દર્દનાક અકસ્માત/ મુંબઈ-અમદાવાદ હાઈવે પર જ્યાં સાયરસ મિસ્ત્રીની કાર ટકરાઈ એ જ જગ્યાએ આ વર્ષે 62 લોકોના મોત

સાયરસ મિસ્ત્રીની કાર મુંબઈ-અમદાવાદ હાઈવેના જે ભાગમાં અકસ્માતનો ભોગ બની હતી ત્યાં આ વર્ષે 262 અકસ્માતો થયા છે, જેમાં 62 લોકોના મોત થયા છે અને 192 લોકો ઘાયલ થયા છે.

Top Stories India
મુંબઈ-અમદાવાદ હાઈવે

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં કાર અકસ્માતમાં મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. સત્તાવાર ડેટા દર્શાવે છે કે મુંબઈ-અમદાવાદ હાઈવે ના તે ભાગ પર આ પહેલી ઘટના નથી. ત્યાં આ વર્ષે માર્ગ અકસ્માતમાં 62 લોકોના મોત થયા છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, થાણેના ઘોડબંદર અને પાલઘર જિલ્લાના દપચારી વચ્ચેના મુંબઈ-અમદાવાદ હાઈવેના 100 કિલોમીટરના પટમાં આ વર્ષે 262 અકસ્માતો થયા છે. આ અકસ્માતોમાં ઓછામાં ઓછા 62 લોકોના મોત થયા છે અને 192 લોકો ઘાયલ થયા છે. હાઈવેના આ પટ પર અકસ્માતોની મોટી સંખ્યાનું મુખ્ય કારણ વાહનોની વધુ ઝડપ અને તેમની નિર્ણય લેવાની ભૂલો છે. રસ્તાની નબળી જાળવણી, યોગ્ય ચિહ્નોનો અભાવ અને વાહનોની ઝડપને નિયંત્રિત કરવાના પગલાંનો અભાવ વધુ અકસ્માતોનું કારણ બની રહ્યું છે.

ચરોટી પાસે 25 ગંભીર અકસ્માત સર્જાયા

મહારાષ્ટ્ર હાઈવે પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચરોટી પાસે, જ્યાં સાયરસ મિસ્ત્રીની મર્સિડીઝ કાર 4 સપ્ટેમ્બરે અથડાઈ હતી, ત્યાં આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 25 ગંભીર અકસ્માતો થયા છે. આ અકસ્માતોમાં 26 લોકોના મોત થયા છે. તે જ સમયે, મનોર પાસે 10 અકસ્માતોમાં 11 લોકોના મોત થયા છે.

ચરોટીમાં છે બ્લેક સ્પોટ  

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ચરોટી એ અકસ્માતોમાં બ્લેક સ્પોટ છે. સૂર્યા નદી પરના પુલ પહેલાં રસ્તો વળે છે. અહીં ત્રણ લેનનો રસ્તો ટુ-લેન સુધી સાંકડો થાય છે. બ્લેક સ્પોટ હોવા છતાં પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. તે જ જગ્યાએ ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે ચલાવતી હાઇસ્પીડ કાર રોડ ડિવાઇડર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં કારની પાછળની સીટ પર બેઠેલા મિસ્ત્રી અને તેના મિત્ર જહાંગીર પંડોલેનું મોત થયું હતું. અનાહિતા અને તેના પતિ ડેરિયસ (જે આગળની સીટ પર બેઠેલા) ગંભીર રીતે ઘાયલ થયા હતા.

રસ્તાની જાળવણીની જવાબદારી ખાનગી એજન્સીની છે

અન્ય એક અધિકારીએ કહ્યું કે એવું લાગે છે કે માર્ગ સુરક્ષા માર્ગદર્શિકાની અવગણના કરવામાં આવી છે. આ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, પરંતુ જાળવણીની જવાબદારી ખાનગી ટોલ વસૂલ કરતી એજન્સીની રહે છે. માર્ગદર્શિકા મુજબ, એક એમ્બ્યુલન્સ દર 30 કિલોમીટરે સ્ટેન્ડ-બાય રાખવી જોઈએ અને ક્રેન અને પેટ્રોલિંગ વાહનો હોવા જોઈએ. મહારાષ્ટ્ર પોલીસે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને સલામતીનાં પગલાં અંગે નિષ્ણાત અભિપ્રાય માટે પત્ર લખ્યો છે અને સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટને રોડ સેફ્ટી ઑડિટ કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો: મહાકાલ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, એક વર્ષમાં મળ્યા આટલા કરોડ

આ પણ વાંચો:ગુજરાતમાં ચૂંટણી પહેલા ‘લોભામણીવાળા વચનોનો વરસાદ’, લોકોના મનમાં સવાલ – શું ભાજપ પણ વહેંચશે મફતની રેવડી?

આ પણ વાંચો:અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મોડીરાત્રે ફાયરિંગનો બનાવ,યુવકને માથાના ભાગમાં ગોળી વાગતા હાલત ગંભીર