Panchmahal News/ પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ, જિલ્લામાં કુલ 16 કેસ

ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)ના સંભવિત વાહક માનાતી સેન્ડ ફ્લાય (રેતીની માખી)ના નિયંત્રણ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ તેમજ પાવડર સ્પ્રે કરવાની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે

Top Stories Gujarat Others
પંચમહાલ (Panchmahal)જિલ્લામાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)ને લઈને ચિંતા સતત વધી રહી છે

Panchmahal News : પંચમહાલ (Panchmahal)જિલ્લામાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)ને લઈને ચિંતા સતત વધી રહી છે. જિલ્લામાં વધુ ત્રણ બાળકોમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવા કેસો સામે આવતા જિલ્લામાં શંકાસ્પદ કેસોની કુલ સંખ્યા હવે 16 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ તમામ દર્દીઓ પર નિષ્ણાત ડોક્ટરોની સતત નજર રાખવામાં આવી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.

ત્રણ નવા બાળકો સારવાર હેઠળ

આ વખતે નોંધાયેલા ત્રણ શંકાસ્પદ કેસોમાં ગોધરા તાલુકાના વીંઝોલ ગામની સાડા ત્રણ વર્ષની બાળકી રિમ્પલ સાગર ચૌહાણ, ભામૈયા ગામની નવ મહિનાની બાળકી પાયલ ચેતન ભરવાડ અને હાલોલ તાલુકાના કણજરી ગામના ત્રણ વર્ષના બાળકનો સમાવેશ થાય છે.

રિમ્પલ અને પાયલની સારવાર ગોધરા સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે હાલોલના બાળકની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હાલની સ્થિતિ શું છે?

જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી જિલ્લામાં કુલ 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમાં પાંચ બાળકોના મોત થયા છે. મૃત્યુ પામેલા પાંચમાંથી બે બાળકોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હતી, જ્યારે ત્રણ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

હાલ 10 બાળકો સારવાર હેઠળ છે. જેમાં ચાર બાળકો વડોદરાની એસએસજી હોસ્પિટલ અને છ બાળકો ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એક બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગે વધારી તકેદારી

વધતા કેસોને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત ગામોમાં સર્વેલન્સ વધુ સઘન બનાવ્યું છે. આરોગ્યની ટીમો દ્વારા ઘર-ઘર સર્વે, બાળકોના આરોગ્યની તપાસ અને જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)ના સંભવિત વાહક માનાતી સેન્ડ ફ્લાય (રેતીની માખી)ના નિયંત્રણ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ તેમજ પાવડર સ્પ્રે કરવાની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે.

આરોગ્ય વિભાગે વાલીઓને બાળકોમાં તાવ, ઉલ્ટી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે.



આ પણ વાંચો : અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસની દહેશત: 2 વર્ષની બાળકીમાં લક્ષણો, આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર

આ પણ વાંચો : પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું મોત; મૃત્યુઆંક 4 પર પહોંચ્યો

આ પણ વાંચો : મહેસાણાના વડનગરમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં; ગામમાં દવાનો છંટકાવ શરૂ