Tapi News : વ્યારા ખાતે આવેલી આદિત્ય એલ્યુમિનિયમ કંપનીમાં ફરનેશ ઓઇલ ખાલી કરવાની પ્રક્રિયા દરમિયાન ટેન્કરમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં 5 કર્મચારીઓને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ વ્યારા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સારવાર માટે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આ અંગે તપાસ ચાલી રહી છે.
ઈજાગ્રસ્તોમાં સોનગઢના રમેશભાઈ ઠાકોરભાઈ ગામીત, વ્યારાના હરેશભાઈ સુરેશભાઈ કોંકણી, ચિખલવાવના શૈલેષભાઈ મોહનભાઈ ગામીત, નાની ચીખલીના મહેશભાઈ શંકરભાઈ ગામીત અને સોનગઢના નટવરભાઈ રતનજીભાઈ ગામીતનો સમાવેશ થાય છે. તાપીના નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ નરવાડે જણાવ્યું હતું કે, આજરોજ વ્યારા શહેરના ચીખલી રોડ ખાતે આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે. ત્યાં એલ્યુમિનિયમનું કામકાજ થાય છે. તો ત્યાં એક ટેન્કર જે ફર્નેસ ઓઇલ લઇને આવેલું અને ટેન્કર ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ હતી.
એ સમયગાળા દરમિયાન અહીંયા અચાનક બ્લાસ્ટ થતાં કામ તો કરતા મજૂરો 15થી વધારે હતા, પરંતુ પાંચ જેટલા વ્યક્તિઓ દાઝી ગયા છે. જે પૈકી એક વ્યક્તિને 20% જેટલું બર્ન્સ છે. જેમને હાલ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે અને આ કામે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને આ કામે ફોરેન્સિકના અધિકારીઓને પણ સ્થળ ઉપર બોલાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આજરોજ વ્યારા ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો કે આશરે 1:30 વાગ્યે વ્યારા શહેરની બહાર આવેલા ચીખલી રોડ ઉપર એક આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એ કંપનીમાં એક ટ્રકની અંદર આગ લાગી છે. એમ ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ ગઢવીએ જણાવ્યું હતું. આ અંગે જાણ થતાં અમારી ફાયર ટીમ તુરંત જ ઘટનાસ્થળ ઉપર આવી પહોંચી હતી અને આગને સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો છે. નુકસાન અંદાજે તો ખ્યાલ નથી, પણ અત્યારે અમે એવું અહીંયા સ્થળ ઉપર આવ્યા પછી એવું જાણવા મળ્યું કે ટ્રકમાંથી ઓઇલને બહાર કાઢવામાં આવી રહ્યું હતું અને ઓઇલ સંપૂર્ણપણે બહાર નહોતું નીકળ્યું અને એમાં આગ લાગી અને બ્લાસ્ટ થયો હતો અને જેથી આગ લાગી હતી.
ઈજાગ્રસ્ત કર્મચારીઓમાં રમેશભાઈ ઠાકોરભાઈ ગામીત, રહે. ટોકરવા કોલોની ફળિયું, તા. સોનગઢ, જી. તાપી, હરેશભાઈ સુરેશભાઈ કોંકણી, રહે. ભોજપુર નજીક દુકાન ફળિયું, તા. વ્યારા જિ. તાપી, શૈલેષભાઈ મોહનભાઈ ગામીત, રહે. ચિખલવાવ, તા. વ્યારા, જિ. તાપી, મહેશભાઈ શંકરભાઈ ગામીત, રહે. નાની ચીખલી નવું ફળિયું, તા. વ્યારા અને નટવરભાઈ રતનજીભાઈ ગામીત, રહે. ધમોડી વડ ફળિયું, તા.સોનગઢ, જિ. તાપીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:જેતપુરમાં સાડી યુનિટમાંથી 34 બાળ મજૂરોને બચાવાયા
આ પણ વાંચો:અમદાવાદમાં મેટ્રો સ્ટેશનના બાંધકામમાં 6 જેટલા બાળ મજૂરો મળી આવ્યા
આ પણ વાંચો:સાડીના કારખાનામાં CIDક્રાઈમની રેડ, 35 જેટલા બાળ મજૂરોને છોડાવ્યા

