Daman Sea Rescue Tourist Lifeguard: દમણમાં પ્રશાસન દ્વારા ચોમાસા દરમિયાન દરિયામાં ન જવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોવા છતાં ચાર પર્યટકો દરિયામાં નાહવા પડ્યા હતા. દરમિયાન દરિયામાં જોરદાર કરંટ અને મોજાંના કારણે ચારેય ઊંડા પાણીમાં ફસાઈ ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં દરિયાકાંઠે તૈનાત લાઈફગાર્ડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
ચારેય યુવાનો પાણીમાં ફસાયા
શુક્રવારે સાંજે દમણના(Daman) છપલી શેરી વિસ્તારમાં ચાર યુવાનો દરિયામાં નાહવા માટે ઉતર્યા હતા. થોડા સમય બાદ પાણીના ભારે વહેણને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા અને ધીમે-ધીમે ઊંડા પાણી તરફ ખેંચાવા લાગ્યા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા કિનારે હાજર લોકોમાં પણ ચિંતા ફેલાઈ હતી. આ દરમિયાન ફરજ પર રહેલા લાઈફગાર્ડ જતિન માંગેલા અને તેમની ટીમે કોઈ સમય ગુમાવ્યા વિના દરિયામાં છલાંગ લગાવી હતી.
લાઈફગાર્ડની સમયસૂચકતાથી ચારેયનો જીવ બચ્યો
લાઈફગાર્ડની(Daman) ટીમે ભારે મોજાં અને પાણીના કરંટ વચ્ચે સાહસપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ટીમે ચારેય પર્યટકોને સુરક્ષિત રીતે દરિયાકિનારે પહોંચાડ્યા હતા. સમયસર બચાવ કામગીરી થતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લાઈફગાર્ડ્સ પર્યટકોને બચાવવા માટે દરિયામાં કામગીરી કરતા જોવા મળે છે.
પ્રશાસનની મનાઈ છતાં દરિયામાં ઉતરે છે પ્રવાસીઓ
ચોમાસા દરમિયાન દમણના(Daman) દરિયામાં ઊંચા મોજાં અને તેજ કરંટ જોવા મળતો હોવાથી પ્રશાસને પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરિયામાં ઉતરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં કેટલાક પ્રવાસીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને દરિયામાં નાહવા જતા હોય છે. આ પહેલાં પણ દમણમાં આવી ત્રણથી ચાર ઘટનાઓ બની ચૂકી હોવાનું જણાવાયું છે, જેમાં સદનસીબે લોકોનો જીવ બચી ગયો હતો. દરિયામાં મોજાં અને કરંટની સ્થિતિ ક્યારે જોખમી બની જાય તે કહી શકાય નહીં. તેથી પર્યટકોએ પ્રશાસનની ચેતવણીને ગંભીરતાથી લેવી અને પ્રતિબંધિત વિસ્તારમાં દરિયામાં ન ઉતરવું જરૂરી છે. મનાઈ હોવા છતાં તોફાની દરિયામાં નાહવા જવું પોતાના જીવનને જોખમમાં મૂકવા સમાન છે.
આ પણ વાંચો: પ્રતિબંધ છતાં દરિયામાં ન્હાવા પડ્યા, દમણમાં યુવક તણાયો; રેસ્ક્યુ ઓપરેશન શરૂ
આ પણ વાંચો: દમણની બાંસવાડા ગાર્મેન્ટ્સ પર ₹1.47 કરોડનો દંડ: પ્રદૂષણના મામલે વીજ કનેક્શન પણ કાપ્યું
આ પણ વાંચો: દમણના ડાભેલમાં તળાવમાં ન્હાતા ત્રણ કિશોરો ડૂબ્યા, એકનું મોત, બેની શોધખોળ ચાલુ
