી અહીંના ઔદ્યોગિક વિકાસને નવું જીવન મળ્યું. એક તરફ ગુજરાતમાં અનેક નવા ઔદ્યોગિક એકમો સ્થપાયા તો બીજી તરફ ગુજરાતમાં સતત નવી રોજગારીઓનું પણ સર્જન થયું.

હાલના સમયમાં ગુજરાત તામિલનાડુ બાદ બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે જેમાં સૌથી વધુ 28,479 ફેક્ટરીઓ છે અને રાજ્યના લગભગ 16 લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે. બીજી તરફ, જો રોકાણના આંકડાઓ પર નજર કરવામાં આવે તો વર્ષ 2003 થી ઓગસ્ટ 2022 સુધીમાં ગુજરાતમાં 51.19 બિલિયન યુએસ ડોલર ક્યુમ્યુલેટીવ FDI પ્રાપ્ત થયું છે. એટલે જો એમ કહેવામાં આવે કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે રાજ્યમાં નવા ઔદ્યોગિક વિકાસનો પાયો નાખ્યો, તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી.

‘નીતિ-સંચાલિત રાજ્ય’ના સિદ્ધાંતે ગુજરાતના વિકાસનું કર્યુ નેતૃત્વ

કોઈપણ રાજ્યના સર્વાંગી વિકાસની કરોડરજ્જુ જાહેર નીતિનું ઘડતર, તેની સ્વીકૃતિ અને અમલીકરણ છે. સરકારની નીતિઓ વિકાસયાત્રાની દિશા નક્કી કરે છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાત સરકારની નીતિઓ જે-તે સમય મુજબ સમાવેશક, પ્રગતિશીલ અને ભવિષ્યવાદી રહી છે. કોઈપણ પડકારને તકમાં ફેરવવા માટે નીતિ-સંચાલિત પ્રણાલી કેવી રીતે પૂરતી છે, તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત છે. ગુજરાતના વિકાસ અને તેની સર્વાંગી સફળતાનું રહસ્ય હંમેશા તેનું નીતિ આધારિત તંત્ર રહ્યું છે. ભૂતકાળમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને ત્યારથી લઈને ટોચના નેતૃત્વ હેઠળ ગુજરાતને એવી પ્રગતિશીલ અને ભવિષ્યવાદી નીતિઓ આપવામાં આવી છે, જેણે ગુજરાતને મોટાભાગના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ બનાવ્યું છે. ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી નવી નીતિઓ જેવી કે નવી આઈટી પોલિસી, ડ્રોન પોલિસી, બાયોટેકનોલોજી પોલિસી, સ્પોર્ટ્સ પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી, સિનેમેટિક ટુરિઝમ પોલિસી ગુજરાતને એવા ક્ષેત્રોમાં આગળ લઇ જશે જેમાં ગુજરાત અત્યારસુધી અજાણ્યું રહ્યું છે.

ડબલ એન્જિનની સરકારનો ગુજરાતને મળ્યો લાભ

જ્યારે ગુજરાતના નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાતના વિકાસને નવી પાંખો મળી. અગાઉ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સારી રીતે જાણતા હતા કે ગુજરાતે કેન્દ્ર સરકાર સામે ક્યા ક્યા પડકારોનો સામનો કર્યો છે. આ જ કારણ છે કે વડાપ્રધાન બનતાની સાથે જ તેમણે ખૂબ ઓછા સમયમાં ગુજરાતના ઘણા પડતર કેસોનો નિકાલ કર્યો. ભારતીય લોકશાહીમાં જ્યારે રાજ્ય અને કેન્દ્રમાં એક જ પક્ષની સરકાર હોય છે, ત્યારે રાજ્ય અને કેન્દ્રની નીતિઓને અમલમાં મૂકવી માત્ર સરળ નહી, પરંતુ તેનો અસરકારક અને કાયદેસર લાભ પણ જનતા મેળવી શકે છે.

ડબલ એન્જિન સરકારને કારણે આજે ગુજરાત ભારતનું સૌથી વધુ ઇન્ડસ્ટ્રિયલાઇઝ્ડ રાજ્ય બન્યું છે. ભારત સરકારના તાજેતરના એક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 18.14 ટકાના યોગદાન સાથે ગુજરાત ઉત્પાદન ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવે છે. વર્ષ 2014 થી 2022 સુધીના કુલ પ્રોજેક્ટના અમલીકરણની વાત કરીએ તો છેલ્લા 8 વર્ષમાં ગુજરાતમાં 1556 પ્રોજેક્ટ અમલમાં મુકાયા છે, જે ભારતમાં અમલમાં મુકાયેલ કુલ 6247 પ્રોજેક્ટના 25% છે.

જો મૂડીરોકાણની વાત કરવામાં આવે તો વર્ષ 2014 થી 2022 સુધીમાં ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં કુલ રૂ.31.3 લાખ કરોડના રોકાણમાંથી 57% એટલે કે રૂ.17.7 લાખ કરોડ માત્ર ગુજરાતને મળ્યા છે. ASIના 2022ના સર્વે રિપોર્ટમાં પણ ગુજરાતનું વર્ચસ્વ યથાવત્ છે. આ અહેવાલ મુજબ, ગુજરાતમાં સ્થિર મૂડી 14.96 ટકા (2012-13માં) થી વધીને 20.59 ટકા (2019-20માં) એટલે કે રૂ.7.48 કરોડ થઈ છે, જે દેશમાં સૌથી વધુ છે.

એ જ રીતે, ગુજરાતે ભારત સરકારના BRAP 2020 રિપોર્ટમાં ટોપ અચિવર્સમાં સામેલ થઈને મોટી સિદ્ધિ મેળવી છે. આ રિપોર્ટ અનુસાર, ફીડબેક કેટેગરીમાં ગુજરાત 90% થી વધુ સ્કોર સાથે દેશમાં બીજા ક્રમે છે, જે અગાઉના રેન્કિંગથી 8 રેન્ક આગળ છે. ઉપરાંત, ગુજરાત દેશના બે રાજ્યોમાંનું એક છે જેણે DPIITના 301 સુધારાના અમલીકરણનું 100% પાલન કર્યું છે. આ સુધારાઓનું પાલન કરીને તાજેતરના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાતે ટોપ અચીવર્સ સ્ટેટનું સ્થાન મેળવ્યું છે.

એટલું જ નહીં, આ ડબલ એન્જિન સરકારની સિદ્ધિ છે કે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. વર્ષ 2019, 2020 અને 2021 સુધી સતત ત્રણ વર્ષ માટે નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત બેસ્ટ પરફોર્મર રાજ્ય રહ્યું છે અને લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ (LEADS)માં ટોચનું સ્થાન ધરાવે છે.

એ સાથે જ ભારતની એકમાત્ર થિંકટેન્ક સંસ્થા નીતિ આયોગના પાંચ રિપોર્ટ, સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ 2022, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સ 2021, લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ રિપોર્ટ 2021, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઈન્ડિયા ઈન્ડેક્સ 2021, અને કોમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્સ 2019માં ગુજરાતનું ટોચના સ્થાને હોવું પણ એ વાત દર્શાવે છે કે કેવી રીતે ગુજરાતે ડબલ એન્જિન સરકારનો લાભ રાજ્ય અને તેના નાગરિકોના સામાજિક-આર્થિક વિકાસ માટે મેળવ્યો છે.

“આત્મનિર્ભર ભારત”ના નેતૃત્વ તરફ ગુજરાતની આગેકૂચ

નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે. તેમનું માનવું છે કે ભારત પાસે એવી તમામ શક્તિઓ અને સંસાધનો છે જેના વડે આપણે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર તો બની જ શકીએ છીએ, પરંતુ વિશ્વની જરૂરિયાતો પણ પૂરી કરી શકીએ છીએ. દેશના સૌથી મોટા ઔદ્યોગિક રાજ્યોમાંનું એક હોવાના કારણે નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવવાની જવાબદારી ગુજરાતની છે. આ માટે ગુજરાતે રોકાણ, ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ, નવા ક્ષેત્રોને લગતા ઉદ્યોગોને પ્રોત્સાહન જેવા વિષયો પર વધુ ધ્યાન આપવું પડશે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતની સિદ્ધિઓ અને તેના ઔદ્યોગિક વિકાસને જોતાં ગુજરાત ભારતની આત્મનિર્ભરતામાં મુખ્ય ફાળો આપનાર રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, વર્ષ 2018, 2019 અને 2020માં દેશમાં કુલ FDIમાંથી ગુજરાતમાં સૌથી વધુ રોકાણ થયું છે. નિકાસની વાત કરીએ તો દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. નાણાકીય વર્ષ 2022ના આંકડા અનુસાર, ગુજરાતે રૂ.8.37 લાખ કરોડની નિકાસ કરી છે, જે નાણાકીય વર્ષ 2021માં રાજ્ય દ્વારા કરવામાં આવેલી નિકાસ કરતા બમણી (રૂ.4.48 લાખ કરોડ) છે.

તેમજ, ગુજરાતની અર્થવ્યવસ્થાએ છેલ્લા 10 વર્ષમાં 8.2 ટકાના સર્વોચ્ચ સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર સાથે દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં લગભગ 8.4 ટકા યોગદાન આપ્યું છે. આ સાથે જ, ગુજરાત દેશમાં સૌથી ઓછી રાજકોષીય ખાધ અને સૌથી ઓછું જાહેર દેવું ધરાવતું રાજ્ય છે.

આ ઉપરાંત, ગુજરાતમાં ગીફ્ટ સિટી, ધોલેરા SIR, માંડલ બેચરાજી SIR, PCPIR, સાણંદ ખાતે સતત વિકસિત થઈ રહેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, નિકાસ સુવિધાઓને વધારવા માટે લોજિસ્ટિક્સ પાર્કનું નિર્માણ, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ઈન્વેસ્ટમેન્ટ ઝોન, ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઈલ સિટી પ્રોજેક્ટ જેવા ભવિષ્યવાદી અને વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ તમામ પરિયોજનાઓ ગુજરાતને ન માત્ર ઔદ્યોગિક દૃષ્ટિકોણથી વૈશ્વિક કેન્દ્ર બનાવશે પરંતુ તે ભારતની આત્મનિર્ભરતાના કેન્દ્ર તરીકે પણ ઉભરી આવશે.

આ પણ વાંચો:Msu નો હોસ્ટેલ માં મહેફીલ માણતા વિદ્યાર્થીઓ સામે લેવાશે એક્શન!!

આ પણ વાંચો:જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ 50મા CJI હશે, ચીફ જસ્ટિસ યુયુ લલિતે સરકારને નામ મોકલ્યું

આ પણ વાંચો:વડોદરા રેલ્વે સ્ટેશન પર પાર્સલમાંથી મળ્યો દારૂ