Gujarat News : ગુજરાતમાં ડિસેમ્બર 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. છેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું એકધારું શાસન રહ્યું છે. મજબૂત સંગઠનને કારણે ભાજપ સતત સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યું છે. બીજી તરફ વિપક્ષ (Opposition) હજુ પણ પ્રજાનો મજબૂત વિકલ્પ બની શક્યો નથી.
આ સ્થિતિ વચ્ચે ગુજરાતના વિપક્ષી (Opposition)રાજકારણમાં ત્રણ યુવા નેતાઓ હંમેશા ચર્ચામાં રહે છે—આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા, કોંગ્રેસના જિગ્નેશ મેવાણી અને આપના જ ચૈતર વસાવા. આ ત્રણેય નેતાઓ 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષ(Opposition)ના ‘પાવર સેન્ટર’ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
ભાજપની મજબૂત પકડ અને વિપક્ષની મર્યાદા
ગુજરાતમાં ભાજપ છેલ્લા 30 વર્ષથી સરેરાશ 25થી 30 લાખ મતની લીડ સાથે ચૂંટણી જીતતી આવી છે. તેનું મુખ્ય કારણ મજબૂત સંગઠન, ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરોની વ્યાપક હાજરી અને સત્તા સામે ઊભી થતી એન્ટી-ઈન્કમ્બસીની અસરને સમયસર નાબૂદ કરવાની રણનીતિ છે.
ભલે સરકાર સામે અસંતોષ જોવા મળે, પરંતુ વિપક્ષ(Opposition) માં એકજૂથતાનો અભાવ અને વિશ્વસનીય ચહેરાની કમીના કારણે ભાજપને સીધો પડકાર ઊભો થઈ શક્યો નથી. કોંગ્રેસ અને આપ હજુ સુધી રાજ્યવ્યાપી વિકલ્પ તરીકે ઉભરી શકી નથી.
વિપક્ષના ત્રણ ચહેરા : અલગ ગઢ, અલગ તાકાત
2027ની ચૂંટણી પહેલાં વિપક્ષ(Opposition)માં ગોપાલ ઈટાલિયા, જિગ્નેશ મેવાણી અને ચૈતર વસાવા એવા ચહેરા છે, જે અલગ-અલગ વિસ્તારો અને સમાજોમાં પ્રભાવ ધરાવે છે.
ગોપાલ ઈટાલિયા
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્ર પ્રભાવિત સુરતમાં ગોપાલ ઈટાલિયાનો દબદબો જોવા મળે છે. તેઓ સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય અને લોકપ્રિય છે. શહેરી યુવાનો અને ખાસ કરીને ભાજપથી નારાજ યુવા પાટીદારોને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા ધરાવે છે.
જિગ્નેશ મેવાણી
ઉત્તર ગુજરાત અને જ્ઞાતિ આધારિત વિસ્તારોમાં જિગ્નેશ મેવાણી પોતાની વોટ બેંક મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વૈચારિક સ્પષ્ટતા અને પાયાના પ્રશ્નો ઉઠાવવા માટે જાણીતા છે.
ચૈતર વસાવા
દક્ષિણ અને મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવા ગ્રાઉન્ડ લેવલ પર મજબૂત પકડ ધરાવે છે. સંઘર્ષશીલ છબી અને સતત મેદાનમાં રહેવું તેમની સૌથી મોટી તાકાત છે.
ત્રણેય નેતાઓના પ્લસ-માઈનસ
ગોપાલ ઈટાલિયા (AAP)
પ્લસ પોઈન્ટ તરીકે તેમની સોશિયલ મીડિયા રીચ, આક્રમક ભાષા અને યુવાનોમાં લોકપ્રિયતા છે. પરંતુ સતત કાનૂની વિવાદો અને ભાજપ દ્વારા તેમના જૂના નિવેદનોને રાજકીય હથિયાર બનાવવાની રણનીતિ તેમને નુકસાન પહોંચાડી શકે છે.
જિગ્નેશ મેવાણી (INC)
તેમની તાકાત એ વૈચારિક સ્પષ્ટતા અને સામાજિક ન્યાયના મુદ્દાઓ છે. પરંતુ કોંગ્રેસના પરંપરાગત માળખા સાથે તાલમેલ બેસાડવાની મુશ્કેલી, મર્યાદિત જ્ઞાતિ સમીકરણો અને ‘કટ્ટર વિરોધી’ની છાપને કારણે તટસ્થ મતદારોમાં સ્વીકાર્યતા તેમની માટે પડકાર બની રહી છે. પક્ષની અંદરનો જૂથવાદ પણ એક મોટો અવરોધ છે.
ચૈતર વસાવા (AAP)
આદિવાસી સમાજમાં અપ્રતિમ લોકપ્રિયતા ધરાવતા ચૈતર વસાવા ભાજપ અને કોંગ્રેસ બંનેના મતોમાં ગાબડું પાડવાની ક્ષમતા ધરાવે છે. જોકે રાજ્યવ્યાપી ઓળખ હજુ મર્યાદિત છે. સત્તાધારી પક્ષ દ્વારા કાયદાકીય કાર્યવાહી અને આદિવાસી સમાજમાં અન્ય સ્થાનિક ચહેરાઓને આગળ ધપાવવાની રણનીતિ તેમની સામેનો મોટો પડકાર છે.
ભાજપની રણનીતિ અને 2027નું રાજકારણ
સત્તાધારી ભાજપ હવે આ ત્રણેય યુવા નેતાઓને ગંભીરતાથી લઈ રહ્યું છે. સત્તા સામે મોટો પડકાર ઊભો થાય તે પહેલાં જ વિપક્ષ(Opposition)ના નેતાઓને અંદરખાને કમજોર કરવાની રણનીતિ ભાજપની પરંપરાગત ‘ચાણક્ય નીતિ’નો ભાગ રહી છે. પક્ષની અંદરની ખેંચતાણ, કાનૂની દબાણ અને સામાજિક સમીકરણોમાં વિભાજન એ ભાજપના મુખ્ય હથિયાર છે.
ગુજરાતની રાજનીતિમાં ગોપાલ ઈટાલિયા, જિગ્નેશ મેવાણી અને ચૈતર વસાવા પાસે જનતાનો અવાજ બનવાની તક ચોક્કસ છે. પરંતુ પક્ષની અંદરની ખેંચતાણ, સંગઠનનો અભાવ અને સત્તાધારી પક્ષની મજબૂત રાજકીય રણનીતિ તેમને કેટલા અંશે સફળ થવા દેશે, તે 2027ની ચૂંટણીમાં સ્પષ્ટ થશે.
હવે જોવું રહ્યું કે શું આ ત્રણેય યુવા નેતાઓ ભાજપની ચાણક્ય નીતિને મ્હાત આપી શકશે કે પછી ગુજરાતની રાજનીતિમાં ભાજપનો દબદબો યથાવત રહેશે.
