Khambhat News : ખંભાતમાં તળાવમાં ડૂબી જવાથી ત્રણ બહેનોનાં મોત (Tragedy) થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપૂર ગામના ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડીમાં એક જ પરિવારની 13, 11 અને 8 વર્ષની ત્રણ દીકરીઓ ડૂબી ગઈ હતી.
Khambhatમાં તળાવમાં ડૂબી જતા એક જ પરિવારની ત્રણ માસૂમ દીકરીઓનાં મોત
શકરપૂરના મોસમ ફળીયામાં રહેતા અને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અશ્વિન બારૈયાની ત્રણ દીકરીઓ પ્રિયા, ઈશા અને રીના સાંજના સમયે ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડીના કિનારે શૌચક્રિયા માટે ગઈ હતી. આ દરમિયાન કોઈક કારણોસર ત્રણેય બહેનો તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. લાંબો સમય વીતી ગયો છતાં ત્રણેય ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. ત્રણેય બાળકી (Girls) ઘરે પરત ન આવતા પરિવારજનો અને સગા-સંબંધીઓએ આસપાસના ખેતરો તેમજ અન્ય સ્થળોએ શોધખોળ શરૂ કરી હતી.
આશરે બે કલાક સુધી શોધખોળ દરમિયાન તળાવના કિનારે કાગળની બનાવેલી હોડીઓ તરતી જોવા મળતાં પરિવારજનોને શંકા ગઈ હતી. ત્યારબાદ તળાવમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
સ્થાનિક તરવૈયાએ એક સાથે ત્રણ મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતાં સ્થાનિક એક તરવૈયો તળાવમાં ઉતર્યો હતો અને ત્રણેય બાળકીઓની શોધખોળ શરૂ કરી હતી. થોડા સમયની શોધખોળ બાદ ત્રણેય બાળકીઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. જોકે, દુર્ભાગ્યે ત્રણેય બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. બનાવને પગલે આસપાસના લોકો પણ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.
હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કરી
ત્રણેય બાળકીઓને 108 એમ્બ્યુલન્સ (108 Ambulance) મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ત્રણેય બાળકીઓને મૃત જાહેર કરી હતી. ત્રણેય મૃતદેહોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ જોવા મળ્યો હતો.
એકસાથે ત્રણ દીકરીઓ ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું
એક જ પરિવારની ત્રણ વ્હાલસોયી દીકરીઓનાં એકસાથે મોત થતાં બારૈયા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી. પરિવારજનોની રોકકળ જોઈને ઉપસ્થિત લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. શકરપૂર ગામમાં પણ આ ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: પાટણમાં પરિવાર સાથે કપડા ધોવા ગયેલી બે બાળકીઓનાં ડૂબી જતા મોત, તળાવમાં નહાવા પડતા ડૂબી ગઈ
આ પણ વાંચો: પાટણ સિધ્ધપુરમાં ન.પા.ના સ્વિમીંગ પૂલમાં સગીરનું ડૂબી જતા મોત
આ પણ વાંચો: બાળકોને પ્રવાસ મોકલતા પહેલા વાંચી લો, વિદ્યાર્થિનું ડૂબી જતા મોત
