ISIS Ideology Arrest Kutch: કચ્છ જિલ્લામાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે પશ્ચિમ કચ્છ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISISની વિચારધારાનો પ્રચાર કરનાર એક શખસને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ઝડપી પાડ્યો છે. આ શખસ છેલ્લા ચાર વર્ષથી સતત ઉશ્કેરણીજનક અને દેશવિરોધી સામગ્રી શેર કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
Kutch: SOGની બાતમી અને ઓપરેશન
પશ્ચિમ કચ્છ SOGને ગુપ્ત બાતમી મળી હતી કે ભુજ તાલુકાના લોડાઈ ગામનો રહેવાસી ફકીરમામદ ઈસા ગગડા સોશિયલ મીડિયા પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. પોલીસની ટેકનિકલ દેખરેખ અને તપાસમાં ચોંકાવનારા પુરાવા હાથ લાગ્યા હતા. આરોપી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી આતંકવાદી સંગઠન ISIS ને પ્રોત્સાહન આપતી અને લોકોમાં ઉશ્કેરણી ફેલાવતી પોસ્ટ્સ શેર કરતો હતો.
4 વર્ષથી ચાલતું હતું નેટવર્ક
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી માત્ર થોડા દિવસથી નહીં, પરંતુ છેલ્લા ચાર વર્ષથી સતત દેશની એકતા અને અખંડિતતા જોખમાય તેવું કન્ટેન્ટ પોસ્ટ કરતો હતો. તે ISIS ની કટ્ટરવાદી વિચારધારાથી પ્રભાવિત હતો અને અન્ય લોકોને પણ તેમાં જોડવા કે ઉશ્કેરવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો.
મોટા નેટવર્કની આશંકા, પોલીસ તપાસ તેજ
પશ્ચિમ કચ્છ SOG દ્વારા આરોપી વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલમાં પોલીસ વિવિધ મુદ્દાઓ પર ઊંડી તપાસ કરી રહી છે. આ તપાસમાં મુખ્યત્વે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે આ શખસ અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક આતંકી નેટવર્ક સાથે સીધો સંપર્ક ધરાવે છે કે કેમ, તેમજ તેના મોબાઈલ અને લેપટોપ જેવા ડિજિટલ ઉપકરણોમાંથી કઈ કઈ વાંધાજનક વિગતો મળી છે તેની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ કોણ ઓપરેટ કરતું હતું અને તેના ‘ફોલોઅર્સ’ માં કોણ કોણ સામેલ છે તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સોશિયલ મીડિયા પર બાજ નજર
કચ્છ પોલીસ હાલમાં સોશિયલ મીડિયા પર સતત દેખરેખ રાખી રહી છે. પોલીસ તંત્રએ નાગરિકોને કડક ચેતવણી આપી છે કે કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક, ધાર્મિક લાગણી દુભાય તેવી કે રાષ્ટ્રવિરોધી પોસ્ટ શેર કરવી નહીં. આવી કોઈપણ પ્રવૃત્તિ કરનાર સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: કચ્છમાં 15 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જતાં મોત
આ પણ વાંચો: કચ્છમાં આવતીકાલે 422 બેઠકો માટે યોજાશે મતદાન, ભાજપની 26 બેઠકો પહેલેથી જ બિનહરીફ
આ પણ વાંચો: કચ્છમાં ખનીજ માફિયાઓ પર સપાટો! ગઢશીશાની સીમમાં ચાલતી બેન્ટોનાઇટ ચોરી પર LCB નો દરોડો
